દેશના અન્ય રાજ્યો કે અન્ય બોર્ડમાંથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજીસ્ટ્રર થયેલ શાળામાં ધો.11માં પ્રવેશ મેળવવા ગણિત, વિજ્ઞાન સહિત ચાર વિષય પાસ કરવા ફરજિયાત રહેશે.
ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી આવેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી આવેલા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો
ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે ધો.11માં પ્રવેશ સંદર્ભે દેશના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવા બાબતના અગાઉ કરેલ પરિપત્ર અન્વયે હવેથી ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષય સાથે ધો.10 પાસ કરેલ હોય તો જ શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધો.11માં પ્રવેશ આપી શકાશે.
ઠરાવમાં જણાવ્યા મુજબ ઓપન સ્કૂલ તરીકે સમગ્ર દેશમાં એન.આઇ.ઓ.એસ.નું કાર્યક્ષેત્ર હોય એન.આઇ.ઓ.એસ. સિવાયના અન્ય રાજ્યના ઓપન બોર્ડના વિદ્યાર્થી તરીકે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વિદ્યાર્થી અન્ય રાજ્યના ઓપન બોર્ડની ધો.10ની પરિક્ષા પાસ કરે તો પણ તેને ધો.11માં પ્રવેશ માટે યોગ્ય ગણાય નહિં. કારણ કે અન્ય રાજ્યના ઓપન બોર્ડનું કાર્યક્ષેત્ર સંબંધિત રાજ્ય માટે જ હોય છે. જેથી ઓપન બોર્ડમાં માત્ર એન.આઇ.ઓ.એસ.ને જ માન્ય ગણવાનું રહેશે. આ ઉપરાંત અન્ય બોર્ડમાંથી પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને શાળાએ કામ ચલાઉ પ્રવેશ આપ્યા બાદ સંબંધિત બોર્ડમાંથી તેના પ્રમાણપત્રોની ખરાઇ કરીને તમામ વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને રજૂ કરીને તેની પાસેથી પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવ્યા બાદ વિદ્યાર્થીને કાયમી પ્રવેશ આપવાનો રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ પ્રમાણપત્ર શાળાના આચાર્ય બોર્ડની પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્ર સાથે જોડવાનું રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ યોગ્યતા માટે માન્ય કરેલ 68 બોર્ડની યાદી સિવાયના કોઇ બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓને શાળા સિધેસિધો પ્રવેશ આપશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે.