ગુજરાતના રાજ્યસભાના ત્રણ સાંસદોની મુદ્ત આગામી 18મી ઓગસ્ટે પૂર્ણ: વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરાશે, જૂગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાના સ્થાને નવા ચહેરાને તક અપાશે
ગુજરાતના રાજ્યસભાના 11 પૈકી ત્રણ સાંસદોની મુદ્ત આગામી 18મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. આ ત્રણેય સાંસદો ભાજપના હોય આગામી ચૂંટણીમાં પણ ભાજપના જ ત્રણેય ઉમેદવારો વિજેતા બનશે. ગત સપ્ટેમ્બર-2021માં રાજ્યમાં નેતૃત્ય પરિવર્તન કરાયા બાદ 2022 વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની ટિકિટ પણ કાંપી નાખવામાં આવી હતી. ત્યારથી એવી વાતો વહેતી થઇ છે કે આ બન્ને નેતાઓને ભાજપ રાજ્યસભામાં લઇ જશે પરંતુ તેવી શક્યતા ખૂબ જ નહિવત દેખાય રહી છે. ઓગસ્ટમાં વિદેશમંત્રી એસ.જયશંકર, જૂગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની મુદ્ત પુર્ણ થઇ રહી છે. જે પૈકી એસ. જયશંકરને ફરી રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બાકીના બે સાંસદોની ટિકિટ કંપાશે. તેઓના સ્થાને નવા ચહેરાને તક આપવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જે પૈકી આઠ બેઠકો ભાજપ પાસે છે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપ 156 બેઠકો જીતી રાજ્યમાં ફરી સત્તારૂઢ થયું છે. સભ્ય સંખ્યાબળ જોતા આગામી વર્ષોમાં રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના સાંસદો હશે. 18 ઓગસ્ટના રોજ ગુજરાતના રાજ્યસભાના ત્રણ સાંસદોની છ વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ ત્રણેય બેઠકો માટે ચૂંટણી યોજાશે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાની છ વર્ષની મુદ્ત પૂર્ણ થઇ રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વિદેશ મંત્રી તરીકે ખૂબ જ સારી કામગીરી કરી રહેલા એસ.જયશંકરને રાજ્યસભાના સાંસદ તરીકે ફરી રિપીટ કરવામાં આવશે. જ્યારે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયાના સ્થાને બે નવા ચહેરાને રાજ્યસભામાં લઇ જવામાં આવશે.
મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી પદેથી નીતીનભાઇ પટેલની હકાલપટ્ટી કરાયા બાદ વિધાનસભાની ગત ચૂંટણીમાં પણ આ બન્ને નેતાઓને ટિકિટ આપવામાં ન આવતા એવી વાતો વહેતી થઇ હતી કે આ બન્ને નેતાઓને ભાજપ હાઇકમાન્ડ રાજ્યસભાના સાંસદ બનાવશે પરંતુ આ શક્યતા ખૂબ જ નહિવત છે. કારણ કે તાજેતરમાં ભાજપ દ્વારા લોકસભાની અલગ-અલગ બેઠકોની જવાબદારી દેશના 100 નેતાઓને સોંપવામાં આવી છે. જેમાં વિજયભાઇ અને નીતીનભાઇને દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં લોકસભાની બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ આ બન્ને નેતાઓ રાજ્યમાં સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હોય હવે તેઓને ખાલી રાજ્યસભામાં ખાલી સાંસદ બનાવવામાં ક્યારેય ન આવે જો તેઓને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવે તો ભવિષ્યમાં કેન્દ્રિય મંત્રી બનાવવાની પણ સ્થિતી સર્જાય જે શક્ય નથી. કારણ કે હાલ ગુજરાતમાંથી અમિતભાઇ શાહ, મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, એસ.જયશંકર, દેવુ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો.મહેન્દ્રભાઇ મુંજપરા કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. હવે ગુજરાતમાંથી નવા કોઇ સાંસદને કેન્દ્રીય મંત્રી બનાવી શકાય તેવી જગ્યા જ નથી.
બીજી તરફ રાજકોટમાંથી અગાઉ રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઇ મોકરિયા જવાબદારી નિભાવી રહ્યા છે. આવામાં રાજકોટને હવે રાજ્યસભાની ટિકિટ મળે તેવી કોઇ જ શક્યતા દુર-દુર સુધી દેખાતી નથી. 156 બેઠકો હોવા છતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રી મંડળમાં માત્ર 16 મંત્રીઓને જ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું નથી. જે જિલ્લાને મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વ મળ્યુ નથી. તે જિલ્લામાંથી રાજ્યસભાના ઉમેદવાર પસંદ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. રાજ્યસભાના સભ્ય પદ માટે વિધાનસભામાં ઓછામાં ઓછા 45 સભ્યો હોવા જરૂરી છે. કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. આવામાં આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખી શકે તેવી સ્થિતિમાં નથી.
એપ્રિલ-2024માં કેન્દ્રિય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા અને અમિબેન યાજ્ઞિકની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. એપ્રિલ બાદ ગુજરાતમાં રાજ્યસભાના 11 સાંસદો પૈકી 10 સાંસદો ભાજપના હશે અને એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ જ કોંગ્રેસ સભ્ય હશે.
ગુજરાતના રાજ્યસભાના સાંસદ
- ડો.મનસુખ માંડવીયા (ભાજપ)
- પરસોત્તમભાઇ રૂપાલા (ભાજપ)
- એસ. જયશંકર (ભાજપ)
- જૂગલજી ઠાકોર (ભાજપ)
- દિનેશ અનાવાડિયા (ભાજપ)
- રામભાઇ મોકરિયા (ભાજપ)
- નરહરિ અમીત (ભાજપ)
- રમિલાબેન બારા (ભાજપ)
- શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ)
- અમિબેન યાજ્ઞિક (કોંગ્રેસ)
- નારણભાઇ રાઠવા (કોંગ્રેસ)