દારૂ અને ગાંજો પીવાની ટેવ ધરાવતા યુવાન હત્યાના ગુનામાં એકની અકાયત: અન્ય પાંચ જેટલા શખ્સોની સંડોવણી
ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા અને રાજકોટમાં સ્પાનો વ્યવસાય કરતા ગરાસીયા યુવાનની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ બે દિવસ પહેલાં કૂંવામાંથી મળી આવ્યા બાદ પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક પોતાના મિત્રો સાથે દારૂની મહેફીલમાં ગયો હતો ત્યારે ત્રણેક માસ પહેલાં બસ પર પથ્થરમારો કરવા અંગે પકડાવ્યા અંગેની બાબતે થયેલી બોલાચાલીના કારણે હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે એક શખ્સની અટકાયત કરી તેની સાથે સંડોવાયેલા અન્ય પાંચ શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉમવાડાના વતની અને ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના 21 વર્ષના ગરાસીયા યુવાનની બે દિવસ પહેલાં ઉમવાડા ચોકડી પાસે કૂંવામાંથી લાશ મળી આવી હતી. અજયસિંહ જાડેજાના શરીરે છરી જેવા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પથ્થર બાંધી લાશને કૂંવામાં ફેંકી દીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
મૃતક અજયસિંહ જાડેજા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું અને રાજકોટના પંચાયત ચોકમાં ભાડાના મકાનમાં રહી નિર્મલા રોડ પર ડો.સંદિપ પાલાના કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ધ વાઇન સ્પા નામથી વ્યવસાય કરે છે.
ગત તા.24મીએ રાજકોટથી ગોંડલ અજયસિંહ ગયા હતા ત્યારે રાત્રે સચિન ધડૂક નામના શખ્સનો ફોન આવતા પોતાની માતાને દસ મીનીટમાં આવવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ સવાર સુધી પરત આવ્યા ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અજયસિંહ જાડેજાને દારૂ અને ગાંજો પીવાની ટેવ હોવાથી અવાર નવાર ઘરે મોડા આવતા હોવાથી માતાએ તેની શોધખોળ કરી ન હતી પરંતુ સવાર સુધી ન આવતા રાજકોટ રહેતી પોતાની દિકરી હિનાબાને અજયસિંહ જાડેજા રાત્રે ઘરે ન આવ્યા અંગેની જાણ કરતા તેણીએ પોતાના ભાઇના મોબાઇલમાં વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા હિનાબા જાડેજા રાજકોટથી ગોંડલ ગયા હતા અને પોતાના કાકા અભેસિંહ જાડેજા સાથે પોલીસ મથકે જઇ અજયસિંહ જાડેજા ગુમ થયાની નોંધ કરાવી હતી.
દરમિયાન ઉમવાડા ચોકડી પાસે કૂંવામાં અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા ડીવાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા અને પી.આઇ. એસ.એમ.જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા.
લાશને ફાયર બ્રિગેડના તરવૈયાઓ બહાર કાઢયા બાદ પોલીસે હિનાબા જાડેજા અને તેમના કાકા અભેસિંહ જાડેજાએ મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. અજયસિંહ જાડેજાના શરીર પર તિક્ષ્ણ હથિયારના 30 જેટલા ઘા માર્યા હોવાનું અને લાશને પથ્થર સાથે બાંધી કૂંવામાં ફેંકી દીધાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી. અજયસિંહ જાડેજાની હત્યાના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ગોંડલ દોડી ગયા હતા.
દરમિયાન ગોંડલમાં ત્રણેક માસ પહેલાં બસ પર થયેલા પથ્થરમારામાં સંડોવાયેલા તેમના પાડોશમાં જ રહેતા જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, ઉદયરાજસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, પંચવટી સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ હરદેવસિંહ ચુડાસમા, આશાપુરા ચોકડી પાસે પ્રમુખનગરમાં રહેતા મહિપાલ રણજીતભાઇ વાળા અને તિરૂમાલા રેસીડેન્સીમાં રહેતા વિવેક ઉર્ફે ટકો મહેન્દ્ર બારડના પોલીસને નામ આપતા પોલીસે તમામની ધરપકડ કરી હોવાથી અજયસિંહ જાડેજાને અવાર નવાર ફોનમાં ધમકી દેતા હોવાનું હિનાબા જાડેજાએ ફરિયાદમાં જણાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
દરમિયાન ગત તા.24મી એપ્રિલે અજયસિંહ જાડેજા ગોંડલ આવ્યાની જયવીરસિંહ જાડેજા સહિતના શખ્સોને થતાં તેની હત્યાનો પ્લાન બનાવી સચિન ધડૂક પાસે ફોન કરાવી દારૂ પીવા બોલાવ્યો હોવાથી અજયસિંહ જાડેજા સચિન ધડૂકને મળવા ગયા બાદ તેને દારૂ પીવડાવી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે એક શખ્સની અટકાયત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે. મૃતક અજયસિંહ જાડેજા સામે દારૂ અંગેનો એક ગુનો નોંધાયો હોવાનું અને ગાંજો પીવાની પણ ટેવ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સાંજ સુધીમાં અન્ય શખ્સો પોલીસ સકંજામાં આવી જાય તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.