એકજુથ થઈ મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને પુન: સત્તા સ્થાન પર આરૂઢ કરીએ
રાજકોટના હેમુગઢવી હોલ ખાતે “મેં ભી ચોકીદાર હું અંતર્ગત ચોકીદારોનું યોજાયું વિશિષ્ટ સંમેલન
શહેરના ટાગોર રોડ પર આવેલ હેમુગઢવી હોલ ખાતે આયોજીત “મેં ભી ચોકીદાર હું કેમ્પેઈન અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશને સુરક્ષિત રાખનાર સૈન્યના જવાનો અને ચોકીદારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તમે લોકો પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી દેશની અંદર રહેલા લોકોના સાધન સરંજામની ચોકીદારી જીવની ચિંતા કર્યા વિના કરો છો ત્યારે દેશમાં ચોકીદારોને ચોર કહેનારો વર્ગ ઉભો થયો છે તે આપણા દેશની મોટી વિટંબણા છે.
વધુમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષ કહેતો હતો કે આ ચા વાળો દેશનું શું કરશે ? ત્યારે દેશના ચા વાળાઓએ કહ્યું હતું કે, અમે મહેનત કરીને અને ઈમાનદારીથી ચા વહેચીએ છીએ તમારી જેમ દેશ નથી વેંચતા. એ વિપક્ષ આજે પ્રધાનસેવક મોદીજી જયારે દેશની સુરક્ષા એક સજાગ ચોકીદારની જેમ કરી રહ્યાં છે ત્યારે તમામ વિપક્ષો એક થઈને ચોકીદારને ચોર કહીને દેશના તમામ ચોકીદારોનું પણ અવમુલ્યન કરી રહ્યાં છે ત્યારે એકજુથ થઈ મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીને પુન: સત્તાસ્થાન પર આરૂઢ કરીએ અને આપણને થયેલા અવમુલ્યનનો બદલો વાળીએ. આ બદલો પાછો વાળવા, મહત્તમ મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવી એ આપણી નૈતિક ફરજ છે એ ફરજને આપણે અચુક નિભાવીએ.
આ પ્રસંગે વિપક્ષોને આડે હાથ લેતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, મોદીજી ગરીબી જોઈ છે, પરીક્ષમ કર્યો છે અને દેશના પ્રધાનસેવક બન્યા છે જયારે કોંગ્રેસના શાહઝાદાને સીધુ જ વડાપ્રધાન બની જાવું છે. એ શાહજાદાને શું ખબર કે દેશમાં ચોકીદારો પર પણ હુમલાઓ અથવા બીજા લોકોના જાન-માલ બચાવવા માટે કયારેક પોતાનો જીવ પણ ગુમાવે છે એ ચોકીદારોને કોંગ્રેસ ચોર કહે છે. કોંગ્રેસ ખુદ નથી જાણતી કે તે સૌથી મોટા ચોર છે. કોંગ્રેસ તથા તેના સાથી મિત્રોએ આકાશ, પાતાળ અને જમીન એકેય ક્ષેત્ર બાકી નથી રાખ્યું. જયાંથી ચોરી ના કરી હોય.
આ પ્રસંગે વિપક્ષો પર વજ્રઘાત કરતા વિજયભાઈ રૂપાણી કહ્યું હતું કે, હજુ તો થોડા મહિનાઓ માંડ થયા છે સરકાર બન્યાને ત્યાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના સગા-સંબંધીઓના ૮૦૦ કરોડ પકડાય છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં ગુપ્ત આરજી, એપી એવા નામો જાહેર થઈ રહ્યાં છે એ લોકો તેના ચૂંટણી ઢંઢેરામાં કહે છે કે કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર નહી કરે, ત્રાસવાદીઓ પર કેસ નહીં કરવા દેવામાં આવે તેમજ લશ્કરના અધિકારીઓ પર કેસ કરવાની તમામને છુટ આપવામાં આવશે. આ ચૂંટણી ભારત-પાકિસ્તાનની છે કારણ કે દેશમાં રહેનારા સામ પિત્રોળા, નવજોતસિંહ સિધ્ધુ, મશીશંકર ઐયર વગેરે દેશમાં રહીને પાકિસ્તાનની દલાલી કરે છે. આવા સમયે દેશને નરેન્દ્રભાઈ મોદી તથા આપના જેવા સક્ષમ અને મજબુત ચોકીદારો જરૂર છે ત્યારે આપણી મતદાનની પવિત્ર ફરજને નિભાવીએ અને દેશમાં ખરા, પ્રમાણિક અને ઈમાનદાર ચોકીદાર એવા મોદીજીની સરકાર બનાવવામાં મહત્વનો ફાળો આપીએ.
આ તકે ૧૦-રાજકોટ લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, દેશનું રક્ષણ મોદીજી કરે છે તેમ દેશની અંદર રક્ષણ આપ કરો છો ત્યારે એટલી જ અપીલ કરવાની કે લોકો હરહંમેશ તમારા કામની નોંધ લે તેવું કાર્ય સતત અને અવિરતપણે કરતા રહેજો.
આ તકે ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજલીબેન ‚પાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ધનસુખભાઈ ભંડેરી, નરહરી અમીન, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણી, ભીખાભાઈ વસોયા, શહેર ભાજપ ઉપાધ્યક્ષ, વિરેન્દ્રસિંહ ઝાલા, ગુણવંતભાઈ ડેલાવાળા તથા વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરના ચોકીદાર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.