‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ તે આનુ નામ!
આઝાદી દિન ૧૫મી ઓગષ્ટ પહેલા દેશમાં કોરોનાથી આઝાદી અપાવનારી રસી બજારમાં મળવી મુશ્કેલ હોવાની કેન્દ્રીય વિજ્ઞાન મંત્રાલયની સ્પષ્ટતા
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા સંક્રમણથી સમગ્ર માનવજાતમાં ડરનો માહોલ ફેલાય જવા પામ્યો છે. ત્યારે કોરોનાના ડરનો લાભ ઉઠાવી લઈને પોતાનો આર્થિક લાભ ખાટી લેવા અનેક દવા બનાવતી કંપનીઓ આગળ આવી છે. વિશ્વ ક્ષેત્રે એલોપેથી દવાના દબદબા માટેના રાજકારણમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ભૂમિકા પર પણ પ્રશ્ર્નાર્થો ઉભા થઈ રહ્યા છે. માઈક્રોસોફટ જેવી કંપની ડબલ્યુએચઓને મોટુ ફંડ આપીને પોતાના સ્વાર્થને પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હજુ કોરોનાની દવા શોધાય ન હોવા છતાં અને દવાની કલીનીકલ ટ્રાયલ ન થઈ હોવા છતાં અનેક કંપનીઓ કોરોનાની દવાના નામે પોતાના આર્થિક સ્વાર્થ ખાટી રહ્યું છે. ત્યારે ઈન્ડીયન કાઉન્સીલ ફોર મેડીકલ રીસર્ચ ૧૫મી ઓગષ્ટ પહેલા કોરોનાની રસી બજારમાં આવી જવાની કરેલી જાહેરાતને કેન્દ્રના વિજ્ઞાન મંત્રાલય નકારી કાઢી છે.
કોરોનાની અસરકારક દવા શોધવા માટે વિશ્વભરની દવા કંપનીઓ ઉંધામાથ રીસર્ચ કરી રહી છે. ત્યારે ડબલ્યુ એચઓમાં ચાલતા આર્થિક સ્વાર્થના રાજકારણનો લાભ લઈને અનેક દવા કંપનીઓએ કોરોનાના નામે દવા બજારમાં વેંચવા પણ લાગ્યા છે. તાજેતરમાં યોગગુરૂ બાબા રામદેવે લોન્ચ કરેલી કોરોનાની ‘કોરોનીલ’ દવા પાછળનો પણ આવો ઉદેશ્ય હોવાનું બહાર આવતા આ દવા બાબા ગોળી પૂરવાર થઈ છે. વિશ્વના અનેક દેશોએ શોધેલી કોરોનાની દવાની હજુ કલીનીકલ ટ્રાયલ ચાલી રહી છે. અને તેની માનવ ટ્રાયલ બાકી છે. ત્યાં ઈન્ડીયન કાઉન્સીલ ફોર મેડીકલ રીસર્ચે તાજેતરમાં દેશ વિદેશમાં બનેલી કોરોનાની દવા દેશના આઝાદીદીન ૧૫મી ઓગષ્ટ પહેલા બજારમાં મળતી થઈ જશેનો દાવો કર્યો હતો. આ દવા સામે અનેક સંગઠ્ઠનો અને વિપક્ષોએ પ્રશ્ર્નાર્થ ઉઠાવ્યા હતા.
જે બાદ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે ગઈકાલે સ્પષ્ટતા કરી છે કે દેશમાં બનેલી કોરોનાની દવા વર્ષ ૨૦૨૧ પહેલા બજારમાં આવવી અશકય છે. મંત્રાલયે જણાવ્યું છે કે દેશ વિદેશમાં બનેલી કોરોનાની ૧૪૦ રસીમાંથી ૧૧ રસી માનવ ટ્રાયલ માટે તૈયાર છે. પરંતુ તેના માનવ ટ્રાયલના પરિણામોની ચકાસણી બાદ જ અસરકારકતા ખબર પડશે. જે બાદ જ તેને મોટા પ્રમાણમાં દર્દીઓનાં ઉપયોગમાં વર્ષ ૨૦૨૧માં જ લઈ શકાશે જે ૧૧ રસી માનવ ટ્રાયલ માટે તૈયાર છે. તેમાંથી બે રસીઓ ભારતમાં બની છે. જેમાંથી એક આઈસીએમઆર અને બાયોટેકે સાથે મળીન બનાવેલી કોવેકસીન છે. જયારે બીજી ઝાયડસ કેડીલા કંપનીએ બનાવેલી રસી છે.
વિજ્ઞાન મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાની રસી અંધારામાં રોશનીની એક આશા સમાન છે. પહેલા પણ ભારત રસી બનાવવામાં અગ્રેસર રહ્યું છે. યુનિસેફને વિવિધ રોગોની ૬૦ ટકા રસી ભારતમાં પુરી પાડવામાં આવે છે. વિજ્ઞાન મંત્રાલયની આ સ્પષ્ટતાબાદ આઈસીએમ આરએ પણ જણાવ્યું છે કે વિશ્વભરમાં કોરોનાની રસીની ટ્રાયલ માટે ફાસ્ટટ્રેક પધ્ધતિથી કરવામા આવી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાની રસીની મંજરીની પ્રક્રિયા બાબુશાહીમાં અટવાય ન જાય તે માટે ઝડપભેર મંજૂરીની કાર્યવાહી કરવા તેમને ૧૫મી ઓગષ્ટ પહેલા કોરોનાની રસી ભારતમાં લાવવાનો દાવો કર્યો હતો. જેથી મહામારી જેવા રોગમાં અસરકારક પૂરવાર થનારી રસી ઝડપથી બજારોમાં ઉપલબ્ધ થાય અને દર્દીઓ કોરોનાથી મૂકત થાય.