જાતીય સતામણીના કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટની ટકોર: માનવ સર્જનનો આધારભૂત સ્તંભ “નારી”ની ગરિમાને ઠેસ ક્યારેય સાંખી ન લેવાય
કામ સ્થળ સહિતની તમામ સંસ્થાઓમાં જાતીય સતામણીના કેસો “શૂન્ય થવા અતિ જરૂરી: ન્યાયધીશ આશા મેનણ
નારી તુ નારાયણી… ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી એટલે કે “લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. “લક્ષ્મીજીની જેમ દરેક નારીની પૂજા કરવાનો આપણા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. અગાઉ પણ નારી “સબળા હતી જે છે અને રહેશે. એમાં કોઈ વિશિષ્ઠ પુરાવાની જરૂર નથી. માત્ર ભૂતકાળમાં ડોકીયું કરી દેવ માતા અદિતી, શાકલ્ય દેવી તો ભારતના આઝાદીકાળની મહિલા વિરાંગના રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, રાની ચેન્નમ્મા, ઈન્દિરા ગાંધી, સરોજીની નાયડુ, અંતરીક્ષ ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરનાર કલ્પના ચાવલાની પ્રતિભા વિશે જાણવાની જરૂર છે. આજના સમયે પણ મહિલાઓ દરેક ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. તમામ ક્ષેત્રે પુરુષોની સમોવડી બની છે. તેમ છતાં હજુ ઘણા અંશે સ્ત્રીઓ પ્રત્યે દુર્લભ સેવાઈ રહ્યું છે. તેમાં કોઈ બેમત નથી. જે નારી સમગ્ર માનવસર્જનનો આધાર સ્તંભ છે તેને “આબળા સમજવી એ લોકોની કેવી “ઓછી અને “ગંભીર માનસિકતા ગણી શકાય. જાતીને લઈ સ્ત્રીને “અબળા સમજવી એ સમાજ માટે ખૂબ જ નુકશાનકારક સાબીત થઈ શકે છે.
મહિલા વર્ગમાં પણ અલગ-અલગ વિચારધારા પ્રવર્તેલી છે. ઘણી મહિલાઓ અત્યાચાર સામે આવાજ ઉઠાવી પોતાના હક્ક-અધિકારનો બચાવ કરે છે તો ઘણી મહિલાઓ જાતીય સતામણી, ભેદભાવ, ઘરેલું હિંસાનો ભોગ બની ચૂપચાપ સહન કરે છે અને જાણે પોતે સ્ત્રી નામે અભિશાપ હોય તેમ અન્યાય સહે છે. આવી મહિલાઓએ જાગૃત થઈ અવાજ ઉઠાવવાની ખૂબ જરૂરી છે. ધાર્મિક ક્ષેત્રે તો મહિલાઓની ગાથા છે પણ આપણા બંધારણમાં પણ મહિલા-પુરૂષોને એક સમાન અધિકાર છે. ખોટી રીતે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને પીડિત કરી શકે નહીં. એકબીજાના મૂળભૂત અધિકારોનું હનન કરી શકે નહીં. આ બાબતે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે પણ સુચનો કર્યા છે અને જાતિય સમાતણીના કેસની સુનાવણી દરમિયાન સખ્ત વલણ અપનાવી કહ્યું હતું કે, માનવ સર્જનનો આધારભૂત સ્તંભ “નારીની ગરિમાને ઠેસ ક્યારેય સાંખી લેવાય નહીં. મહિલાઓ સાથે થતી જાતિય સતામણી કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય.
દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપતા કહ્યું હતું કે, દરેક કામના સ્થળે કે અન્ય કોઈ પણ સંસ્થાઓમાં મહિલાઓ સાથેના છેતરપિંડી કે જાતિય સતામણીના કેસ શૂન્ય થવા જોઈએ અને આ માટે સરકારે કડક પગલાં ભરવાની તાતી જરૂરિયાત છે. સુનાવણી કરતી ન્યાયધીશ રાજીવ સહાઈ અને આશા મેનણની બેંચે કહ્યું કે, જાતિય સતામણીના કેસો ગંભીર મુદો બન્યા છે. આ સંવેદનશીલ કિસ્સાઓને અટકાવી મહિલાઓના અધિકારોની રક્ષા કરવી સૌ કોઈની જવાબદારી છે. આ માટે ખુદ મહિલાઓએ પણ આગળ આવવું પડશે. જજ આશા મેનણે કહ્યું કે, મહિલાઓ ખુદ પોતાની ક્ષમતા પર શંકા ઊભી કરે છે. આમ કરી તે અન્યોને પણ આરોપ મુકવાની તક આપે છે જે વ્યાજબી નથી. સ્ત્રીઓએ જાગૃત થઈ પોતાની સક્ષમતા રજૂ કરવા આગળ આવવું જ જોઈએ. આ સાથે આત્મવિશ્ર્વાસ કેળવી અન્યો સમક્ષ પોતાનું મજબૂત ચીત્ર રજૂ કરવું જોઈએ. મહિલાઓ સબળા જ છે અને તેને સાબિત કરી બતાવવું જોઈએ.જણાવી દઈએ કે, દિલ્હીની એક મહિલાએ નોકરી કરતા સ્થળે સાથે કામ કરતા સાથીદાર વિરુધ્ધ જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી હતી જે તપાસ દરમિયાન સાબિત ન થતા મહિલા પર રૂ.૫૦ હજારનો દંડ ફટકારાયો હતો. જેના પગલે મહિલાએ દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેના અનુસંધાને ન્યાયધીશોની બેંચે આ અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, યોગ્ય પુરાવાઓ એકઠા થયા નથી એનો મતલબ એ નથી કે મહિલાની ફરિયાદ ખોટી જ હોઈ શકે.