અબતક, નવી દિલ્હી
દેવું કરીને પણ ઘી પીવું જોઈએ..!! પણ ક્યારે..?? કહેવાય છે ને કે માંદગીમાંથી બેઠા થઈ વિકાસની રાહે ચડવું હોય તો દેવું કરીને પણ આગળ વધવું જોઈએ. તાજા માજા અને તાકાતવાન થવા માટે ઉછીના રૂપિયા લઈ પણ ઘી પીવું જોઈએ. પણ ઘી પીને જો તાકાતવાનની જગ્યાએ સુસ્ત થઈ બેઠા રહીએ તો દેવું કાળ પણ બની શકે..!! આમ, ઉછીના નાણા વડે જો આગળ વધ્યા અને બાદમાં વ્યાજ સહિત મૂડી પરત કરી દઈએ તો ઉછીના લીધેલાં નાણાંનો સદુપયોગ થયો ગણાય પરંતુ જો આમ ન થાય તો દેવાળું ફૂંકાઇ જાય..!! આજ વાત મોદી સરકારે તાજેતરમાં જારી કરેલી મુદ્રીકરણની નીતિ પર પણ લાગુ પડે છે.
બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે સ્ટેશન, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ સેવા સહિતની આંતરમાળખાકીય સવલતોને ખાનગી સાહસોને માત્ર ઉપયોગ અર્થે વેચી રૂપિયા ૬૦ લાખ કરોડ ઊભા કરવાના મોદી સરકારના માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. જેને નામ અપાયું છે નેશનલ મોનિટાઈઝેશન પાઇપલાઇન. સરકાર સરકારી સંપતિઓએ ભાડે આપી પૈસા તો ઉભા કરવા ઈચ્છે છે પણ જો સુદઢ વહીવટ ન થાય તો આ સંપત્તિઓ હાથમાંથી જઈ પણ શકે છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારની મુદ્રીકરણ નીતિનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સરકારી વ્યવસ્થાનું ખાનગીકરણ પ્રજાનો વિકાસ કરી શકે કે ??
મોદીની મુદ્રીકરણની નીતિથી વિપક્ષને વાંધો; પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ સરકાર પર કર્યા પ્રહાર:
મોનીટાઈઝેશન પાઈપલાઈનનો મૂળ હેતુ શું, કઈ સંપત્તિ વેચવાથી કેટલી આવક થશે? સરકાર જવાબ આપે: ચિદમ્બરમ્
તેમણે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન યોજના પર સવાલ ઉઠાવ્યા છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેણે એવી સંપત્તિઓનું મુદ્રીકરણ કર્યું હતું જે ખોટમાં ચાલી રહી હતી, પરંતુ મોદી સરકારની નીતિ તદ્દન વિપરીત છે. કોંગ્રેસે મિલકતને એકાધિકાર ન ગણ્યો અને ધોરણ નક્કી કરીને મુદ્રીકરણ કરવામાં આવ્યું. કોંગ્રેસે ક્યારેય વ્યૂહાત્મક રીતે મહત્વની સંપત્તિનું મુદ્રીકરણ કર્યું નથી. જે મોદી સરકાર ખોટી રીતે કરી રહી છે. સરકારે ખાતરી કરવી જોઈએ કે તે બેવડી નીતિ અપનાવશે નહીં. સાથે જ તેમણે એ પણ પૂછ્યું કે પોર્ટ, એરપોર્ટ, ટેલિકોમ અને પાવર સેક્ટરને એકાધિકારથી દૂર રાખવા માટે શું જોગવાઈઓ કરવામાં આવી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ જણાવ્યું કે અમે આટલા વર્ષોમાં જે પણ સંપત્તિ વેચી છે તેને માત્ર ને માત્ર સરકારે ચોરી રોકવાની યોજનાથી વેચી છે. ૨૦ પ્રશ્નોની યાદી તૈયાર કરી પી. ચિદમ્બરે સરકારને મિલકતોની આવક જાહેર કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કોંકણ રેલવે અને દિલ્હી-મુંબઈ કોરિડોર કોઈની સલાહ વગર વેચી દીધા છે જે અયોગ્ય છે અને આ અંગેની ગૃહમાં ચર્ચાને પણ ધ્યાનમાં લીધી નથી.