આપણા અમૂલ્ય વારસાને સાચવવાની જવાબદારી આપણી છે: રાજકોટ કલેકટર પ્રભવ જોષી
મહાત્મા ગાંધી મ્યુઝિયમના આંગણે સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું
પ્રદર્શનમાં ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ સંસ્થા દ્વારા છેલ્લા 40 વર્ષમાં કરાયેલ સાંસ્કૃતિક જાળવણીના કાર્યોની નોંધ, વિગત, ફોટો, માહિતી પ્રદર્શિત કરાઈ: કલેકટર પ્રભવ જોષી અને ડી.ડી.ઓ ડો. નવનાથ ગવહાણે સહિતનિા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ એ ભારતના સાંસ્કૃતિક વારસા અને વિસરાતી જતી વિરાસત માટે કામ કરતી એક સ્વાયત્ત સંસ્થા છે જેના રાજકોટ ચેપ્ટર દ્વારા તારીખ 21 થી 23 જૂન એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પ્રભાવ જોષી રાજકોટ જિલ્લા કલેક્ટર અને ડો. નવનાથ ગવહાણે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોષીએ પ્રદર્શન નિહાળી ને કહ્યું કે ‘સમગ્ર દેશના સમૃદ્ધ વારસાની જાળવણીના સફળ પ્રયાસો જોઈને ખૂબ જ આનંદ થયો હતો’.
આપણી અમૂલ્ય વારસાને સાચવવાની જવાબદારી આપણી સહુની છે આ પ્રદર્શનમાં ઈન્ટેક સંસ્થાની 231 શાખા દ્વારા છેલ્લા 40 વર્ષમાં કરાયેલ સાંસ્કૃતિક જાળવણીના કાર્યની નોંધ, વિગત, ફોટો તેમજ માહિતી પ્રદર્શિત કરવામાં આવેલ. આ પ્રદર્શનમાં મુખ્યત્વે દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા,ગામમાં આવેલ સ્થાપત્ય, શિલ્પ, બાંધકામ તેમજ નૃત્ય, નાટ્ય, સંગીત અને હાથવણાટ જેવી પરંપરાગત શૈલીની કલાઓ અને કલાકારો તેમજ સ્થાપત્યના જતન અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ તેની વિસ્તૃત દસ્તાવેજી માહિતી રજૂ કરવામાં આવેલ.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવહાણેએ રાજકોટ શહેર તથા જિલ્લાની જાણતા ને અપીલ કરતા કહ્યું કે ’આપણા અમૂલ્ય વારસો ને સાચવવાની જવાબદારી આપણી સહુને છે. જ્યારે ઈન્ટેક ભારતના પ્રખ્યાત વારસાને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે આપણે સહુ એ એમને આપણા થી બનતો સાથ આપવો જોઈએ’. આ પ્રદર્શન શહેરના અનેક કલાકાર મિત્રો, ચિત્રકારો, સ્થાપત્ય પ્રેમીઓ, આર્કિટેક્ટ, શિક્ષકો સહિત અંદાજે 300 થી વધુ લોકોએ માણ્યું હતું.
આ પ્રદર્શન ના ઉદઘાટન પ્રસંગે ખાસ દિલ્હીથી હેરિટેજ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન સર્વિસ ડિપાર્ટમેન્ટના વડા પૂર્ણિમાબહેન દત્ત ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જાણીતા ઇતિહાસવિદ ડો.પ્રદ્યુમન ખાચર , શિક્ષણવિદ અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડી વી મહેતા, રોઝરી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટી ડો. વિશાલ વારીયા તેમજ ખ્યાતનામ શિલ્પકાર તથા પ્રિન્ટ મેકર જયેશભાઇ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને ઈન્ટેક સભ્ય ડો. અનામિક શાહ આ પ્રદર્શનની રાજકોટના લોકો પર ખૂબ જ હકારાત્મક અસર થવાની આશા રાખે છે. આ તબક્કે રાજકોટ પોર્ટ્રેટ ક્લબના પ્રતિનિધિઓએ તેમની કલાનું અદભૂત પ્રદર્શન પણ કર્યું.
ઈન્ટેક રાજકોટના ક્ધવીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ભાઈ ઠાકર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી રાજકોટમાં આ પ્રવૃત્તિ અર્થે મહાત્મા ગાંધી મ્યુઝિયમ માં અનુકૂળ જગ્યા આપવા બદલ આભાર વ્યક્ત કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રદર્શન નો મુખ્ય હેતુ એ છે કે ‘રાજકોટના લોકોમાં હેરિટેજ અને જાળવણી અંગેની જાગૃતિ વધે અને સતત કલાક્ષેત્રે પ્રવૃત્તિમય એવા આ શહેરના લોકો વધુને વધુ વારસા અને સાંસ્કૃતિક જતનમાં પોતાનું યોગદાન આપે’. પ્રદર્શનનું સમાપન કરતા, રાજકોટ ચેપ્ટર ક્ધવીનર રિદ્ધિ બેન આ પ્રદર્શન ની સફળતા માટે તેમના ટીમના સભ્યો અભિષેક પાનેલીયા, મિતેશ જોષી, હિતેશ ખીમાણીયા, મનોજ ગોહિલ, હેમાંગી પટેલ, ખુશ્બુ ખુંટ, નિયતી શાહ, ચેતસ ઓઝા, પાર્થ, પાલ, મુસ્કાન, માનવ, નરેન્દ્ર અને અદિતિનો આભાર માને છે.