આગામી મહિનાઓમાં કરકસર નહિ કરનારે પસ્તાવું પડશે: આગાહી

એક જમાનો એવો હતો કે, દેવું કરીનેય ઘી પીવું જોઇએ, એવી સલાહ નીતિશાસ્ત્રમાં આપવામાં આવતી હતી. હવે અત્યારના બદલેલા જમાનામાં એમ કહેવાય છે કે, દેણું (કરજ) કરીને ઘર અને ઘરવખરી ખરીદવા એ મૂર્ખાઇ છે !

નીતિશાસ્ત્રોમાં મૂર્ખ માણસનાં ૧૦૦ લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંનું એક લક્ષણ દેણું કરીને ઘર અથવા ઘર વખરીની તથા આનંદ પ્રમોદ મોજમજાની ચીજવસ્તુઓની ખરીદી ન કરવાની ચેતવણીનો સમાવેશ થયો છે.લોન લઇને ધંધો નહિ કરવાની પણ એમાં સલાહ છે.

આજના મઘ્યમ વર્ગના માનવી કેટલે હદે એનાથી ઊંધી જ પ્રવૃતિ કરી રહ્યા છે ! તેઓ ઉધારમાં મળી શકતી કેટલી બધી ચીજવસ્તુઓ ખરીદયા કરે છે, અને પછી રોકડેથી હપ્તે હપ્તે ચૂકવવામાં ચિત્ર-વિચિત્ર હેરાન પરેશાની ભોગવે છે. કોઇક કોઇક કિસ્સામાં તો આને લગતી બળતરા એમને બૂરી રીતે સતાવે છે !

આજનો જમાનો ક્રેડિટ કાર્ડનો છે. ગજવા – પાકિટમાં પૈસા હોય કે ન હોય તો પણ આંખો મિંચીને ખર્ચ કર્યા કરનાર આજે જબરી છાતીવાળો ગણાય છે.  જૂના જમાનામાં ઉધાર માગવું પડે એ શરમની વાત ગણાતિ હતી. આજે તો એ ને સ્વાભાવિક પ્રક્રિયા તરીકે લેખવામાં આવે છે ! જુના જમાનામાં ઉધાર માંગવું કે કોઇની પાસે લાંબો હાથ કરવો, એ એટલું બંધુ શરમજનક લેખાતું કે, ‘એના કરતાં તો મરી જવું સારુ’ એવી ટકોર સુઘ્ધાં થતી!

જૂના જમાનામાં બાળકોને સ્કુલમાં એમ ભણાવવામાં આવતું કે, ‘કરકસર એ બીજો ભાઇ છે, ને ત્રેવડ ત્રીજો ભાઇ છે’આર્ય પ્રજાના બધા જ ધર્મો માણસને ઓછામાં ઓછી જરુરતો સાથે કેવી રીતે સુખી અને સંપુષ્ટ જીવન પસાર કરવું, એની કળા શીખવતા હતા.આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો તો એવો મંત્ર જ હતો કે, ઓછામાં ઓછી જ‚રતવાળું જીવન તે શ્રેષ્ઠ જીવન અને ઓછામાં ઓછા કાગળોવાળું તંત્ર તે શ્રેષ્ઠ તંત્ર

આજનો યુગ ઉપભોકતાવાદ નો છે અને તેમના રોજીંદા જીવનમાં પણ વધુમાં વધુ જરુરિયાતવાળા જીવન તરફ ખેંચી જાય છે. આવી જરુરતો પૂરી કરવા તેમણે ઉધાર લેવું પડે છે, ને દેવુ કરવું પડે છે અહીં નીતિશાસ્ત્ર તો એમ કહે છે કે દેવું કરીને વૈભવશાળી જીવન જીવવાની તમન્ના રાખવી એ બેવકુફી છે અને અનેક ઉપાધીઓને આમંત્રણ આપવાની ચેષ્ટા છે તે મઘ્યમ વર્ગના માનવીને સમજાવવાની જરુર છે.

વિશ્વવિખ્યાત સંગીતકામ મોઝાર્ટ ૩પ વર્ષની યુવાન ઉમરે મરી ગયો. કારણ કે તે દેવામાં ડૂબી ગયો હતો. આજનું યંગ જનરેશન પણ મોઝાર્ટ જેવું પ્રતિભાવાન, મહેનતુ અને બુઘ્ધિશાળી છે પણ સાથે ઉડાઉ પણ છે. તેમના આ ઉડાઉપણાનો બેફામ ગેરલાભ તેમને ઉધાર માલ અથવા સેવાઓ આપતી કંપનીઓ કરે છે. ઇ.સ. ૧૯૮૦ ના દાયકાના મઘ્ય સુખી ભારતનો મઘ્યમ વર્ગ દેવું કરતાં ખુબ અચકાતો તો. ક્રેડિટ કાર્ડના આગમન સાથે ર૦ જ વર્ષમાં ચિત્ર ધરમુળથી બદલાઇ ગયું છે. ઉધાર માંગવું એ શરમની નિશાની ગણાતી હતી ત્યાં ક્રેડિટ કાર્ડના માઘ્યમથી ઉધારી કરવી એ મોભાનું પ્રતિક ગણાવા લાગ્યું એટલે તેના પ્રમાણમાં ભારે ઉછાળો આવ્યો.

હવે એ શ્રાપ‚પ બન્યો છે. આપણી સરકારની કેવી વિચિત્ર આર્થિક નીતી છે કે રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જીવનજરુરી ચીજોના ભાવ સતત વધી રહ્યા છે. અને મોજશોખની કહેવાતી ટીવી, મોટરકાર, ફ્રિઝ, મોબાઇલ ફોન, વોશિંગ મશીન, કોમ્પ્યુટર વગેરે ચીજોના ભાવ સતત ઘટી જાય છે. વળી અનાજ, કઠોળ, ઘી, તેલ કપડાં વગેરે ચીજો  ઉઘાર કે હપ્તા ઉપર નથી મળતી પણ ઇલેકટ્રોનિકસ આઇટમો આસાનીથી ઉધાર મળે છે. આ કારણે મઘ્યમ વર્ગનો માનવી મૂર્ખ બને છે.

પાયાની જીવજજરુરીયાતોના ભોગે પણ તે સ્ટેટસ સિમ્બોલ બની ગયેલી તદ્વન નકામી અને કયારેક તોનુકશાનકારક ઇલેકટ્રોનિક ચીજવસ્તુઓ ખરીદે છે. વળી આ ચીજો એક વખત ખરીદવાથી જિંદગીભરની નિરાંત નથી થઇ જતી દર વર્ષે નવી ટેકનોલોજી બજારમાં આવે છે. કંપનીઓ પણ આકર્ષક એકસચેન્જ સ્કિમો જાહેર કરે છે. એટલે ગ્રાહકો જુના ઉપકરણો આપી નવાની ખરીદી કરવાની વિષચક્રમાંથી બહાર જ આવતા નથી.

નીતિશાસ્ત્રો એમ કહે છે કે પ્રત્યેક ગૃહસ્થે પોતાની આવકના ચાર ભાગ કરવા જોઇએ. આ ચાર પૈકી બે ભાગમાં તેણે પોતાનું ગુજરાન ચલાવવું જોઇએ. ત્રીજો એક ભાગ તેણે ભવિષ્ય માટે બચાવી રાખવો જોઇએ અને ચોથો ભાગનો ઉપયોગ ધર્માદા કાર્યમાં પરકલ્યાણ માટે કરવો જોઇએ.

આજનો માણસ પરમાર્થ તો લગભગ ભૂલી જ ગયો છે. આવકના રપ ટકા તો શું પાંચ ટકા પણ તે ધર્માદામાં કાઢી શકતો નથી. સાથે સાથે તે પોતાનો સ્વાર્થ પણ ભૂલી ગયો છે. આવકના રપ ટકા બે બચાવી પણ શકતો નથી. જે રકમ ભવિષ્યની કોઇ અણધારી આફતમાં કામ લાગવાની છે. આજે તો જેટલી આવક હોય તેના કરતાં તે દોઢ ગણો ખર્ચ કરી નાંખે છે. થોડા વર્ષોમાં પરિણામ એ આવે છે કે આવકનો અડધો ભાગ હપ્તાઓ અને વ્યાજ ચુકવવામાં ખચાઇ જાય છે અને અડધા ભાગમાં તે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે.

આ બધુ ઓછું હોય તેમ લોકસભાની ચૂટણીના પ્રચારમાં અને તેને લગતાં કાળા ધોળામાં અકલ્પનીય જંગી ખર્ચ થયો છે. આખરે તો સરકારી તેજુરી ઉપર અને પ્રજાની કાંધ ઉપર આવશે. દેશના અર્થતંત્રને તે અસ્તવ્યસ્કત કરશે.એમ કહી શકાય કે આગામી મહિનાઓમાં જબરી કરકસર કરવી પડે તેવી સ્થિતિ આવશે. એવી આગામી થઇ શકે તેમ છે કે, આગામી મહિનાઓમાં ધીંગી કરકસર નહિ કરનાર લોકો અને ખુદ સરકારોએ રાતાં પાણીએ રોવાનો વખત આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.