- મોરબીમાં વન મહોત્સવ કાર્યક્રમમાં રોપા ઉછેર માટે લાભાર્થીને ચેક અર્પણ કરી બિરદાવાયા
- મોરબીમાં ‘એક પેડ માં કે નામ’ સૂત્ર સાથે જીલ્લા કક્ષાના 75માં વન મહોત્સવ -2024ની ઉજવણી પંચમુખી હનુમાનજી વેજીટેબલ રોડ ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
- આ કાર્યક્રમનો પ્રારંભ શાળાની વિદ્યાર્થીનીઓએ વૃક્ષોના જતન માટે પ્રકૃતિ-ગીત રજૂ કરીને તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. વૃક્ષોનું જતન નહિ કરવાથી માનવ જીવન કેટલું ખતરામાં મુકાય જાય છે, તેનો સુંદર સંદેશો આ કૃતીના માધ્યમથી બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના સરકારનાં અભિયાનમાં સહભાગી બનીએ. પર્યાવરણના જતન માટે વન સંપદાના સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના દર વર્ષે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઈડ અને પોલ્યુશન ઘટાડવા વૃક્ષોનું જતન કરવું જોઈએ. વૃક્ષો માનવીને છાંયડો, ઑક્સીજન, ફળ, દવાઓ સહિતની જરૂરીયાતો સંતોષે છે. જેટલા વૃક્ષો વાવીએ તેને સારી રીતે ઉછેરવાની જવાબદારી પણ આપણી છે. વૃક્ષો એ એવી મૂડી છે જે બાળકોને મોટી ઉમરે એફ.ડી. તરીકે કામ લાગશે. સરકાર સાથે સંકળાયેલી સંસ્થાઓ સારી કામગીરી કરી રહી છે. મોરબી જીલ્લામાં તાલુકા દીઠ 1.25 લાખ રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તે પ્રશંશનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રીન્યુએબલ એનર્જી તરફ દેશને લઈ જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ આ દિશામાં જોડાઈ દેશને સશક્ત બનવાવમાં સહભાગી બનવાનું છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી વૃક્ષારોપણની કામગીરીને મહત્વ આપી વિવિધ આયોજનો અમલમાં મૂક્યા છે.
કિસાન યોજના અંતર્ગત રોપા ઉછેર માટે લાભાર્થી ગીતાબેનને ચેક અર્પણ કરાયો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને ઊમરો, આંબલી, કણજી, બિલી, પીપળો, કદમ, બોરસલી તેમજ કોડીયાના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા. સાંસદ તથા ધારાસભ્યએ લીલીઝંડી ફરકાવી વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવો તેમજ ઉપસ્થિત સૌને વૃક્ષોના જતન માટે દિનેશભાઈ વડસોલા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ આર.એફ.ઓ પાર્થ ભીમાણીએ કરી હતી.
આ કાર્યક્રમમાં ગોધરા સામાજિક વનીકરણ વર્તુળના વન સંરક્ષક ડો. ટી.કરુપ્પાસામી, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, આર.એફ.ઓ.પાર્થભાઈ ભિમાણી અગ્રણી સર્વ અરવીંદભાઈ વાસદળીયા, નરેન્દ્રસિંહ ઝાલા, વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.