બેડી યાર્ડની પેઢીના રૂ.40 લાખના તલનો જથ્થો મુંદ્રા પહોંચાડવાની જગ્યાએ મોરબી યાર્ડમાં નીચા ભાવે વેંચી નંખાયો
શહેર ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં ભાડે ગાડી મેળવી અને ચોરીમાં ખપાવી અને ટ્રક ભાંગવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ત્યારે મોરબી રોડ પર કાગદડી નજીક તલ ભરીને ટ્રકનો માલ મુંદ્રા પોર્ટ ખાતે ઉતારવાના બદલે અન્ય સ્થળે બારોબાર વેંચવાનો કૌભાંડનો કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર રહેતા અને બેડી યાર્ડમાં શ્રીરામકૃષ્ણ નામે પેઢી ધરાવતા હાર્દિક પનારા નામના વેપારીએ જીજે02ઝેડ 5127 નંબરના ટ્રકમાં રૂા.38.13 લાખની કિંમતના તલ ભરીને મુંદ્રા પોર્ટ ખાતે મોકલ્યા હતા. બાદ ડ્રાઇવર સ્વરૂપસિંહ ગોહિલનો ફોન આવ્યો કે સામખીયાળી પાસે ટ્રકની બ્રેક ફેઇલ થઇ છે બાદ બીજે દિવસે ટ્રકના ચાલકનો ફોન આવેલો કે ટ્રક મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયો છે. જ્યારે મુંદ્રા પોર્ટ પર પહોંચી ગયો છે. જ્યારે મુંદ્રા પોર્ટ તરફથી શ્રીરામકૃષ્ણ નામની પેઢીને સીએફએસ તરફથી કોલ આવેલો કે ટ્રક હજુ સુધી પહોંચ્યો નથી.
ચાલક સ્વરૂપસિંહ ગોહિલને મોબાઇલ કરતા બંધ આવતો અને ગાડીના માલિકનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ હતો. બાદ અમોને માલૂમ થયું કે અમારી સાથે છેંતરપિંડી થઇ છે. આથી અમોએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગાડીના માલિક અને ચાલક સામે અરજી આપી હતી.
પેઢીના સંચાલકને જાણવા મળ્યું કે તલનો જથ્થો મોરબી યાર્ડ ખાતે વેંચીને ટ્રક ચાલક ફરાર થયો હતો.ગત મોડી રાત્રે ટ્રક વાવ નજીક હોટલ ખાતે ચાલકને ઝડપી લીધો હતો.આને પગલે અનેક પોલીસ મથકના સ્ટાફે સાતથી આઠ શખ્સોને ઉઠાવી લીધા અને આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાથી પોલીસે ઝીણવટભરી તપાશ હાથધરી છે.
ઝડપાયેલા શખ્સની પ્રાથમિક તપાશમાં ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ટોકન આપી અથવા ભાડે ટ્રક મેળવીને ટ્રાન્સપોર્ટની ઓફિસ મારફતે માલ લોર્ડ કરે લી જ્યાં માલ ઉતારવાનો તેને બદલે બારોબાર માલ સગેવગે કરી લાખોની રોકડી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુવાડવા રોડ પોલીસ મથક દ્વારા સ્ટાફ દ્વારા ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે.
ટ્રકની નંબર પ્લેટ અદલા બદલી કરી કરાતું’તું કૌભાંડ!!
હાલ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ આ સમગ્ર કૌભાંડમાં ટ્રકની સૌથી વધુ જરૂર રહેતી હોય ત્યારે કૌભાંડીઓ ચોરીની ગાડી મેળવી અન્ય કોઈ પણ ગાડીની નંબર પ્લેટ લગાવી દેતા હતા. આ મોડસ ઓપરેન્ડી હેઠળ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું ચીટિંગ કરવામાં આવતું હતું. હાલ જે રીતે માહિતી મળી છે તે મુજબ આ પ્રકારે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી લઇ, માલ બારોબાર વેંચી મોટો નફો કટકટાવતા હતા પણ રામકૃષ્ણ કોર્પોરેશન દ્વારા આ મામલે સતત ફરિયાદનો આગ્રહ રાખવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આખી ટોળકીબો પર્દાફાશ થયો હતો.
મુન્દ્રા પોર્ટ સહિતના સ્થળેથી આશરે 10 જેટલાં શકમંદોને ઉઠાવી લેતી પોલીસ
હાલ જે રીતે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ સર્વ પ્રકરણમાં કુવાડવા પોલીસ અને ફરિયાદીની જાગૃતતા અને સમયસૂચકતાએ મોટા કૌભાંડ પરથી પડદો ઉંચક્યો છે. હાલ મુન્દ્રા પોર્ટ સહિતના સ્થળોથી અલગ અલગ પોલીસે અંદાજિત 10 જેટલાં શકમંદોને ઉઠાવી લીધા છે. બીજી બાજુ કુવાડવા પોલીસે કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દિશામાં આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટ થવાના એંધાણ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આ પ્રકારે છેતરપિંડી આચારવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે.