આખરે નવ માસ બાદ બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક મળી
સરકાર આંતર યુનિવર્સિટી કેલેન્ડર જાહેર કરશે તે મુજબ સૌરાષ્ટ યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ સ્પર્ધાનું કેલેન્ડર જાહેર કરવામાં આવશે
ખેલાડી કે કોચ ભુલ કરે તો તેની સામે બોર્ડ ઓફ ક્ધડકટ મુજબ કાર્યવાહી થશે
સૌરાષ્ટ યુનિવર્સિટીની આજે નવ માસ બાદ બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક કુલપતિ પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં તમામ બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્યો હાજર રહ્યાં હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. ખાસ તો આજની યોજાયેલી બોર્ડ ઓફ સ્પોર્ટની બેઠકમાં સૌરાષ્ટ યુનિવર્સિટી સંલગ્ન પ્રત્યેક કોલેજોએ ઓછામાં ઓછી ત્રણ રમતમાં ભાગ લેવો ફરજિયાત છે તેવો નિયમ બનાવ્યો હતો. આ ઉપરાંત આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓ જો કોઈ ભૂલ કરે તો તેની સામે બોર્ડ ઓફ ક્ધડકટ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આજની બોર્ડ ઓફ સ્પોર્ટની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ ફરજિયાત શારીરિક-શિક્ષણ વ્યાખ્યાતાની અને પ્રત્યેક કોલેજોએ ઓછામાં ઓછી ત્રણ રમતમાં ભાગ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. આ ઉપરાંત ચાલુ વર્ષથી એટલે કે હવે પછીની આંતર કોલેજ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓ અને કોચ માટે કોર્ડ ઓફ ક્ધડકટની અમલવારી પણ ફરજિયાત બનાવી છે. તેમજ આંતર યુનિવર્સિટી સ્તરે રમાતી વિવિધ રમતોની સ્પર્ધાના મીનીમમ ક્વોલીફાય એટલે કે ૧ થી ૧૦ બેંચમાર્ક નિયત કરવામાં આવ્યા છે. એટલે કે, હવે ૧ થી ૧૦ નંબરના વિદ્યાર્થીઓને નેશનલ લેવલે રમવાનો મોકો મળશે. રમત મુજબ ઓછામાં ઓછા છ અને વધુમાં વધુ ૧૦ સભ્યોની સિલેક્ટ કમીટી બનાવાશે. આંતર કોલેજ સ્પર્ધાના અંતિમ દિવસે પસંદગી સમીતી દ્વારા ઓપન સિલેકશન અને વિજેતા ટીમના કોચ મેનેજરના નામ અને તેઓ આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા જશે તેનું બાંહેધરી પત્રક મેળવવાનું રહેશે તેમજ કોઈ કોચ તથા ટીમ મેનેજર આંતર કોલેજ સ્પર્ધામાં ટીમ લઈ જતી હોય તો કુલપતિના આદેશ મુજબ તેઓને ઓનડયુટી ગણવાના રહેશે.
આ ઉપરાંત કોઈ કોલેજનો ખેલાડી અથવા શારીરિક શિક્ષકના અધ્યાપક કોઈ કારણ વિના છેલ્લી ઘડીએ આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળે તો તેની સામે બે વર્ષનું બેન લગાવવામાં આવશે. ટ્રાયલ બેંચ સ્પર્ધાનો વહીવટી ખર્ચ હાલ રૂ. ૮હજાર નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ની આંતર કોલેજ સ્પર્ધાનું કેલેન્ડર આંતર યુનિવર્સિટીનું માઈક્રો અંદાજપત્ર તૈયાર કરવાનું સુચન કરાયું છે. આ ઉપરાંત આગામી ઓગષ્ટ સુધી આંતર કોલેજ સ્પર્ધા યોજાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ જો સરકાર દ્વારા આંતર યુનિવર્સિટી કેલેન્ડર જાહેર થશે તો તે અગાઉ જ યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા રમાડી દેશે.