ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનામાં નાના માનવીના હિત અને ન્યાયને કેન્દ્રમાં રાખવાની આવશ્યકતા દર્શાવી હતી.તેમણે ક્હ્યુંકે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ પણ દરેક કલ્યાણ યોજનાઓમાં સમાજના નાનામાં નાના અને ગરીબ વ્યક્તિને મહતમ લાભ મળે તેવો જ ધ્યેય રાખેલો છે.
લોકશાહીમાં ગુડ-ગવર્નન્સ અને રૂલ્સ ઓફ લો માટે લેજીસ્લેચર, એક્ઝીક્યુટીવ અને જ્યુડીશ્યરી એક બીજા પૂરક બનીને અને સ્વતંત્ર રીતે જો કામ કરે તો દરેકને ન્યાય અને તેની પ્રક્રિયાનો લાભ ચોક્કસપણે મળે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.ન્યાયની અદાલતો એ રૂલ ઓફ લો ના ગાર્ડીયન તરીકે ફરજ બજાવે છે અને લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યેની જે શ્રદ્ધા છે તે ટકી રહે અને તેમાં વધારો થાય તે કામ ન્યાયીક અધિકારીઓનું છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો.મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રથમવાર આ કોન્ફરન્સના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ક્હ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ગત 20 વર્ષમાં દરેક ક્ષેત્રમાં વિકાસની કેડી કંડારીને ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે. આની પાછળ મુખ્ય કારણ રાજ્યમાં ગુડ ગવર્નન્સ એટલે કે ઝડપી, વાજબી નિર્ણય અને સારામાં સારી પબ્લીક બિઝનેસ સર્વીસીસ તેમજ બિઝનેસ એન્વાયરમેન્ટ હોવાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વમાંથી અને અન્ય રાજ્યોમાંથી વધુમાં વધુ રોકાણ થાય છે એમ મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું.
એટલું જ નહિ સાથોસાથ સક્ષમ ન્યાય પ્રણાલીનો પણ રાજ્યમાં શાંતિ અને સલામતિ સુનિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે તેનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યુંકે રાજ્ય સરકારે પણ કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી છે. ન્યાયતંત્રની તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે.
2003-2004માં ન્યાયતંત્રનું બજેટ માત્ર 140.19 કરોડ હતું તેમાં ગત વીસ વર્ષમાં આશરે બારસો ટકાનો જંગી વધારો કરીને આ નાણાકીય વર્ષ માટે રુપિયા 1 હજાર સાતસો 40 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે તેની વિગતો તેમણે આપી હતી. કોરોનાના કપરા કાળમાં પણ લોકોને ન્યાય આપવાનું સરાહનીય કાર્ય ન્યાયપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું તેની સરાહના મુખ્યમંત્રીએ કરી હતી. તમામ ન્યાયાધીશો દ્વારા કોવિડના કપરા સમયમાં પણ પ્રસંશનીય કામગીરી કરવા બદલ ન્યાયાધિશોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
જે ન્યાયાધીશો ન્યાયિક કામગીરી દરમ્યાન કોવિડ ગ્રસ્ત થયેલ હોય અને કોવિડને કારણે જે ન્યાયાધીશો અવસાન પામેલ છે તેઓના પરિવાર પ્રત્યે સંવેદના તેમણે વ્યક્ત કરી હતી. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ, બેલાબહેન ત્રિવેદી, જે.બી. પારડીવાલા ,ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર, હાઇકોર્ટ જજ એ. જે. દેસાઇ, સોનિયાબહેન ગોકાણી, રાજ્યના એડવોકેટ જનરલ કમલભાઇ ,તેમજ જ્યુડીશ્યલ સર્વિસ એસોસિયેશનના પ્રેસિડેન્ટ એસ.વી. પીન્ટો અને રાજ્યભરના ન્યાયિક અધિકારીઓ,જિલ્લા તાલુકા ન્યાયાધીશો આ કોન્ફરન્સમાં જોડાયા હતા.