ગુજરાતમાં બુધવારે વલસાડ ખાતેથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડમાં મંગળવાર રાતથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ચોમાસાના પ્રથમ દિવસે વલસાડના કપરાડામાં 2.1 ઈંચ જ્યારે નવસારીના જલાલપોરમાં 2 જ કલાકમાં 4.1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે અમરેલીના રાજુલામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ચોમાસાની છ દિવસ વહેલી એન્ટ્રી: નવસારીના જલાલપોરમાં 4 ઈંચ, વલસાડના કપરાડામાં 2॥ ઈંચ અને અમરેલીના રાજુલામાં 1 ઈંચ વરસાદ
સુરત સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ છુટોછવાયો વરસાદ શરૂ
હવામાન ખાતાની આગાહી કરતા ગુજરાતમાં 6 દિવસ ચોમાસુ વહેલુ પહોંચ્યું છે. આ સાથે જ રાજ્યભરમાં આગામી 5 દિવસ શ્રીકાર વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસાનું આ વર્ષે વહેલુ આગમન થઈ ગયું છે. મુંબઈમાં પણ 24 કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
મુંબઈને ધમરોળ્યા બાદ મોન્સુન 2021ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. કપરાડામાં અઢી ઈંચ વરસાદ જ્યારે વાપી, ઉમરગામ અને ધરમપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ચોમાસુ આજે વહેલી સવારથી સુરત પણ પહોંચી ગયું છે. સુરતમાં આજે અનેક વિસ્તારોમાં સવારથી જ છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી શકયતા છે. આ ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડશે. ત્યારબાદ 12 થી 14 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે તેમ છે.
મુંબઈમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર, વાહન વ્યવહાર ખોરવાયો
મુંબઈમાં નિર્ધારીત સમય કરતા ચોમાસાની બે દિવસ અગાઉ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મુંબઈમાં બુધવારે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં શાંતાક્રુઝમાં 8 ઈંચ, કોબાલામાં 8 ઈંચ સહિત સાયન, એન્ટોપ હીલ, માટુંગા, વડાલા, ચેમ્બુર, ઘાટકોપર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ બની જતાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું. અંધેરી અને મલાડ સબવેમાં પાણી ભરાતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો. બસો ખોટવાઈ હતી. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો, અનેક નદીઓ ઓવરફલો થઈ હતી અને હજુ આગામી 3 થી 4 દિવસ 20 થી 30 મીમી જેટલો વરસાદ નોંધાઈ શકે છે. 4 દિવસ માટે મુંબઈ સહિત કોંકણના વિવિધ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.