કોરોના મહામારી વચ્ચે રાજ્યના ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસરો અને ગુરુદ્વારા સુપર સ્પ્રેડર ન બને અને કોરોના સંક્રમણ આગળ ન વધે તે જોવાની જવાબદારી આપણા સૌની છે, તમામે રાજ્યની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી છે. તેમ રાજ્યના ધાર્મિક સ્થળો ખોલવા અંગે વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો, મહંતો અને વડાઓ સાથે આજે ચર્ચા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેથી વિડિયો કેન્ફરન્સના માધ્યમથી કેન્દ્રની ધર્મ સ્થળો ખોલવા અંગેની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ, શહેરોમાં આવેલા મોટા મંદિરો, મસ્જિદ, ચર્ચ, દેરાસર, ગુરુદ્વારા વગેરે ખોલવા અંગે વિવિધ ધર્મના વડાઓ, આગેવાનો સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ ધર્મ સ્થળો ખોલતા પહેલા આપણે કેન્દ્રની માર્ગદર્શિકાને અનુસરીને નિયમોને આધિન રહીને જ દર્શન, પૂજા-અર્ચના, ઈબાદત, પ્રાર્થના માટે ધર્મ સ્થળો ખુલ્લા મૂકાશે. આપણે રાજ્યના ધર્મ સ્થળો માત્ર દર્શન માટે જ ખોલી રહ્યાં છીએ. મંદિરોમાં આરતી, પ્રસાદ વિતરણ અને ચરણામૃત વગેરે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઉપરાંત કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી જૂન અને જુલાઈ માસમાં કોઈ ધર્મ સ્થાનો ઉપર કોઈ ઉત્સવ કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવશે નહિ. તેન જણાવ્યું હતું.