Table of Contents

સમાજ તેની માનસિકતા ક્યારે બદલશે

દિવ્યાંગો માટે સમાજે ‘અવરોધો તોડો-દરવાજા ખોલો જેવા હકારાત્મક અભિગમ લાવવાની જરૂર છે: 0 થી 18 વર્ષના તમામ છાત્રો માટે શિક્ષણ-સાધન સહાય સહિત તમામ સુવિધા વિનામૂલ્યે મળે છે : સમગ્ર શિક્ષા અભિયાનના આઇ.ઇ.ડી. વિભાગમાંથી તમામ સહાયની માહિતી મળે છે

વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમનાં પ્રશ્ર્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે અતિ આવશ્યક બાબત છે

સમાજમાં દરેક પ્રકારનાં લોકો વસી રહ્યાં છે, તેમાં સૌથી વધુ મુશ્કેલી સહન કરતા હોય તો તે છે વિકલાંગ, હવે આપણે તેને દિવ્યાંગ શબ્દથી ઓળખીએ છીએ. શારીરીક કે માનસિક ખામી હોવા છતાં તેમનામાં અખૂટ શક્તિનો દિવ્ય સંચાર હોય છે. સમાજ જીવનના રાજકીય, સામાજીક, આર્થિક અને સામાજીક-સાંસ્કૃતિક સાથે દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને જોડવાથી થઇ શકતા લાભો વિશે સમાજને જાગૃત કરવાની જરૂરીયાત છે. દેશમાં ઘણી સંસ્થાઓ એમના ઉત્કર્ષ માટે કાર્યરત છે પણ જ્યાં સુધી સમાજનો માનસિક બદલાવ ન આવે ત્યાં સુધી ધાર્યા પરિણામો નહી મળે.

વિકલાંગ કે દિવ્યાંગ વ્યક્તિઓને અવરોધ મુક્ત વાતાવરણ પુરૂ પાડવાની સમાજની જવાબદારી છે. તેમના માટે શિક્ષણ-રોજગાર જેવી વિવિધ સમસ્યામાં સમાજનો, સરકારનો સાથ જરૂરી છે. શારિરીક કે માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિને તથા તેના પરિવારને પારાવાર મુશ્કેલી પડી રહી છે એવા સમયે સમાજે તેના પડખે ઉભા રહીને મદદરૂપ થવું તે આજના સમયની માંગ છે. દિવ્યાંગો માટે સમાજે “અવરોધો તોડો-દરવાજા ખોલો” જેવો હકારાત્મક અભિગમ લાવવાની જરૂર છે.

વિકલાંગતાના પ્રકારો અને તેની ચોક્કસ વ્યાખ્યા દરેક નાગરિકે જાણવી જરૂરી છે. છેલ્લા સરકારી પરિપત્ર મુજબ દિવ્યાંગની 21 કેટેગરીમાં સંપૂર્ણ અંધ, અલ્પદ્રષ્ટિ, શ્રવણ મંદ, વાણી ભાષા, દિવ્યાંગતા, હલન-ચલનની ક્ષતિ, માનસિક બિમારી ચોક્કસ શીખવાની ક્ષતિ, મગજનો લકવો, સ્વલિનતા, બહું વિકલાંગતા, રક્તપિત્ત, ઠીંગણાપણું, મંદબુધ્ધિ, હિમોફિલીયા, સિકલસેલ, એસીડ હુમલાનો ભોગ બનનાર, લકવો, સ્નાયવિક કુપોસન જેવીનો સમાવેશ થાય છે. એસિડ એટેકમાં ભોગ બનનાર મહિલાઓની ભયંકર વેદનામાં સાથ સહકાર જરૂરી બને છે. તેના સ્વમાનભેર જીવન જીવવા તમામ ક્ષેત્રની મદદ સમાજે કરવી જ પડે.

apang

વિકલાંગ ધારો 2016 અનુસાર તેમના માટે ‘દિવ્યાંગ’ શબ્દ અમલમાં આવ્યો. 0 થી 18 વર્ષના બાળકો માટે શિક્ષણ સાધન સહાય, રિર્સોસ સેન્ટરો જેવી તમામ સુવિધા સરકાર તરફથી વિનામૂલ્યે અપાય છે. તેના નિષ્ણાંત શિક્ષકો દ્વારા આવા બાળકોની વિશેષ કેર કરીને તેના વિકાસ બાબતના વિવિધ કાર્ય-પ્રોજેક્ટ ચાલે છે. તેમને રેલ્વે, બસમાં ફ્રી મુસાફરી સાથે શિષ્યવૃતિ-શાળાએ જવા-આવવા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા સહાય પ્રોજેક્ટ ચાલે છે. સમગ્ર શિક્ષા અભિયાનમાં આઇ.ટી.ડી. વિભાગ કાર્યરત છે. આજનાં દિવસે સૌ એ જાણકારી મેળવી તેના પ્રચાર-પ્રસારના તમામ પ્રોજેક્ટમાં મદદરૂપ થવું જોઇએ.

સમાજનો દિવ્યાંગ સમુદાય તેની ખામીને કારણે વિકાસથી વંચિત રહી ગયેલ છે. યુનો દ્વારા 1968થી દર 3 ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ ઉજવાય છે. 1981નું વર્ષ તો આખુ વર્ષ વિશ્ર્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવાયું હતું. આજના દિવસે જ 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી. જેને કારણે અનેક લોકો શારિરીક કે માનસિક વિકલાંગ થયાને અમુકના મોત થયા હતાં. આવી વ્યક્તિઓને સમાજમાં માનભેર જીવન નિર્વાહ મળે તથા તેમની સ્વિકૃતિ મળે તે માટે દરેક નાગરિકે ફરજ બજાવવી પડશે. 6 થી 16 વર્ષના દિવ્યાંગ બાળકોને શિક્ષણ બાબતની જરૂરિયાત પૂર્તતા માટે સમગ્ર શિક્ષા અભિયાન શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું છે. ‘સ્પેશિયલ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન’ વિશે દરેક શિક્ષકને તાલિમ આપીને તેનાં વિકાસમાં મદદરૂપ થવું પડશે.

ભારતના વડાપ્રધાન મોદીજીએ 2015માં વિકલાંગ શબ્દને બદલે દિવ્યાંગ શબ્દથી સંબોધન કરીને તેમનું સન્માન અને ગૌરવ વધારેલ હતું. પહેલા ફક્ત 7 પ્રકારની વિકલાંગતા હતી. બાદમાં નવા આર.પી.ડી. એક્ટ 2016 મુજબ નવી 14 ઉમેરીને હાલ 21 કેટેગરીનો સમાવેશ થયો છે. એના માટે ખાસ ‘ખેલ મહાકુંભ’ યોજાય છે જેને કારણે રાજ્યકક્ષા, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે દિવ્યાંગો ગોલ્ડ મેડલ જીતી લાવ્યા છે. દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાની માહિતી ફોર્મ જે-તે જીલ્લાના સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતેથી મળી શકે છે.

અષ્ટાવક્ર ઋષીએ અષ્ટાવક્રગીતાની રચના કરી, સુરદાસ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કૃષ્ણ ભક્તિના અનેક પદો સમાજને આપ્યા. લુઇ બ્રેઇલીએ ‘બ્રેઇલ’ લીપી લખી. આવી અનેક સિધ્ધી દિવ્યાંગો મેળવી છે. કુદરત એક શક્તિ છીનવે તો બીજી શક્તિનો ભંડાર કે તાકાત આવે છે. આવા લોકો સમાજ પાસે દયા નહીં, તેના અધિકારો માંગે છે, સમાજે તેનું રક્ષણ કરવું જરૂરી છે. જુના જમાનામાં બોલાતા વિવિધ શબ્દોને સ્થાને આજે 21મી સદીમાં માનવાચક શબ્દો બોલાય છે પરંતુ તેને જોઇએ તેટલો સહકાર પ્રજા કે સમાજ નથી આપતી તે એટલું જ સત્ય છે.

આજે દિવ્યાંગો તથા તેમના પરિવારને તેમના આહાર, ઉછેર સાથે જીવન જીવવામાં પડતી મુશ્કેલી બાબતે ચિંતા અને ચિંતન કરવાનો છે. ઘણીવાર તો એકલી સ્ત્રી પોતાના દિવ્યાંગ બાળકનું પેટે પાટા બાંધીને જતન કરતી જોવા મળે ત્યારે દિલ દ્રવી ઉઠે છે. સમાજનાં દરેક પાસાઓ ઉપર નજર કરતો માનવી આ તરફ ક્યારે જોશે તેની આશે આવા પરિવારો નજર માંડીને બેઠા છે. માત્ર એના નશિબ એવું માનીને નહીં પણ સમાજે તેને જોવાનો દ્રષ્ટિકોણ, માનસિકતા, વર્તન બદલવું જોઇએ.

-: હેલ્પ લાઇન :-

દરેક જીલ્લા-શહેરોમાં ટ્રોલ ફ્રી હેલ્પલાઇન ચાલે છે, જેનો નંબર – 1800-233-7965 છે.

રકારી શાળામાં નોર્મલ બાળકોની સાથે જ ભણે છે દિવ્યાંગ બાળકો

સમગ્ર શિક્ષા અભિયાનના આઇ.ઇ.ડી. વિભાગ દ્વારા દિવ્યાંગ છાત્રો માટે વિવિધ યોજના અંતર્ગત તેઓને લાભ મળી રહ્યાં છે. આવા છાત્રોના કૌશલ્યવર્ધકના રીસોર્સ રૂમ પણ ચલાવાય છે. જેમાં નિષ્ણાંતો આવા છાત્રોને તાલિમ અપાય રહી છે. 0 થી 18 વર્ષનાં દિવ્યાંગ છાત્રો માટે સરકારના આ આઇ.ઇ.ડી. વિભાગ સુંદરકાર્ય કરી રહી છે. દિવ્યાંગતા પ્રમાણેના વિવિધ સાધન સહાય પણ વિનામૂલ્યે અપાય છે. આવા સંતાનોના મા-બાપને પડતી મુશ્કેલીમાં ઘણી સંસ્થાઓ મદદરૂપ થાય છે. દિવ્યાંગ છાત્રો પોતાની દિનચર્યામાં પોતાના કામ જાતે કરી શકે તેવી ટ્રેનીંગ સેન્ટરોમાં અપાય છે. ઘણા વિકલાંગો તેના ખેલ મહાકુંભ ખૂબ જ સારી સિધ્ધી મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.