ઈન્કમ ટેકસ સેટલમેન્ટ કમિશનમાં મામલો પેન્ડીંગ હશે તો સુધારો કરવાની તક નહીં મળે: સર્ટીફીકેટ અપાયા પહેલા ડિકલેરેશન માટે કેટલીક છુટછાટ
આવક વેરા વિભાગ દ્વારા ઘણા સમય પહેલા જાહેર કરવામાં આવેલી વિવાદ સે વિશ્ર્વાસ યોજનામાં હવે વિશ્ર્વાસને દ્રઢ બનાવવા માટે ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ આપવામાં આવ્યો છે. ટેકસમાં વિવાદને ઉકેલવા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) દ્વારા આ બાબતે જણાવાયું હતું કે, જ્યાં સુધી કાર્યવાહી પેન્ડીંગ હોય ત્યાં સુધી ડિકલેરેશનમાં સુધારાનો અવકાશ રહેશે નહીં. ઈન્કમટેકસ સેટલમેન્ટ કમિશન આઈટીસીએસસીમાં મામલો અટવાયો હોય ત્યારે અવકાશ મળશે નહીં.
જો કે, ટેકસ વિભાગ દ્વારા કરની સંપૂર્ણ વિગતો અને ભરવાપાત્ર રકમનું સર્ટીફીકેટ અપાય તે પહેલા વિવાદ સે વિશ્ર્વાસ હેઠળ ડિકલેરેશનનો સુધારો થઈ શકે છે. સીબીડીટીએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી હતી કે, મ્યુચલ એગ્રીમેન્ટ પ્રોસીઝર (એમએપી) દ્વારા મુકવામાં આવેલી શરત પણ જો સ્વીકારવામાં ન આવે તો આ લાભ લઈ શકાશે નહીં. મુળભૂત વાત ડિકલેરેશનની રહે છે. અમુક મર્યાદા બાદ કેસ અટવાયો હશે તો ડિકલેરેશનમાં સુધારાનો કોઈ અવકાશ રહેતો નથી.
ઓર્થોરીટી ફોર એડવાન્સ રૂલીંગ (એએઆર) દ્વારા કરદાતાના પક્ષમાં ચુકાદો અપાયો હોય અને આ ચુકાદા સામે આવકવેરા વિભાગે હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હોય તેવા સંજોગોમાં પણ કરદાતાને ડિકલેરેશનમાં બદલાવનો લાભ મળશે નહીં.
નોંધનીય છે કે, આવકવેરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧ના માર્ચ મહિના સુધી વિવાદ સે વિશ્ર્વાસ સેટલમેન્ટ યોજના હેઠળ ત્રીજી વખત સમય મર્યાદા વધારવામાં આવી છે. આ વખતે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારવા પાછળ કોરોના મહામારી કારણભૂત હોવાનું જણાવવામાં આવ્યું છે. અલબત હવે વિવાદ થી વિશ્ર્વાસ યોજનામાં કરદાતાઓનો વિશ્ર્વાસ વધુ દ્રઢ બને તે માટે જાહેર કરવામાં આવેલી વિગતોનું રિવીઝન કરવાનો અવકાશ આવકવેરા વિભાગ આપશે.