વિશ્વ સાક્ષરતા દિવસ અને શિક્ષક દિવસ એકબીજાના છે પૂરક
અબતક, રાજકોટ
યુનેસ્કો 1946 થી સાક્ષરતાની દ્રષ્ટિને સાકાર કરવાનું કામ કરે છે. સાક્ષરતા પ્રાપ્ત કરવી તે શિક્ષાના અધિકારનો આંતરિક હિસ્સો છે અને તેનાથી વિશાળ સશક્તિકરણનો લાભ થાય છે. તેમ છતાં આખા વિશ્વમાં 771 મિલિયન લોકો અભણ છે.
1966 નાં નવેમ્બર મા યુનેસ્કો એ દર વર્ષની 8 સપ્ટેમ્બર ને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે જાહેર કર્યો. ત્યાર પછી 1967 માં પ્રથમ વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો. અને ત્યારથી દર વર્ષે દુનિયાને સન્માન અને માનવ અધિકાર પ્રાપ્ત કરવા માટે સાક્ષરતા ની શક્તિ વધારવા તેમજ સાક્ષરતાના મહત્વની યાદ દેવડાવવા માટે વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવાય છે.
અત્યારના ડિજિટલ યુગમાં સાક્ષરતાનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. સાક્ષરતા વધવાથી ગરીબી ઘટે છે અને દેશનો વિકાસ ઝડપી થાય છે. સાક્ષરતા એટલે કોઈપણ એક ભાષામાં વાંચવા લખવામાં સક્ષમ થવું તે. વાંચવા લખવાનું શિક્ષણ લેવા માટે શિક્ષકની જરૂર પડે છે. સાક્ષરતા અભિયાન ચલાવતા મહાન શિક્ષકો દ્વારા દેશની ઉન્નતિ થાય છે.
આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નાં જન્મ દિવસને “શિક્ષક દિવસ” તરીકે ઉજવાય છે. તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા બાદ 13 મે 1962 માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું. ત્યાર પછી 5 સપ્ટેમ્બર ના તેમના જન્મ દિવસે તેમના શિષ્યો અને સગા સંબંધીઓ તેમનો જન્મદિવસ ઉજવવા આવ્યા, ત્યારે ડો. રાધાકૃષ્ણન એ હસતા હસતા તેઓને કહ્યું કે “શિક્ષક દિવસ” ઉજવો, જેથી શિક્ષકોને સન્માન મળે. ત્યારથી તેમના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. આ પરંપરા 1962 થી ચાલી આવે છે.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ ઓળખાણ ને સમજીને તેની ખૂબ નજીક ગયા હતા, જેથી તેનું જીવન દર્શન પુરા વિશ્વને એક વિદ્યાલય માનતું હતું. તેમનું માનવું હતું કે શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ થઈ શકે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન આનંદદાયક અભિવ્યક્તિ અને હળવાશ વાળી વાતોથી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. ઉચ્ચ નૈતિક મૂલ્યોને પોતાના આચરણમાં ઉતારવાની પ્રેરણા તેઓ પોતાના વિદ્યાર્થીઓને આપતા હતા.
માતા-પિતા પછી આ ધરતી પર જો કોઈ હોય તો તે શિક્ષક છે. તેમણે આપણા જીવનને ઘડ્યું છે, જીવન ઘડતર કરનાર શિક્ષક થી જ આપણને સાચી સમજ અને સાક્ષરતા પ્રાપ્ત થાય છે. અને સાક્ષરતાથી જ દેશ દુનિયાનો વિકાસ સંભવ છે. તેથી શિક્ષક દિવસની ઉજવણી, શિક્ષકોના આપણા ઉપરના ઉપકારને સન્માન આપીને કરવી જોઈએ.
આમ શિક્ષક દિવસ અને વિશ્વ સાક્ષરતા દિવસ એકબીજાના પૂરક છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. વિશ્વ શિક્ષક દિવસની શરૂઆત 1994 થી થઈ. પરંતુ, ભારતમાં 1962 થી શિક્ષક દિવસની શરૂઆત થઈ, ત્યાર પછી 1967 થી વિશ્વ સાક્ષરતા દિવસની શરૂઆત થઈ. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાઇ રહ્યો છે, પરંતુ ભારતમાં શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના મનાવાઈ રહ્યો છે. વિશ્વના 100 જેટલા દેશો અલગ અલગ દિવસે પોતાના શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિવસ મનાવી રહ્યા છે.