આજે વિશ્વ પુસ્તક દિવસ
તા.૨૩ એપ્રિલ, એટલે વિશ્વ પુસ્તક દિન. આ દિવસની શરૂઆત વર્ષ ૧૯૯૫માં વિશ્ર્વના મહાન લેખકો સેકસપીયર, ગારસીલાસો, સર્વાન્ટીસ જેવા મહાન લેખકોની મૃત્યુતિથિ નિમિતે યુનેસ્કો દ્વારા વિશ્ર્વ પુસ્તક દિનની ઉજવણીની વાંચન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે શરૂઆત થઈ છે. જે વાંચે છે તે નથી વાંચતો તેનાથી કંઈક વિશેષ જાણકારી મેળવે છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.
નરેન્દ્રભાઈ મોદીએ એક કોન્ફરન્સમાં કહેલું કે, ‘પુસ્તકો એ જ્ઞાનનો ખજાનો છે, તે તમને જીવન જીવવાની તાકાત આપે છે. પૂ.મોરારીબાપુએ કહ્યું છે કે, ગ્રંથનું વાંચન એ શ્રવણભકિત છે, તો રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, ધનબળ, શકિતબળ, આયુષ્યબળ તે સૌ કરતા ગ્રંથબળનું મહત્વ અનેકગણું છે. આમ, આવા તો અનેક નામી-અનામી સંતો, મહાપુરુષો, વિદ્ધાનોએ વાંચન વિશે ખુબ જ કહ્યું છે. ટુંકમાં પુસ્તક વાંચવું એ અગત્યનું છે. સાંપ્રત સમયની જરા વાત લઈએ તો અત્યારે ગુગલ વિશ્ર્વગુરુ તરીકે બિરાજમાન છે ત્યારે સૌ કોઈને ઈન્સ્ટન્ટ માહિતી જોઈએ છીએ. ફાસ્ટફુડના જમાનો છે તેમ ફાસ્ટબુકનો જમાનો આવી ગયો છે. જરૂરી ક્ધટેન્ટ/ માહિતી મળી ગઈ એટલે વાત પુરી.
પુસ્તક સ્પર્શનો આનંદ આજે રહ્યો નથી. મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સ્પર્શથી બધુ આંગળીના ટેરવે સ્ક્રોલ કરો અને વાંચો, જે પુસ્તકનો સ્પર્શ, પાના ફેરવવા, મોરનું પીછુ બુકટેગ તરીકે રાખવું એ આહલાદક આનંદ હવે નથી રહ્યો. આજે આ ઈન્ટરનેટ, વોટસઅપ, ફેસબુકના યુગમાં જોઈએ તો દિવસેને દિવસે દરેક જગ્યાએ પુસ્તક પ્રેમીઓ શોધવા જવા પડે છે. હા, ચોકકસપણે ડીજીટલ બુકસ વાંચનાર વર્ગ કદાચ વઘ્યો હશે પરંતુ કયાં છે એ વાંચકો કે જેઓને દિવસમાં કોઈ એક સારું પુસ્તક ન વાંચ્યું હોય તો ચેન ન પડતુ, કયાં છે એ વાંચકો કે જેઓ રાત્રે સુતા પહેલા કોઈ સારા ગ્રંથનું વાંચન ન કરે તો તેઓને ઉંધ ન આવતી ? આજે સામાન્ય રીતે આપણી સવાર મોબાઈલથી પડે છે, સવારે ઉઠીને ફોન ચાર્જ છે કે નહીં તે જોઈએ છીએ, પછી ગુડ મોનિર્ંગ મેસેજથી શરૂ થઈ અનેક સુવિચારો/ કુવિચારો આપણે ઠલવીએ છીએ. આપણા મનમાં. એવો એક બંદો બતાવો કે જેણે મોબાઈલમાં કોઈ આખી બુક સરસ રીતે વાંચી હોય.
આજે આપણા રાજકોટમાં જ ખુબ સારી કહી શકાય તેવી મ્યુ.કોર્પોરેશન સંચાલિત શ્રોફ રોડની અદ્યતન લાઈબ્રેરી, બ્રીટિશકાળ વખતની લેંગ લાઈબ્રેરી (અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલય) જેવી રાજકોટમાં આશરે ૧૩ જેટલી પબ્લીક લાઈબ્રેરી, આર.એમ.સી.નું ફરતું પુસ્તકાલય જેવી ખુબ સારી રીતે ચાલતી અને ઉતરોતર વાંચકો વધી રહ્યા છે તેવી લાઈબ્રેરી પણ અહીં જોવા મળે છે, સવાલ છે ફકત વીલીંગનેસનો, વાંચનનો અને વાંચ્યા બાદ મળનારા આનંદનો, જ્ઞાનનો, વાંચન તૃપ્તિના ઓડકારનો.
પુસ્તકવાંચનથી સાઈબર ક્રાઈમ ન થાય પરમાત્મા સુધી પહોંચાય. પુસ્તકવાંચનથી હાશકારો થાય, જીવનમાં સારો ટર્નીંગ પોઈન્ટ આવી શકે, જીવન જીવવા જેવું લાગે. શુભ અને મંગલ વિચારો પ્રાપ્ત થાય. આત્મા-પરમાત્માની ઓળખ થાય. આજે રાજકોટમાં જ રાજકોટ નાગરિક સહકારી બેંક નિયમિત દર મહિને બુકટોક યોજીને પુસ્તકપ્રેમ જગાડે છે અને સમાજમાં સંસ્કાર સિંચન કરે છે તો બુધ સભા-સાહિત્ય સભા, સાહિત્ય ગોષ્ઠિ, પુસ્તક પરબ, વાંચન શિબિર, વાંચન વધારનારા વિવિધ કાર્યક્રમો રાજકોટનાં ઘણા સાહિત્યપ્રેમીઓ, પબ્લીક લાઈબ્રેરીઓ, એકેડેમિક લાઈબ્રેરીઓ અને સંસ્થાઓ કરી રહી છે.
માનવી પાષાણયુગથી શરૂ કરી આજ સુપર ફાસ્ટ એવા કોમ્પ્યુટર યુગમાં આવી પહોંચ્યો છે અને અનેકવિધ આઈ.સી.ટી.ટુલ્સ અને ટેકનોલોજીનો રોજબરોજ ઉપયોગ કરીને વિકસતો ગયો છે ત્યારે આ વિકાસની યશગાથાને જીવંત રાખનાર, આ સંસ્કારોને એક યુગથી બીજા યુગ સુધી જીવાડનાર જો કોઈ અનુસંધાન હોય તો તે છે ફકત અને ફકત પુસ્તક. શું એવું નથી લાગતું ??? આવું એક સારું પુસ્તક અને તેમાંનો એક સારો પેરેગ્રાફ એક સારી લીટી અરે અરે સારો શબ્દ પણ જો મનમાં વસી જાય તો જીવન આપણું ધન્ય બની જાય અને બુદ્ધ, ગૌતમ, મહાવીર, કૃષ્ણ, રામ, રહિમ, કબીર, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી, સ્વામિ વિવેકાનંદજી કે ઝવેરચંદ મેઘાણી જેવા અનેક મહાપુરુષો ફરીથી આ દેશમાં જન્મી શકે છે. વાંચે અને વંચાવે…એ જ અભ્યર્થના સહ આબાલ-વૃદ્ધ સૌ કોઈને ડો.તેજસ શાહ, (લાઈબ્રેરીયન-વીવીપી એન્જી. કોલેજ, મો.૭૫૬૭૦ ૪૯૩૦૧) ના હેપી વિશ્ર્વ પુસ્તક દિનની શુભભાવનાઓ સહ, ઉજાળવો હોય જો જીવન પંથ, તો જરૂર વાંચજો કોઈ સુંદર ગ્રંથ.