આ વખતની ચૂંટણીમાં શું પ્રથમ વખત બની રહ્યું છે!
વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ આવકવેરા વિભાગ હરકતમાં આવી ગયું છે. બિન હિસાબી સંપતિ-આવક ધરાવતા ઉમેદવારો ઉપર આઈટી વિભાગનો ડોળો છે. આવા ઉમેદવારોને સકંજામાં લેવા માટે ચૂંટણીપંચ સાથે મળી આવકવેરા વિભાગે તૈયારીઓ કરી લીધી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે ૩૩ ટૂકડીઓ બનાવી છે. રૂ.૧૦ લાખની રોકડ સાથે રાખનાર ઉમેદવાર કે ચૂંટણી સાથે સંકળાયેલ વ્યક્તિ પકડાશે તો તેના સામે કાર્યવાહી થશે. આ રકમનો ખુલાસો આવકવેરા સમક્ષ આપવો પડશે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટરીમાં આવકવેરા વિભાગે આ રીતે ૪૨ કેસમાં કુલ રૂ.૧.૯૧ કરોડની રકમ ટાંચમાં લીધી હતી. જે ઉમેદવારોની મિલકતમાં એકાએક અકુદરતી વધારો માલુમ પડશે તે ઉમેદવારોની પ્રોપર્ટી વેલ્યુની આકારણી આવકવેરા વિભાગ કરશે. આ ઉપરાંત ઉમેદવારોની મિલકતોના જૂના અને નવા ભાવ અંગે પણ આવકવેરા વિભાગ તપાસ કરશે. અનેક રીતે આગામી વિધાનસભાની ચૂંટણીને ઐતિહાસીક બની રહી છે. આ ચૂંટણીમાં અનેક એવા મુદ્દા છે જે પ્રથમવાર જોવા મળશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ મતદાન બુથ ઉપર વીવીપીએટ મશીનનો ઉપયોગ થશે. ઉમેદવારો અને લોકોની ફરિયાદો માટે ચૂંટણીપંચ ઈ-મેઈલ અને એસએમએસના માધ્યમથી ફરિયાદ સ્વીકારશે. ગેરકાયદે પ્રવૃતિ સામે મોબાઈલ એપ લોન્ચ થશે. જેમાં રિયલ ટાઈમ તસ્વીરો અને વીડીયો પોસ્ટ થઈ શકશે. ખાનગી વાહનોને વળતર ચૂકવવા પણ ઈલેકટ્રોનીક પેમેન્ટ સીસ્ટમનો ઉપયોગ થશે. ૧૮૨ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક બુથ એવું હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત રહેશે.