ખાળે ડુચા ને દરવાજા મોકળા જેવો સરકારી ફતવો

લુઝ મીઠાઈની ટ્રેમાં વેપારી ધારે ત્યારે ડેટ સાથે ચેનચાળા કરી શકતો હોય નિયમની ચુસ્ત અમલવારી થઈ શકશે કે કેમ તે મોટો પ્રશ્ન

નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા સરકારે  દૂધની મીઠાઈની ખુલ્લી ટ્રેમાં ઉત્પાદન અને બેસ્ટ બીફોરની તારીખ ફરજિયાત પણે લખવાનો નિયમ બનાવ્યો છે. જો કે આ નિયમ ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ફતવો લાગી રહ્યો છે. કારણકે લુઝ મીઠાઈની બેસ્ટ બીફોર ડેટ વેપારી કેમ નકકી કરી શકશે અને બીજો સવાલ એ પણ થાય છે કે વેપારી ટ્રેમાં બેસ્ટ બીફોર ધારે ત્યારે બદલી શકે છે તો આ નિયમની અમલવારી ચુસ્તપણે થશે કે કેમ?

નાગરિકોનું આરોગ્ય જોખમાય નહિ તથા નાગરિકો શુદ્ધ સાત્વિક મીઠાઈઓ આરોગી શકે તે માટે મીઠાઈ ઉત્પાદકોએ પ્રિ-પેકેઝડ મીઠાઈ ઉપર ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ ફરજીયાત છાપવાની રહેશે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે. નાગરિકોના આરોગ્યને ધ્યાને લઈને મીઠાઈની ગુણવત્તા જોખમાય નહિ તે હેતુથી પરંપરાગત રીતે બનાવાતી દૂધની મીઠાઈઓનું વેચાણ કરતી વખતે પેકેટ ઉપર તથા જે મીઠાઈના વેપારીઓ લુઝ અથવા પેકીંગ કર્યા વગર મીઠાઈનું વેચાણ કરતા હોય તેમણે મીઠાઈની ટ્રે ઉપર ઉત્પાદન તારીખ અને બેસ્ટ બીફોર તારીખ ફરજીયાત જણાવવાની રહેશે.

તેમણે ઉમેર્યું કે ઉત્પાદનની બેસ્ટ બીફોર તારીખ જે તે વિસ્તાર, જે તે સમયનું તાપમાન તથા ઉત્પાદનના પ્રકારને ધ્યાને રાખીને નક્કી કરવાનું રહેશે. ઉત્પાદન તારીખ તથા બેસ્ટ બીફોર તારીખ જણાવ્યા વગર મીઠાઈનું વેચાણ કરનાર વેપારી સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે. આ નિયમથી ખાળે ડૂચા દરવાજા મોકળા જેવો ઘાટ ઘડાયો છે. કારણકે દૂધની લુઝ મીઠાઈની બેસ્ટ બીફોર વેપારીઓ કઈ રીતે નક્કી કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. વધુમાં વેપારિઓ દૂધની મીઠાઈની ટ્રે ઉપર જે બેસ્ટ બીફોરની ડેટ મારે બાદમાં તે મીઠાઈ કોઈ કારણોસર બેસ્ટ બીફોરની ડેટ સુધીમાં વેંચાઈ નહિ તો તેઓ જાતે ડેટ પણ બદલી શકતા હોય આરોગ્ય કે ફૂડ વિભાગ આ નિયમની ચુસ્તપણે અમલવારી કેમ કરાવી શકશે કારણકે આ નિયમથી બચવા વેપારીઓ માટે અનેક છીંડાઓ જોવા મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.