હોલ માર્કિંગ યુનિટ માટે સાઇટીંગ પોલીસી બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: 6 નિયમોનો સમાવેશ
સોનાના ઘરેણાની શુદ્વતા માટે ફરજિયાત એવા હોલ માર્કિંગ સેન્ટર બનાવવા માટે હવે વેપારીઓએ કોર્પોરેશનની પણ મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ હોલ માર્કિંગ યુનિટો માટે સાઇટીંગ પોલીસી બનાવવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ 6 નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રીન્સીપલ બેન્ચ, ન્યુ દિલ્હી દ્વારા તા.19/01/2021ના ઇસ્યુ કરાયેલ હુકમ અનુસાર હોલ માર્કિંગ એકમોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી લેવાની રહે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગોલ્ડ એસાઇઝ અને હોલમાર્કીંગ સેન્ટરની ગાઇડલાઇનને અનુસરવાની રહે છે. તથા સંબંધિત એકમોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડથી પરવાનગી લેવાની રહે છે.
ટ્રીબ્યુનલની ગાઇડલાઇનના મુજબ આ અંગે લોકલ વહીવટી તંત્રના એટલે કે મહાનગરપાલિકાના જરૂરી નીતી-નિયમોનું પાલન કરવાનું રહે છે. આ અંગે જરૂરી નીતી નક્કી કરવી જરૂરી જણાય છે. આ માટે લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ યુનિટની સ્થાપના માટે સાઇટીંગ પોલીસી ગાઇડલાઇન બનાવવાની રહે છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-313 હેઠળ ઇન્ડ.લાઇસન્સની મંજૂરી પણ આપવામાં આવે છે. ઉપરોક્ત હકીકત તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમને ધ્યાને લેતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં સ્થિત આ પ્રકારના એકમો માટે મુજબ નોંધણીની પ્રક્રિયા હાથ ધરવાનું નિયત કરીએ.
શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-2019 અન્વયે કલમ-6 મુજબ દસથી ઓછા કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ ઇન્ટીમેશન રીસીપ્ટ લેવાની હોય છે તથા કલમ-5 અન્વયે દસ કે દસથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ લેવાનું રહેશે. નોંધણી કરાવનાર સંસથાઓએ પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ ફરજીયાત ભરપાઇ કરવાનો રહેશે. નોંધણી કરાવનાર સંસ્થાએ નોંધણી પેટે, ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેનટ એક્ટમાં સૂચવેલ ફી ફરજીયાત ભરપાઇ કરવાની રહેશે.
નોંધણી કરાવનાર સંસ્થાએ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ સર્ટીફીકેટ મેળવવા માટે એક્ટમાં સૂચવાયેલ શિડ્યુલ પાર્ટ-એમાં દર્શાવ્યા મુજબનું સક્ષમ સત્તાધિકારીનું લાયસન્સ મેળવવાનું રહેશે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટમાં સૂચવાયેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ અંગે લાઇસન્સ આપવાની કાર્યવાહી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ રાજકોટ મહાનગરપાલિકાએ કરવાની રહેશે. આ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની અને સરકારની વખતો વખતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.