વિવિધ સંસ્થાના સંચાલકો, શિક્ષકો, હોટલ-રેસ્ટોરન્ટના માલીકો સાથે બેઠક યોજતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” હેઠળ શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની ટેવ કેળવે અને આ જાગૃતિનાં માધ્યમથી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની કવાયત વધુ અર્થસભરરીતે ફળદાયી નીવડે તે માટે હાલ સમગ્ર શહેરમાં જબરદસ્ત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે.
મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવેલ હતું કે, માત્ર કોન્ટ્રાક્ટર કે ટીપર વાનના ડ્રાઈવરથી આ કામગીરી નહિ થાય પરંતુ આપને બધાએ સહકાર આપવો પડશે. સુકો કચરો અને ભીનો કચરો અલગ કરી તેને વર્ગીકરણ પ્રોસેસ સુધી આપડે જ પહોંચાડવો પડશે. ઉપરાંત સ્વચ્છતા એપ બધાએ ડાઉનલોડ કરવી જોઈએ અને આપણી આજુબાજુના જે કોઈ લોકો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોય તેઓને આ એપ ડાઉનલોડ કરાવવી જોઈએ.
એક વ્યક્તિ દીઠ દસ એપ ડાઉનલોડ કરાવવી એ આપણી ફરજમાં આવે છે. હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને ખાસ વિનંતી કરતા કમિશનરએ કહ્યું હતું કે, તેમને ત્યાં કચરાનું પ્રમાણ વધારે રહેતું હોય છે તો તેઓ ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખી કચરાના વર્ગીકરણમાં સહકાર આપે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સુકો અને ભીનો કચરો જુદો જુદો રાખવાથી રાજકોટ શહેરને અને મહાનગરપાલિકાને થઇ રહેલા ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં ડે. કમિશનર ચેતન નંદાણી અને ડે. કમિશનર ચેતન ગણાત્રા, આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર તથા ખુબ મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.
પ્રારંભિક માહિતીની આપલે બાદ કમિશનરએ ઉપસ્થિત લોકો દ્વારા આ વિષય અંગે પૂછવામાં આવેલા સવાલોના ઉત્તરો પણ આપ્યા હતાં. હાલ તમામ વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ વહેલી સવારે ૬ વાગ્યાથી ઘેર ઘેર જઈને લોકોને આ બાબતે સમજાવી રહ્યા છે. તે અંગે પણ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાણકારી આપી હતી.
કમિશનર બંછાનિધિ પાનીએ વિશેષમાં એમ કહ્યું હતું કે, રાજકોટને સ્માર્ટ સીટી બનાવવા માટે સ્માર્ટ ટેકનોલોજી આપનાવવી પણ જરૂરી છે. કચરાના વર્ગીકરણ બાદ સુકા અને ભીના કચરાના પ્રોસેસિંગ માટે અલગ અલગ પદ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહયો છે. જેમકે, ભીના કચરામાંથી ખાત્ર બને છે, મોબીટ્રેશ સ્થળ પર આવીને ખાતરની આ પ્રોસેસ કરે છે. જેનાથી સ્થળ પર જ કચરાનો નિકાલ થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિથેનેશન પ્લાન્ટ ૮૦ ફૂટ રોડ પર બનાવવામાં આવેલ છે, જે ૩૦૦ યુનિટ વિજળી બનાવે છે.
તેમણે વધુમાં જણાવતા કહેલું કે, ટીપર વાનમાં ભીનો અને સુકો કચરો અલગ રાખવો, જો આમ કરવામાં નહિ આવે તો ટીપર વાન કચરો નહિ લે. અગાઉ કચરા પેટીમાં તમામ કચરા એકત્ર થતા અને તેમાં પ્લાસ્ટિક, કાચ, કેમિકલયુક્ત કચરો વગેરે સાથે જ રહેતો ત્યારે તે કચરાને પશુઓ ખાવાનું શરૂ કરતા અને પશુઓ મરણ પામતા હતા. કેમકે કચરાની સાથે પ્લાસ્ટિક, કાચ, કેમિકલ અને સુકો-ભીનો કચરો એક સાથે ફેંકવામાં આવતો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરાનું વર્ગીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને જો તેનું પાલન નહિ કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુકા અને ભીના કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી અલગ અલગ છે. સુકો અને ભીનો કચરો એકસાથે ભેગો જ હોય તો તેના પ્રોસેસિંગમાં મુશ્કેલી પડે, પરંતુ બંને કચરા જુદા જુદા હોય તો અલગ અલગ ટેકનોલોજીની મદદથી તેનું સરળ પ્રોસેસિંગ થઇ શકે છે.
રાજકોટ મહાનગરપાલિકાએ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે જ મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર (એમ.આર.એફ. સેન્ટર) કાર્યરત્ત કરેલા છે. જ્યાંથી કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક, કાચ, લોખંડ વગેરે જેવો કચરો વેંચવામાં આવે છે અને પ્રતિ ટન રૂ.૧૫૦૦ જેવી આવક પણ થઇ રહી છે. આવા બે મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર રૈયા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે અને ૮૦ ફૂટ રોડ પાસે કે.એસ.ડીઝલ નજીક ચલાવવામાં આવી રહયા છે.
આ એવો કસુકો કચરો છે જેને રીસાઈકલ કરીને પૂન: ઉપયોગમાં લઇ શકાય છે. કાગળ બનાવવા માટે વ્રુક્ષો કાપવાની જરૂર નથી રહેતી અને આ પ્રકારે પર્યાવરણની પણ કાળજી લઇ શકાય છે. એવી જ રીતે પ્લાસ્ટિક, લોખંડ અને કાચનું પણ પૂન: ઉત્પાદન સંભવ બને છે જેથી મૂળભૂત રિસોર્સની બચત થાય છે. જ્યારે ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે.
રાજકોટ મહાનગરપાલિકાએ વેસ્ટ ટુ કમ્પોસ્ટ એટલે કે, ભીના કચરામાંથી ખાતર બનાવવાના પાંચ પાંચ ટન ક્ષમતાના ત્રણ પ્લાન્ટ કાર્યરત્ત કરેલા છે જે રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, ભાવનગર રોડ અને જ્યુબિલી ગાર્ડન ખાતે ચલાવવામાં આવી રહયા છે; જ્યાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે. તમામ સંચાલકોને અપીલ કરું છુ કે સુકો-ભીનો કચરો અલગ રાખવાના સંદેશ આપતા બોર્ડ-બેનરો મુકે અને સમજાવે અને જરૂરિયાત જણાય તો દંડ પણ કરે.