અરબી સમુદ્રમાંથી આવેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના શહેરોમાં તારાજી સર્જી હતી પણ તેની અસરથી સુરેન્દ્રનગર જિલ્લાનો રણ વિસ્તાર પણ બાકાત રહ્યો નથી. તાઉતેના કારણે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, માળીયા, દશાડા સહિતના રણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
જેને લઈ અગરીયાઓએ પકવેલા મીઠાને ભારે નુકશાન થયું હતું. રણમાં કાળી મજૂરી કરી પકવેલા મીઠાને નુકશાન થતાં અગરીયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. જો કે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીઠુ પકવતા અગરીયાઓ પ્રત્યે સંવેદના દાખવી તેમને પ્રતિ એકર રૂા.3000 આપવાની આર્થિક સહાય જાહેર કરી હતી. 10 એકર સુધી જમીન ધરાવતા અગરીયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર 3000ની સહાય આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય અગરીયાઓને પચતો નથી.
એકરની જગ્યાએ કુટુંબ દીઠ સહાયની અગરીયાઓની માંગ
તાઉતેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં ભારે વરસાદથી રણમાં કાળી મજૂરી કરી મીઠુ પકવતા અગરીયાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે
અગરીયાઓની માંગ છે કે એકરની જગ્યાએ રાજ્ય સરકાર અમને કુટુંબ દીઠ રૂા.10 હજારની સહાય આપે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, ધ્રાંગધ્રા સહિતના પંથકના અસંખ્ય અગરીયા પરિવાર રણમાં રાત-દિવસ મહેનત કરી માંડ-માંડ જીવન નિર્વાહ કરી રહ્યાં છે ત્યારે વાવાઝોડાના કારણે થયેલી નુકશાનીમાં સરકાર પરિવાર દીઠ રૂા.10 હજારનું કેશડોલ ચૂકવે તેવી અગરીયાની માંગ છે.
અગરીયા એસો.ના પ્રમુખ ચકુંભાઈ ઠાકોરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આશરે 1 લાખથી વધુ અગરીયા પરિવાર રહે છે. જેમાં 15000 જેટલા અગરીયાઓ કાળી મજૂરી કરી મીઠુ પકવે છે ત્યારે તાઉતે વાવાઝોડાને લઈને મીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરીયાઓ પાયમાલ થયા છે. રાજ્ય સરકાર દ્વારા જે એકર દીઠ સહાયની જાહેરાત કરવામાં આવી છે તેના બદલે જે અગરીયાને નુકશાન થયું છે તેમને રાજ્ય સરકાર પરિવાર દીઠ રૂા.10000ના કેશડોલની જાહેરાત કરે તેવી અમારી માંગ છે.
- રાજ્યમાં મીઠાનાં કુલ 591 એકમ
- ભારતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 135 લાખ મેટ્રિક ટન
- ગુજરાતમાં મીઠાનું કુલ ઉત્પાદન : 20 લાખ મેટ્રિક ટન
- ગુજરાતમાં મીઠાના કુલ એકમો : 591
- ગુજરાતમાં મીઠા ઉદ્યોગથી પ્રત્ય-પરો રોજગારી: 1,51,000
- ખારાઘોડામાં મીઠાની નવી આવક – 12 લાખ મેટ્રીક ટન
- રણમાં પડેલું મીઠું : 5 લાખ મેટ્રિક ટન
- જૂનુ પડેલું મીઠું – 50 હજાર મેટ્રીક ટન
- વરસાદથી ખુલ્લા મીઠામાં ધોવાણ – અંદાજે 2 લાખ મેટ્રીક ટન (10થી 15 %)
- ખારાઘોડામાં મીઠાના કુલ ગંજા – અંદાજે 800
- રેલ્વેમાં વર્ષે નિકાસ – 4 લાખ મેટ્રીક ટન (વર્ષે)
- બાય રોડ દ્વારા મીઠાની નિકાસ – 4 લાખ મેટ્રીક ટન
દેશમાં 70 ટકા મીઠાનું ઉત્પાદન એકલા ગુજરાતમાં
દેશના કુલ મીઠા ઉત્પાદનમાં 70 ટકા મીઠુ એકલા ગુજરાતમાં જ પાકે છે. જેમાનું 35 ટકા મીઠુ તો સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલા કચ્છના નાના રણમાં પાકે છે. ખારાઘોળા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રીક ટન મીઠુ તો રણમાંથી ખેંચીને ખારાઘોળા ખાતે આવી ગયું છે. તાઉતેના પગલે ઝીઝુવાડા રણમાં, ધ્રાંગધ્રાના કુડા રણમાં અને ખારાઘોળા રણમાં વરસાદ ખાબકતા ભારે નુકશાન થવા પામી છે અને અગરીયાઓને લાખોનું નુકશાન થયું છે.
આકરા તાપ અને ઠંડીમાં અગરીયાઓ મીઠુ પકવે છે
અગરીયાઓ પોતાના નાના-નાના ભુલકાઓ સહિતના પરિવારજનો સાથે દર વર્ષે ઓકટોબર માસમાં રણમાં વર્ષના 8 મહિના કંતાનનું ઝુંપડુ બાંધી ધોમ ધખતા આકરા તાપ અને ગાત્રો થ્રીંજાવતી ઠંડીમાં રાત દિવસ મજૂરી કરી સફેદ મીઠુ પકવવાનું આકરૂ કામ કરે છે. અગરીયાઓ દ્વારા વેરણ રણમાં પકવવામાં આવેલ મીઠુ તૈયાર થયા બાદ 1લી એપ્રીલથી 10 જૂન સુધી મીઠાના અગરીયાઓ દ્વારા જેસીબી અને ડમ્પર સહિતના સાધનો વડે રણમાંથી મીઠુ ખેંચી ખારાઘોળા કે ઝીઝુવાડા લાવી મીઠાના લાઈનબદ્ધ ગંજા બનાવવામાં આવે છે પછી વેપારીઓ દ્વારા આખુ વર્ષ મીઠુ દેશના ખુણે-ખુણે રેલવે કે ટ્રક દ્વારા નિકાસ કરવામાં આવે છે.
વાવાઝોડામાં અગરીયાઓની સોલાર પેનલોને મોટુ નુકસાન
ધ્રાંગધ્રાના કુડા રણમાં અગરીયાઓના પાટામાં અને રણમાં તાઉતે વાવાઝોડાની અસરથી લાખોનું નુકશાન પહોંચ્યું હતું. ત્યારે ત્યાંના અગરીયાના પ્રમુખ ઠાકોરજીએ જણાવ્યું હતું કે, સરકાર આવી કોઈ કુદરતી આફત આવે ત્યારે ખેતીને થયેલા નુકશાનનું સર્વે કરી વળતર આપે છે. ત્યારે સરકાર દ્વારા અગરીયાઓને પણ હવે એકર દીઠ રૂા.3000ની આર્થિક સહાય અપાશે. જો કે, અહીંના લાખો અગરીયાઓ પાસે મીઠુ પકવવા માટે 1 એકરથી ઓછી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તાઉતેના કારણે અંદાજે 500થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે અગરીયાઓની સોલાર પેનલ ફંગોળાઈ ખેદાન-મેદાન થતાં અગરીયાઓને મોટી નુકશાન થઈ છે અને કોરોના કહેર વચ્ચે માંડ બેઠા થયેલા મીઠા ઉદ્યોગની કમર તૂટી જતાં મરણતોલ ફટકો પહોંચ્યો છે.