- આજકાલના તરૂણો આકર્ષણ અને નાસમજને કારણે મુશ્કેલીમાં મુકાઇ છે: તારૂણ્ય શિક્ષણ સાથે જીવન કૌશલ્યોનો વિકાસ જ તેનો સારી દીશામાં વિકાસ કરી શકે છે: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતાં ચલણને કારણે હવે વર્ચ્યુઅલ ટચના જોખમની જાણ કરવી જરૂરી
- હાઇસ્કૂલના છાત્રોને સ્વવિકાસ, સમસ્યા ઉકેલ સાથે ‘ના’ પાડવાની કલા હસ્તગત્ કરવી જ પડશે: તરૂણોને મુંઝવતા પ્રશ્ર્ને સાચુ અને વૈજ્ઞાનિક આધાર વાળું માર્ગદર્શન મળવું જરૂરી: શાળાઓમાં કિશોરાવસ્થાનું અસરકારક શિક્ષણ મળે તે માટે શિક્ષકોને તાલિમબધ્ધ કરવા આવશ્યક
આજકાલ વધતા ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણી સમસ્યા જોવા મળી રહી છે, આજે મા-બાપને છોકરા કરતાં છોકરીની ચિંતા વધી ગઇ છે. શાળા-કોલેજ કે ટ્યુશનમાં જઇ રહેલી પુત્રીની સતત ચિંતા દરેકમાં જોવા મળે છે. વર્ષો પહેલા આવા કોઇ પ્રશ્ર્નો ન હતા પણ આજે વિકાસને કારણે સારા કરતાં ઘણાં ખરાબ પરિણામો જોવા મળે છે. નાની વયની છોકરી કે તરૂણી-કિશોરી ઉપર દુષ્કર્મ કે જાતીય સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સમાજ માટે આ લાલબત્તી સમાન સમસ્યામાં અંકુશ બાબતે યોગ્ય કરવાની જરૂર છે. તમામ સમસ્યાનું નિરાકરણ શિક્ષણ છે, તો આજે તેનો વ્યાપ વધ્યો હોવા છતા છાત્રોનો આપઘાત અને અન્ય ઘટનાઓ તો વધી જ રહી છે.
આજના તરૂણોને તેના શરીરમાં થતાં વિવિધ ફેરફારો બાબતે કોઇ ઠોસ માર્ગદર્શન આપતું ન હોવાથી તે તેના સમોવડીયા પાસેથી અધકવરી માહિતી મેળવીને અંધશ્રધ્ધા તરફ ધકેલાય છે. પરિવારના સભ્યો પુત્ર-પુત્રીને ટચ કરવાની એક મર્યાદાઓ હોય છે, પણ સારો સ્પર્શ કે ખરાબ સ્પર્શ કેને કહેવાય તે તરૂણોને ખબર હોવી જોઇએ. ટીવી-ફિલ્મો, મોબાઇલના વધતા દુષણ સાથે ઇન્ટરનેટમાં ગમે તે જોવાની આઝાદીથી ઘણું બગડી રહ્યું છે. શાળાઓમાં શિક્ષકોને સ્કૂલ એડોલેશન શિક્ષણ અને આરોગ્ય કાર્યક્રમ શરૂ કરીને તમામ શિક્ષકોને તાલિમબધ્ધ કરીને છાત્રોને પધ્ધતીસરનું શારિરીક શિક્ષણ આપવાની જરૂર છે.
આજકાલના તરૂણો આકર્ષણ અને નાસમજને કારણે ઘણી મુશ્કેલીમાં મુકાઇ છે. તારૂણ્ય શિક્ષણ સાથે જીવન કૌશલ્યોનો વિકાસ જ તેનો સારી દિશામાં વિકાસ કરી શકે છે. આજે લાઇવ ચેટીંગ યુગમાં વર્ચ્યુઅલ ટચના જોખમની જાણ કરવી જરૂરી છે. દેશનું ભાવી યુવાનના હાથમાં છે ત્યારે અત્યારથી આપણે તેના માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે તેવા આયોજનો પર ભાર મુકવો જરૂરી છે. હાઇસ્કૂલના છાત્રોને સ્વવિકાસ, સમસ્યા ઉકેલ, નિર્ણયશક્તિ સાથે ‘ના’ પાડવાની કલાએ પણ સંબંધ બગડે નહી તેવી રીતે હસ્તગત કરી લેવી જ પડશે. આજે તો છાત્રોને મુંઝવતા પ્રશ્ર્ને તે મા-બાપને પૂછી શકતા નથી, અને શિક્ષકો જવાબ દેતા ન હોવાથી સમોવડીયાના જ્ઞાનના આધારે જ અધકચરી માહીતી મેળવી લે છે. આજે ઇન્ટરનેટ પોર્ન વિડીયો જોવાનું છાત્રોમાં ચલણ વધ્યું છે, તેની પાછળ તેને મળેલી માહિતીનો અભાવ જ જવાબદાર ગણી શકાય. આજ વર્ષે માર્ચ માસમાં ઉજાસ ભણી કાર્યક્રમ સરકારે ધો.6 થી 8 માટે શરૂ કર્યો હતો, જેમાં નશીલાદ્રવ્યો, ચેપી-બીનચેપી રોગો, સ્વચ્છતા જેવા મુદ્ા સાથે ઘણા પાસાઓને આવરી લેવાયા હતા. રાજ્યની તમામ શાળામાં આ પ્રોજેક્ટ આવરી લેવાયો હતો. આજે ભીડવાળી જગ્યા, બસ કે ઓટોમાં ઉભા રહેવા કે બાજુમાં બેસવા દરમ્યાન મહિલા બેડ ટચને ઓળખતા તે હવે વિરોધ કરવા લાગી છે. પોલીસ વિભાગ દ્વારા પણ દરેક સ્કૂલમાં મહિલા પોલીસ મથક દ્વારા સ્વરક્ષણ સાથે આવા પાસને લઇને કાર્યક્રમો થતાં હોવાથી હવે છાત્રો કે યુવતી કે મહિલા ફરિયાદ કરીને અન્યો મહિલાને પ્રેરણા આપી રહી છે. કાકા-મામા-માસીના સંતાનો સાથે જાતીય સતામણીમાં પરિવારનો નજીકનો સભ્ય જ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે હવે છોકરીઓ આ બાબતે જાગૃત્ત થઇને અવાજ ઉઠાવવો જ પડશે.
આજકાલ આ બાબતની જાગૃત્તિના ઘણા સારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી બધા લોકોને વિચારવા મજબૂર કર્યા છે. આજે મા-બાપે સંતાનોને ભરપૂરપ્રેમ આપીને તેને સમજવાનો પ્રયત્નો કરવા ઘણું જરૂરી છે, ઘણીવાર આ એક ખામીને સંતાન હાથમાંથી છૂટી જાય છે. છાત્રોને મા-બાપે-શિક્ષકે સારા-નરસા સાથે વિવેક, જવાબદારી, વૈચારિક સ્વતંત્રતા, નિસ્વાર્થપણું, સહકારની ભાવના જેવા ઘણા ગુણોમાં પ્રોત્સાહન આપવું જરૂરી છે. સારા વિચારો અને સારા સ્વભાવથી જ જીવનમાં સુધાર લાવી શકાય છે. વિદ્યાર્થી કે તરૂણો પોતાની સમસ્યામાંથી પોતે જાતે નિર્ણય લઇ શકે તેવો સક્ષમ બનાવવો જોઇએ, જેથી તે પોતે સમસ્યા ઉકેલી શકે અને તેની જેવડા બીજા મિત્રોને માર્ગદર્શન પણ આપી શકે.
શિક્ષકે કે મા-બાપે છાત્રોને પહેલુ સુખ તે જાતે નર્યા હોવાથી સ્વસ્થ શરીર અને વ્યક્તિના જીવનની સૌથી પ્રથમ જરૂરિયાત છે, તેવી સમજ આપવી. તેને અપાતા જીવન કૌશલ્ય શિક્ષણ અનુભવલક્ષી હોવું જરૂરી છે. જીવન કૌશલ્યો કે લાઇફ સ્કીલ એ માત્ર મૂલ્યો કે સુવિચારોને ઠોકી બેસાડવાનું શિક્ષણ નથી, તે સૌએ યાદ રાખવાની જરૂર છે. આજે છોકરા-છોકરીએ મા-બાપને જાણ કરીને જવું-આવવું સૌથી જરૂરી છે અને હા રસ્તામાં ગમે તે મળે તેની સાથે વાત કરવા છોકરીએ ક્યારેય ઉભું ન રહેવું જે સૌથી સલામત કહી શકાય છે. મોબાઇલમાં કોઇની સાથે લાંબી વાત કે ઇચ્છા, માંગણી કે મુશ્કેલીની વાત ક્યારેય ન કરવી. મીસકોલના જવાબો ન આપવાને તમારો નંબર ક્યારેય કોઇને ન આપવો. અજાણી જગ્યાએ મિત્ર-વર્તુળ હોય તો પણ કોલ્ડ્રીંક્સ વગેરેથી અગવા રહેવું અને અન્ય દુષણો જેમ કે નશીલા દ્રવ્યોથી દૂર રહેવું જરૂરી છે. સંકટ સમયે મોટેથી ‘રાડ’ પાડતા આજના યુગમાં છોકરીઓએ ખાસ શીખી લેવાની જરૂર છે. આપણાં મા-બાપ આપણાં સૌથી નજીકના હિતેચ્છુ ગણી શકાય, તે જે આપી શકે એવું બીજું કોઇ ન આપી શકે આટલી વાતની મગજમાં ગાંઠ બાંધી દેવી. પુરૂષ પ્રધાન દેશમાં છોકરાની ચિંતા આજે નથી, પણ ક્ધયાઓ ચિંતા સૌની સતાવી રહી છે. ત્યારે ‘સમાજ કો બદલ ડાલા’ની ચળવણમાં સૌ સામેલ થઇને સમાજમાં “જટાયુ” પેદા થાય તેજ આજના યુગની માંગ છે.
કિશોર-કિશોરીઓ, યુવાનો જેવા શબ્દ પ્રયોગમાં કઇ વય જુથ ગણી શકાય?
* તરૂણાવસ્થા (એડોલેસન્ટ) – 10 થી 19 વર્ષ
* તરૂણાવસ્થાનો પ્રારંભ ગાળો – 10 થી 14 વર્ષ
* તરૂણાવસ્થાનો પાછળનો ગાળો – 15 થી 19 વર્ષ
* યુવાન (યુથ) – 15 થી 24 વર્ષ
* યુવા વર્ગ (યંગ પીપલ) – 10 થી 24 વર્ષ
સૌથી અગત્યની બાબતએ છે કે ઉપરોક્ત વયના સૌથી વધુ આપણા દેશ ભારતમાં છે, તેથી ભારતને યુવાનોને દેશ કહેવાય છે.