અન્ય રાજ્યોના બોર્ડમાંથી ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ધોરણ-10 પાસ કરનારને જ ધોરણ-11માં પ્રવેશ મળશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ અન્ય રાજ્યોના ઓપન બોર્ડમાંથી ધોરણ-10ની પરીક્ષા પાસ કરી ગુજરાતમાં ધોરણ-11માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિં. માત્ર એનઆઇઓએસ પાસ થયેલા વિદ્યાર્થીઓ જ ગુજરાતમાં ધો.11માં પ્રવેશ માટે લાયક ગણાશે. ઉપરાંત અન્ય રાજ્યોના બોર્ડમાંથી ધો.10 પાસ કરી આવતા વિદ્યાર્થી ગણિત, સામાજીક વિજ્ઞાન, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે પાસ હશે તો જ તેમને રાજ્યની ધો.11ની શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ ક્રમાંક 12(9)(ક)માં સુધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત સરકાર સમક્ષ વિચારણાં હેઠળ હતી. સરકાર દ્વારા વિચારણાંના અંતે હાલની જોગવાઇને બદલે સુધારેલી જોગવાઇને મંજૂરી આપી છે. જેથી ધો.11ના પ્રવેશને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવી જોગવાઇનો અમલ કરવામાં આવશે.
નિયમની હાલની જોગવાઇ અનુસાર અન્ય કોઇ રાજ્યમાં સંઘ રાજ્ય ક્ષેત્રમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને જો વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર ઉપર તે રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રેના શિક્ષણ અધિકારીએ સામી સહિ કરી હોય તો રજીસ્ટ્રર થયેલી શાળામાં તેને દાખલ કરી શકાશે. પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર તેવી રીતે સામી સહિ કરેલી ન હોય ત્યારે શાળાના વડા આવી સામી સહિ કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીને કામ ચલાવ ધોરણે દાખલ કરી શકશે અને એ કેસની પૂરી વિગતોનો અધિકારીને રિપોર્ટ કરી શકશે.
આ જોગવાઇમાં સુધારો કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા નવી સુધારેલી જોગવાઇનો અમલ કરવાની મંજૂરી આપી છે. ઓપન સ્કૂલ તરીકે સમગ્ર દેશમાં એનઆઇઓએસનું કાર્યક્ષેત્ર હોવાથી આ સિવાયના અન્ય રાજ્યોના ઓપન બોર્ડના વિદ્યાર્થી તરીકે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વિદ્યાર્થી અન્ય રાજ્યના ઓપન બોર્ડની ધો.10ની પરીક્ષા પાસ કરો તો પણ તેને ધો.11માં પ્રવેશ માટે યોગ્ય ગણાશે નહિં. કારણ કે અન્ય રાજ્યના ઓપન બોર્ડનું કાર્યક્ષેત્ર સંબંધિત રાજ્ય માટે જ હોય છે.
આ નિર્ણયથી નબળા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના ઓપન બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી ફરી ગુજરાતમાં આવી જતા હતા. તેમની પર હવે બ્રેક લાગશે.