“શ્રી રામ પધાર્યા મારે ઘેર” પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવતા ઇન્દ્રભારતીબાપુ: મહોત્સવ પૂર્વે શહેરના શાસ્ત્રી મેદાન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં 5000 વાહનો અને 1000 જેટલાં સાધુ સંતોની હાજરી
વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં મિનિ અયોધ્યા નગરી બનાવવામાં આવી, પ્રભુ શ્રીરામની પ્રતિકૃતિ મુકાઈ: ભાવિકો આરતી-મહાપ્રસાદનો લાભ લઇ શકશે
શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય દિવ્ય મહોત્સવનો ’જયશ્રી રામ’ના ગગનચૂંબી નાદ સાથે દબાદબાભેર પ્રારંભ જયશ્રી રામ સાથે જણાવવાનું કે, અયોધ્યા મધ્યે જયારે શ્રીરામ પુન: બિરાજમાન થઇ રહ્યા છે ત્યારે રાજકોટના આંગણે પણ શ્રીરામલલ્લાના પધારમણીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય મહોત્સવ પરમ પરમ વંદનીય સંતશ્રી ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ)ના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. રાજકોટના આંગણે ’રામ મેદાન’(વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 17મી જાન્યુઆરીના રોજ મહોત્સવ પૂર્વે શહેરના શાસ્ત્રી મેદાન ખાતેથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 5000 વાહનો અને 1000 જેટલાં સાધુ સંતોની હાજરી સાથે ’શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવની શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળતા આખુ શહેર રામમય બની ગયું હતું. રાજમાર્ગો પર ’જયશ્રી રામ’નો ગગનચુંબી નાદ ગુંજી રહ્યો હતો. રાજમાર્ગો પર જયારે શોભાયાત્રા પસાર થઇ ત્યારે જાણે રાજકોટને ભગવા રંગે રંગી દેવામાં આવ્યો હોય અને રાજકોટ જાણે મીની અયોધ્યા બન્યું હોય તેવો અદભુત માહોલ ઉભો થયો હતો. શોભાયાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રી મેદાન ખાતેથી કરવામાં આવ્યું હતું જેમાં તમામ વર્ગ અને વર્ણના લોકો બહોળી સંખ્યામાં સનાતનના રંગમાં રંગાયા હતા. આ શોભાયાત્રા માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક, આનંદ બંગલા ચોક, મવડી ચોક, બાપા સીતારામ ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, મોકાજી સર્કલ, નાના મૌવા સર્કલ, કેકેવી ચોક, રૈયા ચોકડી, હનુમાનગઢી, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ થઇ રામમેદાન ખાતે પુર્ણાહુતી કરવામાં આવી હતી. જે બાદ રામ મેદાન ખાતે પરમ વંદનીય સંતશ્રી ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ)ના વરદ હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે શ્રીરામ લલ્લાની ભવ્ય આરતી કરવામાં આવી હતી. મહોત્સવમાં પૂજ્ય ઇન્દ્રભારતી બાપુનું સનાતન ધર્મ રક્ષક સમિતિના અધ્યક્ષ વિજયભાઈ વાંક અને માર્ગદર્શક ભરતભાઈ દોશી દ્વારા પ્રભુ શ્રીરામ, લક્ષમણ અને માતા સીતાની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે પરમ વંદનીય શ્રી ઇન્દ્રભારતી બાપુએ સનાતનીઓને સંબોધીત કરતા કહ્યું હતું કે, આ અવસર દિવ્ય અને ભવ્ય છે. આપણી ઘણી પેઢીઓએ આ અવસરની રાહ જોઈ હતી પરંતુ આજે એ અવસર આવ્યો છે તે આપણા સૌનું સૌભાગ્ય છે. ત્યારે સમગ્ર ભારતવર્ષના દિવાળી જેવો માહોલ બંધાયો છે. ફકત ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વમાં આજે શ્રીરામ લલ્લાના વધામણાં થઇ રહ્યા છે. આજે જયારે શ્રીરામ લલ્લાની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હૃદયપૂર્વક આશિર્વાદ આપું છું. પૂજ્ય બાપુએ વધુમાં કહ્યું હતું કે, આજે રાષ્ટ્ર્ર જે ઉન્નતિ કરી રહ્યું છે તેનો એકમાત્ર શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓ આપણા દિશાસૂચક બન્યા છે અને આજે આપણા શ્રી રામ લલ્લા પુન: બિરાજમાન થઇ રહ્યા છે તેનો એકમાત્ર શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓ આવા જ કાર્યો કરતા રહે તેવા હું આશિર્વાદ પાઠવું છું. આ મહોત્સવમાં નેશનલ એવોર્ડ વિજેતા મેઘાબેન વિઠ્ઠલાણી (મેગીસ ક્રિએશન) એન્ડ ટીમ દ્વારા શ્રી રામ લલ્લા આધારિત વિવિધ આધ્યાત્મિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આજે રામડાયરો કાલે અઘોરી મ્યુઝિક કાર્યક્રમ
વિરાણી હાઈસ્કૂલ ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આજે રાતે 8:30 કલાકે એક ભવ્ય રામડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રશિધ કલાકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે. આવતીકાલે મનમોહક અઘોરી મ્યુઝિકનો ક્રાયક્રમ રાખવામાં આવ્યો છે.જે મ્યુઝિક સાંભળવું શ્રોતા માટે લ્હાવો કહી શકાય.