- આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં વકરો એટલા નફા જેવો ઘાટ: જો કોંગ્રેસ અને આપ મતદારોને બુથ સુધી ખેંચી લાવવામાં સફળ રહે તો ચોકકસ પરિણામ પર અસર પડે: ભાજપ પાસે મજબૂત સંગઠન વિજય માટે બ્રહ્માસ્ત્ર
- ભાજપ સામે બાહ્ય કરતાં આંતરિક અસંતોષનો પડકાર સૌથી મોટો: મોદી- શાહની જોડી ગુજરાતમાં રીતસર સક્રિય
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ બહુમતિ સાથે સત્તા પર આવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાશે અને કોંગ્રેસને ગુજરાતની ગાદી મળશે. આમ આદમી પાર્ટી ગુજરાતવાસીઓ માટે ત્રીજો રાજકીય વિકલ્પ બની રહેશે તેવી રસપ્રદ ચર્ચાઓ હાલ ચોરે અને ચૌટે ચાલી રહી છે. 8મી ડિસેમ્બરે બપોર સુધીમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. છેલ્લો ચાર ચૂંટણી અર્થાત બે દાયકામાં ચાર ચૂંટણીમાં કોઇને કોઇ પડકારનો પહાડ વિંધી સત્તા સુધી પહોચનાર ભાજપ સામે આ વખતે ભળે કોઇ મોટો પડકાર ન હોય પરંતુ કમળ સરળતાથી ખીલી જાય તેવો પણ માહોલ નથી. ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપ જેટલું ધારે છે એટલું સહેલુ નથી. બીજી તરફ કોંગ્રેસ જેટલું સમજે છે તેટલું અધરુ પણ નથી. આમ આદમી પાર્ટીને તો ગુજરાતમાં વકરો તેટલો નફો છે, જો કોંગ્રેસ અને આપ મતદારોને બુથ સુધી ખેંચી લાવવામાં સફળ રહે તો પણ પરિણામ પર ચોકકસ અસર પડી શકે.
પડકારોનો પહાડ વિંધી છેલ્લી ચાર વિધાનસભા ચુઁટણીમાં ભાજપ ગુજરાતની ગાદી સર કરવામાં ચોકકસ સફળ રહ્યું છે. સામે બીજી વાત એ પણ છે કે ચાર વખતથી ભાજપની બેઠકોમાં પણ સતત ઘટાડો થઇ રહ્યું છે. જો આ પરંપરા આ વખતે યથાવત રહેશે તો ભાજપ માટે મોટી મુશીબત ઉભી થશે. આજથી પાંચ વર્ષ પૂર્વ અર્થાત 2017માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે ભાજપ ડબલ ફિગર એટલે કે માત્ર 99 બેઠકોમાં સમેટાય ગયુ હતું. રાજયમાં છેલ્લા ર7 વર્ષની એકધારૂ ભાજપનું શાસન છે.
આવામાં ભલે સામે કોઇ પડકાર ન હોવા છતાં પક્ષને એન્ટી ઇન્કમલન્સનો ડર સતાવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ભલે વાત કરી રહ્યા હોય કે અમારા માટે આ વખતે કોઇ મુશ્કેલી સામે છે જ નહીં સરળતાથી 110 થી 115 બેઠકો જીતી જશું. પરંતુ જમીન હકિકત અલગ છે મતદારો પોતાના મન કળવા દેતા નથી. ગત વર્ષ યોજાયેલી સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની ચુઁટણીમાં ગુજરાતની જનતાએ ભલે ભાજપને ખોબલા મોઢે મત આપ્યા પરંતુ ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષમાં ઘણા પરિવર્તન આવ્યા છે. જો ભાજપ માટે બધુ સરળ હોત તો ઉમેદવારોના નામની પેનલ બનાવવા જેવી સામાન્ય પ્રક્રિયામાં ગૃહમંત્રી અમિત શાહે ચાર-ચાર દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેવું પડયું ન હોત. આટલું જ નહી ટિકીટ ફાળવણી બાદ પણ ગત ગુરુવારથી સળગી રહેલું ભાજપનું ઘર શાંત થવાનું નામ લેતું નથી. આ વખતે ભાજપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા પોતાના કંપાયેલા અને દુભાવેલા નેતાઓને ડર અંદર ખાને સતાવી રહ્યો છે. અસંતુષ્ઠો મોટો પડકાર બની શકે છે.
ટિકીટ ફાળવણી બાદ પક્ષમાં ધમાસાણ ઉદભવતા હવે જેના ચહેરા પર છેલ્લા એક દાયકાથી ભાજપ પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધીની ચુંટણી જીતી રહ્યું છે. તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના હોમ સ્ટેટમાં કમળ મુરઝાય નહી તે માટે મોરચો સંભાળી લીધો છે. ચુંટણીની તારીખોનું એલાન થયું તે પૂર્વ વડાપ્રધાન દર સપ્તાહે અને છેલ્લે છેલ્લે તો સપ્તાહમાં બબ્બે વખત ગુજરાતની મુલાકાતે આવતા હતા. પી.એમ.એ. તમામ જિલ્લા અને મહાનગરોમાં ચુઁટણી પહેલા સભા સંબોધી હતી અને અબજો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી. ચુંટણીને ઘ્યાન રાખી કરાયેલો પ્રવાસનું ધાર્યા પરિણામ મળે તેવું ન લાગતા ફરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. આગામી 19 અને ર0 નવેમ્બરના રોજ પી.એમ. ફરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિશાળ રોડ-શો અને ચુંટણી સભાઓ સંબોધી ઝંઝાવાતી પ્રચાર કરશે. ચુંટણી પૂર્વ પી.એમ.ની રપ જેટલી જાહેર સભા યોજાઇ તેવી સંભાવના જણાય રહી છે.
મોદી અને શાહની જોડીને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે ગુજરાતમાં ભાજપ ધારે એટલું સહેલું નથી. સતત સાતમી વખત બહુમતિ મેળવવા માટે મહા મહેનત કરવી પડશે. એટલે ફરીથી ભાજપના આ બન્ને નેતાઓએ ગુજરાતનો હવાલો સંભાળી લીધો છે. હવે આડેધડ કાંપા-કુપી પોષાય તેમ ન હોય અમિતભાઇ શાહે જાહેર કરવું પડયું કે જો ભાજપને બહુમતિ મળશે તો ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલ યથાવત રહેશે. ભાજપ સામે આ વખતે ભલે બ્રાહય પડકાર મોટો ન હોય પરંતુ આંતરીક પડકાર મોટો છે. જેના કારણે પક્ષના કાર્યકરો જેટલું ધારે તેટલું સહેલું નથી.
બીજી તરફ કોગ્રેસ ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી છે. ગુજરાતમાં વિજય મળે નહીં તેવું કોંગ્રેસના નેતાઓએ મનોમન નકકી કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં કોંગ્રેસ જેટલું ધારે છે એટલું અધરુ નથી. પંજા પાસે પરંપરાગત વોટ બેન્ક છે. જો પોતાનો વોટ શેર વધારવા માટે થોડી મહેનત કરે ચોકકસ પોતાના તરફ પરિણામ લાવી શકે છે. ગુજરાતમાં તમામ ચુઁટણીમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસવાની માનસિકતા સાથે મેદાનમાં ઉતરે છે. આ માનસિકતા બદલવાની ખાસ આવશ્યકતા છે. દાયકાઓ પછી પ્રથમવાર એવું બન્યું છે કે ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસ કરતા ભાજપમાં નારાજગી વધુ જોવા મળી રહે છે. ભાજપના કપાયેલા અને દુભાયેલા નેતાઓનો કોંગ્રેસ યોગ્ય ફાયદો ઉઠાવશે તો ચોકકસ પરિણામમાં ફેર લાવી શકે છે. સંગઠન માળખાને પણ વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે. સાથો સાથ જે નેતાઓ, આગેવાનો અને કાર્યકરો પંજાનો સાથ છોડી બીજા પક્ષમાં જઇ રહ્યા છે તેને મનાવી લેવા જોઇએ. કોંગ્રેસ પાસે પોતાની એક અલગ જ વોટ બેન્ક છે માત્ર થોડી મહેનત કરવાની આવશ્યકતા છે બાકી પંજા માટે મનાય તેટલું અધરું નથી.
દિલ્હી બાદ પંજાબની જનતાના દિલ જીત્યા બાદ ગુજરાતની જનતાને ત્રીજો રાજકીય વિકલ્પ આપવા આમ આદમી પાર્ટી મહા મહેનત કરી રહી છે. ગુજરાતની જનતાએ કયારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી. તે વાત સારી પેઠે જાણતા હોવા છતાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાનો પગદંડો જમાવવા રીતસર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહ્યા છે. ચુઁટણી જાહેર થવા પૂર્વ ઉમેદવારોના નામો જાહેર કરી દેવા, સતત પ્રચાર કરવો જનતા વચ્ચે રહેવું જેવી વ્યુહરચના આપે અપનાવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે વકરો એટલો નફા જેવો ઘાટ છે. 8મી ડિસેમ્બરે ખ્યાલ આવશે કે ગુજરાતના શાણા મતદારો કોના પર રિઝવે પરંતુ હાલની પરિસ્થિતિ ભર્યા નાળીયેર જેવી છે.