340 કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં માત્ર 128 કરોડની જ વસુલાત: ઓકટોબરથી હાર્ડ રીકવરીનો દોર શરૂ કરાશે
ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેશનની વેરા વસુલાત શાખાના રૂા.340 કરોડનો તોતિંગ અને અકલ્પનીય ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેને હાસલ કરવા માટે આજથી હવે રોજ 1 કરોડ રૂપિયાની વસુલાત કરવી ફરજિયાત બની જવા પામી છે. ટાર્ગેટ હજુ 212 કરોડ રૂપિયા છેટો છે અને નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આડે 221 દિવસ બાકી રહ્યાં છે. શનિ-રવિ અને જાહેર રજાને બાદ કરવામાં આવે તો રોજ 1 કરોડથી પણ વધુની વસુલાત કરાઈ તો પણ ટાર્ગેટ હાસલ કરી શકાય તેવી કોઈ શકયતા દૂર-દૂર સુધી દેખાતી નથી.
બજેટમાં આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે ટેક્સ બ્રાંચને ગમે તેટલો ટાર્ગેટ આપી દેવામાં આવતો હોય છે જે ક્યારેય પરિપૂર્ણ થતો નથી. ગત વર્ષે પણ ટેકસ બ્રાંચ ટાર્ગેટના 75 ટકા સુધી પણ પહોંચી શકી ન હતી. મહાપાલિકાની હદમાં 5 ગામોનો સમાવેશ ચોક્કસ થયો પરંતુ તેના થકી ટેકસની આવક બહુ વધે તેવું લાગતું નથી. ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ બ્રાંચને 340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
વેરા વળતર યોજના અમલમાં હોવા છતાં પ્રથમ પાંચ માસમાં માત્ર 128 કરોડની વસુલાત થવા પામી છે. ઓગષ્ટના આરંભથી ટેક્સની આવક દિન-પ્રતિદિન ઘટી રહી છે. હવે ટાર્ગેટ પૂરો કરવા માટે રોજ 1 કરોડથી પણ વધુની વસુલાત કરવી લગભગ ફરજિયાત જેવું છે. બજેટમાં રિકવરી સેલ ઉભો કરવાની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ આ માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી. સપ્ટેમ્બર માસ પૂર્ણ થયા બાદ ટેક્સ બ્રાંચ હાર્ડ રિકવરીનો દૌર શરૂ કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
પરંતુ જે રીતે કોરોના કાળ બાદ હાલ બજારની સ્થિતિ છે તે જોતા એવું લાગતું નથી કે, 340 કરોડનો તોતિંગ લક્ષ્યાંક પાર પાડવાનું તો દૂર રહ્યું તેના નજીકના ફિગર સુધી ટેક્સ બ્રાંચ પહોંચી શકે. ટેકસની આવક હાલ તળીયે પહોંચી જવા પામી છે. વિકાસ સંપૂર્ણપણે ગ્રાન્ટ પર નિર્ભર થઈ ગયો છે.