- સાત લાખ ભાવિકો નળપાણીની ઘોડી વટાવી :મઢી નજીક દોઢેક લાખ ભાવિકો લીલી પરિક્રમણ કાલે પૂર્ણ
કારતક સુદ અગિયારસથી પુનમ સુધીની ગરવા ગિરનાર ફરતેની 36 કિમીની લીલી પરિક્રમા યોજાતી હોય છે. તંત્ર દ્વારા કારતક સુદ અગિયારસના દિવસથી જ પરિક્રમાનો પ્રારંભ કરવા આવ્યો હતો જોકે, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી વિધીવત પ્રારંભના એકાદ- બે દિવસ પહેલા જ ભાવિકોની ભીડ વધી જાય છે. પરિણામે તંત્રને વહેલી પરિક્રમા શરૂ કરવાની ફરજ પડે છે. આ વખતે પણ આવું જ બન્યું છે.મંગળવાર કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિ – 12 વાગ્યાથી સાધુ, સંતો, અધિકારીઓ દ્વારા વિધીવત રીતે લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ તે પહેલા સોમવારથી જ હજ્જારોની સંખ્યામાં ભાવિકો પરિક્રમાના પ્રવેશ દ્વાર નજીક એકઠા થઇ ગયા હતા. એટલું જ નહિ ભીડ સતત વધી રહી હતી.
ગરવા ગિરનારની 36 કિમી ની પરિક્રમા ભજન ભક્તિ ભોજન ના ત્રિવેણી સંગમમાં ચાલી રહી છે ત્યારે આજે પરિક્રમા ના ત્રીજા દિવસે મૂડી રાત સુધીમાં સાત લાખ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી આગળ થપી રહ્યા છે તો ત્રણેક લાખ ભાવિકો એ પુણ્યનો ભાથું બાંધીને પરત રવાના થયા છે કાલે સાંજ સુધીમાં પરિક્રમા તેના અંતિમ ચરણોમાં આવી જશે
આજ રાતે ભાવિકો બોર દેવીમાં રાતવાસો કરી તેની સવારે પરિક્રમા પૂર્ણ કરી દેશે જ્યારે મોટાભાગના ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી હવે ગિરનાર પર્વત ઉપર સીડી ચડી અંબાજી મંદિર અને દત્ત શિખર મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે ત્યારે કાલે સાંજ સુધીમાં પરિક્રમા અંતિમ ચરણોમાં આવી જશે અને ધીમે ધીમે ભાવિક માનવ મહેરામણ ભવનાથ વિસ્તારમાં દેખાશે
યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે
પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો જણાવ્યા હતા.
જામનગરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પધારેલા મહેશભાઈ જણાવે છે કે, યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. જંગલમાં કચરો નથી, સુરક્ષા માટે પોલીસકર્મીઓ અને વન વિભાગનો સ્ટાફ ખડેપગે છે, લોકોને કચરો કરવા દેવામાં પણ નથી આવતો. ઉપરાંત અન્નક્ષેત્રોમાં પણ ભાવિકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. આમ, પીવાના પાણી, લાઈટ સહિતની સુવિધાઓ છે અને યાત્રાળુઓને કોઈ તકલીફ પડતી નથી.
નડિયાદના ચકલાસી ગામેથી પ્રથમ વાર ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા મિલીન ગોર જણાવે છે કે, સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે, પ્લાસ્ટિક અભયારણ્ય વિસ્તારમાં ના આવે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પ્લાસ્ટિકથી વન્ય પ્રાણીઓને નુકસાન પહોંચે છે. જેથી પ્લાસ્ટિક જંગલ બહાર રાખી તંત્રને સહકાર આપવો જોઈએ.
લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કરતા કલેકટર
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પરિકમાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો.
જિલ્લા કલેકટરએ, ઝીણાબાવાની મઢી વિસ્તારમાં તંત્ર દ્વારા ઊભી કરાયેલી આરોગ્ય, પાણી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફરજ પરના જુદા જુદા વિભાગના અધિકારી-કર્મચારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.
કલેકટરએ આરોગ્ય કર્મીઓ પાસેથી યાત્રિકોને જરૂરી દવાઓના પૂરતા જથ્થાની પણ જાણકારી મેળવી હતી. તેમજ યાત્રિકોને આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડતું રહેવા માટે પણ સૂચના આપી હતી.
કલેકટરએ યાત્રિકો સાથે સંવાદ કરતા તેમના પરિક્રમાના અનુભવો જાણ્યા હતા. સાથે જ તેમણે વન અને વન્યજીવોના રક્ષણ માટે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે તે માટે જરૂરી તકેદારી લેવા જણાવ્યું હતું. ઉપરાંત પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા માટે કહ્યું હતું.
જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, પરિક્રમાના રૂટ પર તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓના નિરીક્ષણ કર્યા બાદ જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. ઉપરાંત પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે પરિક્રમાના એન્ટ્રી પોઇન્ટ અને રૂટ પર જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે વન વિભાગ, પોલીસ અને સમગ્ર તંત્ર એક સાથે કામ કરી રહ્યું છે. આ વર્ષે નળ પાણીની ઘોડી ખાતે પણ લાઇટનો પ્રશ્ન હતો તેને હલ કરી, લાઈટની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પાણી માટે 45 જેટલી ટાંકીઓ અને આરોગ્ય સેવા માટે પરિક્રમા રૂટ પર 10 હંગામી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.
યાત્રાળુઓ સમયાંતરે આરામ કરવા સિવિલ સુપ્રિટેન્ડન્ટની અપીલ
ગિરનાર લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોએ આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને વયોવૃદ્ધ યાત્રિકો ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ કે હૃદય રોગ માટે સર્જરી કરાવી છે તેવા ભાવિકોએ આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે નિયમિત દવા લેવી જરૂરી છે. ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરાયેલ હોય તો નાઇટ્રો ગ્લિસરીનની ગોળી જીભ નીચે રાખવી તેમજ એસ્પિરિનની ટેબલેટ સાથે રાખી શકાય.
તેમણે કહ્યું કે, પરિક્રમા દરમિયાન છાતીમાં દુખાવો, બેચેની લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા વગેરે લક્ષણ જણાય તો ત્વરિત ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ. સાથે જ તંત્ર દ્વારા જે હંગામી દવાખાના ભાગ કરવામાં આવ્યા છે તેનો સંપર્ક કરવો જોઈએ.
ગિરનાર લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટમાં ચાલતી વખતે જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરી શકાય. યાત્રાળુઓએ પરિક્રમા દરમિયાન સમયાંતરે વિશ્રામ કરવો જોઈએ. આ લાંબા રૂટ દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. પીવાના પાણી માટે ઓઆરએસના પેકેટ પણ સાથે રાખી શકાય. તેમણે ઉમેર્યું કે, યાત્રિકો ચાલતા ચાલતા બેભાન કે મૂર્છિત થઈ જાય તો સીપીઆર દ્વારા પણ યાત્રિકોનો જીવ બચાવી શકાય છે.
ઉપરાંત વયોવૃદ્ધ યાત્રાળુઓ યુવાનો સાથે રાખે તે હિતાવહ છે, તેમજ યુવાનોએ પણ કોઈ ભાવિકોને તકલીફ જણાય તો, નજીકના દવાખાના ખાતે પહોંચાડવા જોઈએ. તેમ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે અંતમાં ઉમેર્યું હતું.