• કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો
  • નર્સરીના લાભાર્થીઓને  એક ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિપત્ર આપી બિરદાવાયા
  • રાજકોટ જિલ્લામાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને એચ.એન્ડ બી. કોટક ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે 75મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મંત્રી  કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો અને વનોનું મહત્વ સમજીને આજથી 75 વર્ષ પહેલાં વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી. આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  રાજ્યકક્ષાના કાર્યક્રમથી લઈ અને હાલ આ મહોત્સવમાં તાલુકા, ગ્રામ્ય, નગરપાલિકા, મહાનગરપાલિકા કક્ષા સુધી લોકો સહભાગી બનતા થયા છે. ધાર્મિક અને પર્યટક સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કરવામાં આવી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રધાનમંત્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે  ’એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જનનીના ઋણ સાથે પ્રકૃતિના ઋણને અદા કરવા વૃક્ષારોપણનો સંદેશ આપણા પ્રધાનમંત્રીએ આપ્યો છે. રાજ્ય સરકારે આ વર્ષે સમગ્ર રાજ્યમાં 10 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે, આપણા જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પડાવમાં વૃક્ષો જોડાયેલા છે ત્યારે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે જનતા પણ સહભાગી બને તો આ અભિયાનમાં સોનામાં સુગંધ ભળશે.

આ તકે જિલ્લા કલેકટર  પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પર્યાવરણલક્ષી જાગૃતતા વધુમાં વધુ પ્રસરે તે માટે યુવાનોને પણ વૃક્ષારોપણ સાથે જોડવામાં આવી રહ્યા છે. ધાર્મિક સ્થળો ખાતે ખાસ વિશિષ્ટ સઘન વનીકરણ કરી પ્રકૃતિ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે વિંછીયા ખાતે 8,000 વૃક્ષોના વાવેતર સાથેનું મીનળવન તૈયાર કરવામાં આવ્યું છે, તો લોકોમાં પ્રાકૃતિક અભિગમ વધુ વિકસે તે માટે ઈશ્વરીયા તેમજ માલિયાસણ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ પણ વિકસાવવામાં આવી રહ્યા છે.

રાજકોટ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના અંતર્ગત 349 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં ઈશ્વરીયા પાર્ક તેમજ ગોંડલના જામવાડી ખાતે બે વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા જિલ્લામાં વૃક્ષારોપણ અંગે સારી કામગીરી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક  તુષાર પટેલે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ કાર્યક્રમમાં મંત્રી  તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વન વિભાગની ડીસીપી નર્સરી યોજના હેઠળના ત્રણ લાભાર્થીઓને ચેક અર્પણ કરી, વન વિભાગની વિવિધ યોજના હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વન કર્મીઓને પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે કોટક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રંગોળી, પોસ્ટર મેકિંગ, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ બાદ મંત્રી  તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ   રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા વિકાસ અધિકારી  નવનાથ ગવ્હાણે, સંસ્થાના પ્રિન્સિપાલ   ધરતીબેન જોશી, વન વિભાગના અધિકારી /કર્મચારી ઓ અને સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.