સમય પસાર કરવા માટે આપણે નિરર્થક વાતોમાં અતર્ગત શકિત વેડફીએ છીએ. આપણી ખામીઓ તો આપણે જાણતા નથી અને બીજાઓની ખામીઓની ટીકા કરીએ છીએ.
અભિપ્રાય આપીએ છીએ,
સરખામણી કરીએ છીએ.
તેઓ શું કરે છે અને શું નહિ તેની નકામી પંચાયતમાં ઉતરીએ છીએ,
વાકપટુતાને જોરે આપણે ખોટી વાતોનું પ્રતિપાદન કરીએ છીએ.
ગમે તે વિષય પરનીવાત પોતાના કેન્દ્ર પર લઇ આવીએ છીએ. પ્રશ્ન પૂછીને જવાબ સાંભવ્યા વિના પોતાની જ વાત કહેવા માંડીએ છીએ. બીજાની વાતો કયારેય દયા નથી, તલ્લીનતાથી સાંભળતા નથી.
આની સામે રાજકોટ શહેરની ધન્યતા સમા અને હોંશે હોંશે વંદન કરવાનું મન થાય એવા એક નાગરીકની માનસિકતા આપણા આવા તથા વર્તનથી તદ્દન વિપરીત હતી. નવરાશની પળોમાં તેઓ કાંઇને કાંઇ લખે અને આખો દિવસ કામમાં વ્યસ્ત રહે….
એમણે લખેલું – એમણે ચિંતન કરેલું,
‘જો હું મૌનની શકિત સમજી તો કેવું સારૂ’
પછી હું જરૂરી લાગે તે જ બોલીશ અને ત્યારે જ બોલીશ
સાચું લાગતું હશે તો જ બોલીશ
માવન સમાજના ‘ભલા’માટે હોય એવી ચર્ચા વિચારણામાં ભાગ લઇશ અને મારો યથાશકિત ફાળો આપીશ. પણ મારી જ વાત સાચી અને બીજાની ખોટી, એવો આગ્રહ નહિ રાખું, મારીવાણી સત્ય અને પ્રેમમાંથી જ જન્મશે મારા શબ્દો મધુર અને હિતકાર હશે મારી વાણી શુઘ્ધ અને નિર્મળ હશે.
પછી એ વાણી વડે હું પ્રભુની સાથે વાતો કરીશ, એવા વિશ્વાસ સાથે કે તેઓ મારી વાત સાંભળશે અને માનશે !….
રાજકોટની રૂડી ધન્યતા અપાવનાર ભદ્રજન તે પૂ. કુરજીબાપા….
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના મૂડી ઊચેરા માનવી તે શ્રી કુરજીભાઇ સાંગાણી….
૪૦-૪૫ વર્ષની વયે તેમને અંત:કરમાં એક તેજસ્વી ઝબકાર સાથે વિચાર આવ્યો કે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી તો દરેકને સુખ થાય તેવું કોઇ કામ કરવું જોઇએ.
એના ઉપલક્ષ્યમાં તેમણે વૃક્ષો વાવવાનું નકકી કર્યુ…. તેમને દેવતાઇ વાણી ફૂટી “વૃક્ષમાં પ્રભુનો વાસ છે.આવી દ્રઢ માન્યતા સાથે પૂ. કુરજીબાપાએ જોત જોતાંમાં સો, બસ્સો, હજાર, બે હજાર વૃક્ષો નવા ગામ વિસ્તારમાં વાવી નાખ્યાં. મોટો ઘડો ખભે લઇ મીઠું પાણી સિંચે ને વડલા ઉછેરે તેમાં પોતાના પ્રાણ રેડે…..
વૃક્ષો વાવી તેનાં રક્ષણ માટે કાંટાળી વાડ કરે, નિયમિત પાણી પાય અને ત્રણ ચાર વર્ષ માવજત કરે…. આ તેમનું રોજીદું નિયમિત કાર્ય બાજુના ગામ જેતપુર (કાઠી) માં તેમણે પ૦૦ વૃક્ષો વાવ્યાં શ્રી મોરારીબાપુએ આ વૃક્ષ પ્રેમી વડદાદાનું સન્માન કર્યુ હતું.
લોકોમાં એવી માન્યતા પ્રવર્તી હતી કે બાપાને, કુદરતનું વરદાન છે કે તેમના હાથે વાવેલું કોઇપણ વૃક્ષ વ્યર્થ જતું નથી. મોટા ભાગનાં વૃક્ષો ગામની સડકની નદીની બન્ને બાજુના કાંઠાઓ પર વાવવાનો જાણે એમનો યજ્ઞ !
ગામની ગાયો બપોરનાં પાણી પીને ઠેર ઠેર વિશ્રાંતિ લે એ જોઇને એમને ગોપાલ કૃષ્ણના દર્શનની ઝાંખી થતી હતી. એમાંય વાગોળતી ગાયોનાં ઝંડુ નિહાળીને તો એમને ગોકુળ-વૃંદાવનના દર્શનનું સુખ સાંપડતું હોવાનું તેઓ કહેતા.
આ ભદ્ર પુરુષને વૃક્ષો પ્રત્યે જેટલો પ્રેમ તેટલો જ આજુબાજુનાં ગામડામાં તેઓ ગાયોના લાભાર્થે ભાગવત સપ્તાહો ગોઠવતા હતા. આજુબાજુના ગામડાનાં તેમણે પંદર જેટલી ગૌશાળા બંધાવી હતી. સરકારમાંથી ૧૨૫ વીઘાની વીડી મેળવી ગાયોના નિરણની વ્યવસ્થા કરવાનો માનવીય ધર્મ તેમણે બજાવ્યો હતો.
આ બધું કરવા છતાં કુરજીબાપા તો પોતાને ફકત નિમિત્ત જ માને અને કુદરત જ આ બધું કરાવે છે એવું કહેતા ફરે ! ખુદ ભગવાનની સન્મુખ ઊભા રહીને એવું કહ્યા કરે આ બધું તમે આપેલા બળે જ થાય છે. અને તમારી કરુણાભરી દયાને કારણે જ થાય છે. પૂ. કુરજીબાપા નખશીખ નિરાભીમાની અને પગથી માથા સુધી નિર્માની હોવાથી સહુ એને વંદે !
ઋષિ જેવા પૂ. કુવજીબાપાએ તેમનું જીવન દિવસરાત વૃક્ષ-સેવા અને પ્રભુ ભજન કરીને વિતાવ્યું હતું. તેમના કોઇ વારસદાર નથી. જે કાંઇ મિલ્કત હતી તે લોકહિતનાં કાર્યોમાં વાપરી નાખી હતી.
જિન્દગીના અંતિમ શ્ર્વાસ સુધી ગામની હવેલીની વંડીમાં રહીને તેમણે પ્રભુ ભજન કર્યા હતાં.
વૃઘ્ધાવસ્થા વખતેય દાંત, કાન, આંખ વગેરે અંગોને ભગવાને સાબૂત રાખ્યા હોવાનું કહેતાં રહીને તેઓ ગદગદ થતા અને ગામલોકો પરસ્પર પ્રેમ અને સુખદુ:ખમાં સાથે રહેવાની શીખ આપતા રહ્યા હતા.
પર્યાવરણની સૂઝ જાણે ગળથુથીમાં હોય એમ નવાગામ વિસ્તારમાં હજારો વૃક્ષો વાવી, ઉછેરી મોટા કરનાર પૂ. કુરજીબાપા નવાગામ પંથકને યાત્રાધામ સમો બનાવીને જિન્દગીનું યાદગાર ભાથું બાંધી ગયા, એ વાતની ધન્યતા છેક રાજકોટ સુધી વિસ્તરી છે અને અત્યારનાં કુળકપટી સમાજને અને મતિભ્રષ્ટ સત્તાધીશોને યુગલક્ષી સંદેશ આપી ગયા છે. નવાગામની ભૂમીએ એમનું સન્માન કરવાની લાગણી દર્શાવી ત્યારે ગળે કરુણ્યભીના ડૂમા વચ્ચે તેમણે કહેલું કે માણસનું ખરૂ સન્માન એ મસાણે પહોંચે ત્યારે જ હોય જયાં ટોળેે વળેલા સહુ કોઇ કહેતા હોય કે એક ગ્રામદીપક જતા રહ્યાં !
એમનું સમગ્ર માનવ સમાજ વતી આદરભર્યુ સ્મરણ કરીને નવું કલેવર પામેલું “અબતક વાંચકોને કુરજીબાપા વતી એવો અજર-અમર સંદેશ આપે છે કે ‘ત્રિકમ અને પાવડો એટલે ધરતી માતાની આરાધનાનો પૂજાપો’પરસેવાના ટીપાં ટપ ટપ પડે પડે એજ ધરતીની આરતી, તરસી માટી પર પાણીની ધાર કરવી એજ ખરો અભિષેક ખેતી એટલે યજ્ઞ અને યજ્ઞ એટલે જ વિષ્ણુ
એક ઘેઘુર વડલો એટલે શું? એનો ખ્યાલ આપણને ઝટ નથી આવતો ગામનાં પશુ પંખીઓને ગોવાળીયાઓ, પરબિયાઓને અને નવાણોને ‘વડ’ની વસ્તી વરતાય છે. ગામને પાદરે આવેલો વડલો એટલે ખરા અર્થમાં ગામનું વિશ્રાંતી ગૃહ….
અને હા, બાપા વૃક્ષને વૈષ્ણવજન કહેતા હતા આપણે સહુ આવા વૈષ્ણવજન બનીએ….. નવી ભાતનું બનેલું ‘અબતક’ ‘વૈષ્ણવતાની વાટ’નો આવો ઉજાસ લઇને તમારી ડેલી ડેલીએ આવશે અને તમારા આખા પરિવારને અજવાળવામાં તમારી સાથે રહેશે એવી ભાવના સાથે કુંરજીબાપાને વંદન!