આશુતોષ હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે સેમિનાર યોજાયો
વર્તમાન આધુનિક રહેણીકરણીના કારણે સમાજમાં મેદસ્વીતા અને તેના કારણે થતી મુશ્કેલીઓ વધી છે અને મહિલાઓમાં મેદસ્વીતાના કારણે અનેક સમસ્યા જોવા મળે છે ત્યારે મહિલાઓ મેદસ્વીતા વિશે જાગૃત બને તે સમાજ માટે લાભદાયક છે એમ રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શના પંડયાએ જણાવ્યું છે.
ડો.દર્શના પંડયાના જણાવ્યા અનુસાર, આજકાલ મેદસ્વીતા એ ગંભીર સ્વ‚પ ધારણ કર્યું છે એના કારણે અનેક સમસ્યા ઉભી થાય છે પણ હજુ લોકોમાં મેદસ્વીતા વિશે યોગ્ય જાણકારી કે જાગૃતિ જોવા મળતી નથી. સમાજ માટે ઘાતક સાબીત થઈ શકે એવી મેદસ્વીતાની સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા અને ખાસ તો પરિવારના આધાર સમાન મહિલાઓને આ બાબતે જાગૃત કરવાના હેતુ સાથે તાજેતરમાં મહિલાઓ માટે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ આ મુદા પર જાગૃત હશે તો આપોઆપ પરિવારને જાગૃત કરી શકશે અને પરિવારને મેદસ્વીતાથી બચાવી શકશે. કારણકે મોટાભાગે મહિલાના હાથમાં રસોડું હોય તે યોગ્ય પૌષ્ટીક ખોરાક દ્વારા પરિવારની તંદુરસ્તી બરકરાર રાખી શકે છે. મેદસ્વીતાના કારણે પી.સી.ઓ.ના કારણે વંઘ્યત્વ, ડાયાબીટીસ, હૃદયની લગતી સમસ્યાઓ વગેરે મુશ્કેલી થતી હોય છે. મહિલાઓમાં ચરબીના કારણે થતી વિવિધ મુશ્કેલીના કારણે પરિવારને સહન કરવા સાથે સમાજ માટે ચિંતાજનક બાબત છે. સેમીનારમાં જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.દર્શના પંડયા સાથે જાણીતા ડાયેટીશ્યન ડો.યોગીતાબેન કાલરીયા તથા તેમની ટીમ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં મહિલાઓને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનાર સાથે ખાસ ચરબીના ટકા માપવાનો ટેસ્ટ વિનામુલ્યે કરી આપવામાં આવ્યા હતા.
આ સેમીનારનું ઉદઘાટન મહિલા ભાજપના અગ્રણી શ્રીમતિ અંજલીબેન ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતિ વંદનાબેન નિતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડીયા, શ્રીમતિ જયોત્સનાબેન ખીમજીભાઈ મકવાણા, બ્રહ્મ સમાજના મહિલા પાંખના અગ્રણીઓ ભાવનાબેન જોષી, સુરભીબેન આચાર્ય, ભદ્રાબેન મનહરભાઈ કોરવાડીયા, વર્ષાબેન જયેશભાઈ સોરઠીયા, ભારવીબેન કેતનભાઈ વસા, મવડી લેઉવા પટેલ સમાજના મહિલા અગ્રણી સવિતાબેન સભાયા, જસુબેન અકબરી, રસીલાબેન સોરઠીયા, જયોત્સનાબેન હરસોડા, કિરણબેન નયનભાઈ શાહ, નિતાબેન વાઘડીયા, આઈ.એમ.એ. વુમન ડોકટર વિંગના ડો.સ્વાતિબેન પોપટ, ડો.વૃન્દા અગ્રાવત, ડો.બબીતા હપાણી સહિત સમાજના મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ ખાસ શુભેચ્છા પાઠવી મહિલા ઉત્થાન માટેના ડો.દર્શના પંડયાના પ્રયાસોની સરાહના કરી હતી.
સેમીનારનું સંકલન અદિતી પંડયાએ કર્યું હતું. સેમીનારના આયોજન માટે નિલેશભાઈ બગથલીયા, પ્રશાંતભાઈ માંકડ સહિત આશુતોષ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ કાર્યરત હતો.