શહેરમાં કુલ ૫૦ ધનવંતરી રથ કાર્યરત, એક રથમાં મેડિકલ, પેરા મેડિકલ, નર્સ અને ડ્રાઇવર સહિત ૪ વોરિયર્સ તૈનાત
જેની કીર્તિ છેક કેન્દ્ર સરકારના સીમાડાઓને આંબી ચુકી છે, એવા ગુજરાત સરકારના માનસપુત્ર સમા ધન્વંતરી રથ રાજયભરના નાગરિકો માટે કોરોના સામેની લડાઇમાં અમોઘ શસ્ત્ર પુરવાર થઇ રહયા છે.
આવા જ એક ધન્વંતરી રથના કોરોના યોધ્ધા ડો. ધરતી રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના સમયે રાજકોટના નાગરિકોની સેવા કરતી વખતે સરહદ પર લડતા ભારતીય સેનાના જવાનો જેવી ફીલીંગ આવે છે. ડોકટર તરીકે અમારે હંમેશા સોફિસ્ટિકેટેડ સર્વીસ જ કરવાની થતી હોય છે. પરંતુ કોરોના સંક્રમણ સમયે નાગરિકોના ઘરે-ઘરે જઇને તેમને કોરોના બાબતે જાગૃત કરવાની કામગીરીમાં ગજબનો આત્મસંતોષ મળે છે. ગ્રાસ રૂટ લેવલનો આ અનુભવ અમને અમારી સમગ્ર કારકીર્દિ દરમ્યાન લાંબા સમય સુધી યાદ રહેશે. ધન્વંતરી રથમાં જોડાવાથી અમને રોજગારી મળવાની સાથે માનવીય સ્વભાવના વિવિધ પાસાંઓથી પરિચિત થવાનો પણ મોકો મળે છે, જેનાથી મળનારૂં અમૂલ્ય ભાથું અમને અમારા ડોકટર તરીકેના કાર્યકાળમાં ખૂબ ઉપયોગી બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના વિજય પ્લોટ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યરત ધન્વંતરી રથમાં મેડિકલ ટીમ તરીકે ડો. ધરતી રાઠોડ, નેહલબેન ચાવડા અને ધારાબેન વાજા ફરજો બજાવે છે, જયારે રથના ડ્રાઇવર તરીકે હિતેષભાઇ પરમાર તેમની સેવાઓ આપી રહયા છે. આ યુવા યોધ્ધાઓએ તેમની ફરજોને સંપૂર્ણ માનવીય સ્પર્શ આપ્યો છે. કોરોના સમયની લોકોની માનસિકતાને પારખીને તેઓ લોકોને કોરોનાનો સામનો કરવા તેમની જ ભાષામાં સમજાવે છે. અને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, વારે-વારે હાથ ધોવા, જરૂર જણાયે કોરોના ટેસ્ટ કરવા વગેરે માટેની રાજયસરકારની ખેવના તેમના સુધી પહોંચાડે છે.
મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં કુલ ૫૦ ધન્વંતરી રથ કાર્યરત છે. એક રથમાં મેડિકલ, પેરા મેડિકલ, નર્સ અને ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓ કાર્યરત હોય છે. સવારે ૯ થી ૧ અને સાંજે ૩ થી ૭ દરમ્યાન આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે, અને નાગરિકોને કોરોના સામે જાગૃત કરે છે, કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓના સ્થળ પર જ ટેસ્ટ કરે છે તથા જરૂરિયાતવાળા દર્દીઓને ઉકાળા, દવા વગેરેનું સ્થળ પર જ વિતરણ કરે છે.
અમુક દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવવા માટે અને ઉકાળા તથા દવાઓ લેવા માટે રાજી નથી થતા, તેમની સાથે સમજાવટથી અને ધીરજથી કામ લઇને ધન્વંતરી રથના આ કર્મચારીઓ સમગ્ર સમાજ માટે બહુમૂલ્ય ફરજો બજાવે છે. અને કોરોનાનું સંક્રમણ રોકવા તેમનું યથાશક્તિ પ્રદાન આપે છે. કોરોના સામેના યુધ્ધમાં અમૂલ્ય ફરજો બજાવતા રાજયસરકારના આ યોધ્ધાઓ થકી રાજયના નાગરિકો કોરોનાને ખૂબ ઝડપથી મ્હાત આપી શકશે, એમાં શંકાને સ્થાન નથી.