- ફટાકડા ફોડવા બાબતે ડખ્ખો થતાં ફાયરિંગ : બાળકી સહિત પાંચ ઈજાગ્રસ્ત
- સ્કોર્પિયો કારમાં ધસી આવેલા ચાર શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા : તપાસનો ધમધમાટ
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે એક પરિવાર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં એક બાળકી, મહિલા સહીત પાંચ લોકો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગામના જ ચાર શખ્સો પર ફાયરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા કાલાવડ પોલીસ હરીપર મેવાસા ગામે પહોંચી હતી.
જામનગર જિલ્લામાં હજુ અઠવાડિયા પૂર્વે જ જામનગરના દિગ્વિજય પ્લોટમાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થયાં બાદ, બે દિવસ પૂર્વે ગેંગરેપની ઘટના સામે આવી હતી. જે બાદ હવે કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવા બાબતે એક પરિવાર પર ફાયરિંગ થયું જેમાં એક બાળકી, બે મહિલા સહીત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એક રહેણાંક મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત મોડી રાત્રે કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં કોમના બે જૂથ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી. તાજુંનભાઈ કાસમભાઈ હલાની ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન આરોપી યુનિસ ત્યા આવ્યો હતો અને ફટાકડાની ફોડવાની ના પાડી હતી.
ત્યારબાદ બ્લેક સ્કોર્પિયોમાં સવાર થઈ આવેલા ચાર શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. આરોપી યુનુસ તૈયબ અને યુનુસ તથા આસિફ સહિતના શખ્સો છરી અને બંદૂક સાથે ઘસી આવ્યા હતા જ્યાં આરોપી યુનિસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ ઘટનામાં સિમરન તાજુંનભાઈ હલાની, તમન્ના હલાની, આયસુબેન ફિરોજ હલાની, અસલીહાંન શકીલ મથુપોત્રા નામના 5 લોકોની લોહી લુહાણ હાલત થઈ હતી.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં હલાની(સુમરા) પરિવાર પર ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયાં બાદ ગામના જ ચારેક લોકોએ ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં એક જ પરિવારના પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્તોમાં સીમરનબેન હાલાણી, તાજુનભાઈ હાલાણી, તમન્નાબેન હાલાણી, આયેશાબેન હાલાણી અને અસલીહાન મથુંપૌત્રાનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી ગયાં
ગત મોડી રાત્રે હરીપર મેવાસા ગામે બનેલી ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જામનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના ઘટનાસ્થળે દોડી ગયાં હતા. હાલ ફાયરિંગ કરનાર શખ્સોની ઓળખ મેળવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ
હરીપર મેવાસા ગામે બનેલી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. જે ફૂટેજ મેળવી પોલીસે તમામ હુમલાખોરોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનાર શખ્સોની ઓળખ મળી જતાં તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજુ રામોલીયા/સાગર સંઘાણી