- અમરેલીના જશવંતગઢ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
- 200 પોલીસ જવાનોની અલગ અલગ 14 ટીમોની તપાસમાં રહસ્ય ખુલ્યું
- પત્નીની ચડામણી કરી સાસુ લગ્નજીવન સરખું ચાલવા ન દેતા હોય તેવી આશંકાએ ખૂન કરી નાખ્યું
અમરેલીના જશવંતગઢ ગામે એકાદ સપ્તાહ પૂર્વે નાયબ મામલતદારની માતાનિ હત્યાનો બનાવ બન્યો હતો. જે મામલામાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. વૃદ્ધ સાસુને જમાઈએ જ રહેસી નાખ્યાનો ખુલાસો થતાં ફિલ્મને ટક્કર મારે તેવી ક્રાઇમ સ્ટોરીસામે આવી છે.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગત તારીખ 28 નવેમ્બરે અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાના ચિતલના જસવંતગઢ ગામે રહેણાંકી મકાનમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગેની માહિતી જાહેર થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ઉપરાંત આ કેસ ઉકેલવો કેવી રીતે તે પ્રશ્ન હતો. કારણ કે નાના એવા ગામડાઓમાં સીસીટીવી પણ વધુ હોતા નથી. જોકે કેસનું ગૂંચળું ઉકેલવા અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની છેવાડેના મકાનમાં રહેતા હોવાની બાતમીના આધારે પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ છે તેના સુધી પોલીસ કેવી રીતે પહોંચી તે પણ રસપ્રદ બાબત છે. પોલીસ તપાસમાં સામે આવ્યા પ્રમાણે, 11 વર્ષના લગ્ન સંસારમાં પત્ની સાથે મનદુ:ખ થતા પત્ની અવારનવાર પિયરમાં આવી જતી હતી. જેમાં સાસુ પ્રભાબેન તેનો સહકાર આપતી હતી. આ વાતથી નારાજ જમાઈ નયન જોશીએ હત્યાનું એક ષડયંત્ર યોજ્યું હતું. આરોપી 28 નવેમ્બરે જસવંતગઢ આવ્યો અને પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધારીયું લઈને બાઇક મારફતે સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધારિયાથી ઘા મારીને હત્યા કરીને બાઇક પર નાસી છૂટ્યો હતો.
પોલીસે આ હત્યારાને શોધવા આકાશ પાતાળ એક કર્યા ’ને અનેક સોર્સ અને સરવલેન્સ દ્વારા 14 ટીમ બનાવી હતી. જિલ્લાના ચુનંદા 200 પોલીસની ટીમ બનાવીને અલગ અલગ એન્ગલ વડે તપાસ કરતા એક બાઇકમાં યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો. પોલીસે તે અંગે ઝીણવટ ભરી તપાસ કરતા રાંઢીયા ગામે પણ સીસીટીવીમાં આ હત્યારો હોવાની શંકાના આધારે આગળ તપાસ કરી. શંકા વધુ દ્રઢ ત્યારે બની જ્યારે બાઇકના આધારે પોલીસે તપાસ કરતા આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસણા વખતે જોવા મળી, જે બાબત પોલીસે ધ્યાને લીધી હતી. જે બાઇક અંગે તપાસ કરતા જમાઈ નયન જોશીની બાઇક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નયન જોશીની અટકાયત કરી ઉલટ તપાસ કરતા આખી હત્યાનો પર્દાફાશ થયો હતો.
અમરેલી એસપી હિમકરસિંહે મીડિયા સમક્ષ આરોપી નયન જોશીને લાવીને પ્રેસ કોન્ફરન્સ યોજી જમાઈના હાથે થયેલી સાસુની હત્યા પરથી પરદો ઊંચકયો હતો.પોતાની જ સાસુની હત્યા કરીને પરિવાર સાથે સાંત્વાના આપતા હત્યાના આરોપી જમાઈને પોલીસે પકડીને શેરડી કાપવાનું ધારીયું કે જેના દ્વારા હત્યા થઈ હતી તેને પણ કબ્જે લીધું હતું. ઉપરાંત જે બાઇક મારફતે ઘટના બની તેણે પણ કબજે લઈને નયન જોશી સામે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. તપાસમાં સાસુની હત્યા ખુદ જમાઈએ જ કરી હોવાનું સત્ય બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. આમ, પોલીસે એક પ્રિ-પ્લાન્ડ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.