ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર સાથે વાહન ચલાવવાને પણ ગેરકાયદે ગણાવતુ માર્ગ અને પરિવહન મંત્રાલયનું જાહેરનામું પ્રસિધ્ધ
દેશમાં વાહન અકસ્માતની સતત વધતી સંખ્યા અને તેના કારણે થતા મૃત્યુના પ્રમાણને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે તાજેતરમાં ટ્રાફીકના નિયમો કડક બનાવ્યા છે. હવે દેશના મોટાભાગના શહેરોમાં જાહેર માર્ગો પર ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઓનલાઈન મેમા મળવા લાગ્યા છે. જેથી આવા ઓનલાઈન મેમાથી બચવા નવુ વાહન ખરીદનારા લોકો લાંબા સમય સુધી પોતાના વાહન પર રજીસ્ટ્રેશન નંબર લગાવતા નથી અને ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર પર વાહન ચલાવતા રહે છે. જેના કારણે અકસ્માત જેવી સ્થિતિમાં આવા વાહન ચાલકોને ઓળખવામાં ભારે મુશ્કેલી પડે છે.જેને લઈને કેન્દ્ર સરકારે હવે રજીસ્ટ્રેશન નંબર વગર ચલાવવાને ગેરકાયદેસર ગણવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે વહન વેચનારા ડીલરે પણ નવું વાહન ખરીદનારાઓને વાહનના રજીસ્ટ્રેશન નંબર આવ્યા બાદ વાહનની ડીલેવરી કરી શકશે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડીને રજીસ્ટ્રેશન નંબર વગર વાહન ચલાવવાને ગુન્હો ગણાવ્યો છે. ઉપરાંત ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર પર પણ વાહન ચલાવવાનો ગેરકાયદેસર ગણાવ્યું છે મંત્રાલય દ્વારા ૧૧ વર્ગનાં વાહનો માટે અલગ અલગ કલરનાં બેક ગ્રાઉન્ડવાળી નંબર પ્લેટો લગાવવાનો પણ આ જાહેરનામામાં જાહેર કર્યું છે. જે માટે કેન્દ્રીય મોટર વ્હીકલના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત આ જાહેરનામા મુજબ નંબર પ્લેટ પર કોઈપણ પ્રકારનું અન્ય લખાણ લગાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહી રજીસ્ટ્રેશન નંબર માત્ર ઈગ્લીશ ભાષામાં કેપીટલ અક્ષરમાં લગાવવાની સુચના અપાઈ છે. જેથી, રજીસ્ટ્રેશન નંબર પર પ્રાદેશિક ભાષામાં પણ નંબર લખી શકાશે નહી.
આ નિયમ રાજય સરકાર દ્વારા વીઆઈપી રજીસ્ટ્રેશન નંબર લેનારાઓને પણ લાગુ પડશે તેવી સ્પષ્ટતા આ જાહેરનામામાં કરવામાં આવી છે. વાહન પર લગાવવામાં આવનારી નંબર પ્લેટ અંગેની સાઈઝ પણ નિયત કરવામાં આવી છે. જેમાં ૬૫ એમએમની ઉંચાઈ ૧૦ એમએમની જાડાઈ અને ૧૦ એમએમની જગ્યા નંબર પ્લેટમાં રાખવાની સુચના અપાઈ છે. આ પહેલા કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈસીકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજીયાત લગાવવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ અનેક રાજયોએ આ નંબર પ્લેટનાં આ નિયમનો અમલ કર્યો નથી જેથી વાહન ચાલકો રાજય સરકારની આ રહેમતાનો લાભ લઈને રજીસ્ટ્રેશન નંબર લગાવ્યા વગર વાહનો ચલાવતા હોય માર્ગ પરિવહન મંત્રાલયે આ જાહેરનામું બહાર પાડયાનું સુત્રોએ જણાવ્યું છે.