ભાજપની બે વ્યૂહરચના, સંગઠનને મજબૂત કરવાની સાથોસાથ વિરોધીઓને નબળા પાડવા સતત કવાયત
આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ બે વ્યૂહરચના પર કામ કરી રહી છે. જેમાં તે સંગઠનને મજબૂત કરવાની સાથે સાથે વિરોધીઓને નબળા પાડવા સતત કવાયત કરી રહી છે.
હાલ ભાજપ પાર્ટી લોકોને મોદી સરકારની સિદ્ધિઓથી વાકેફ કરવા માટે દરેક તક અને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાનો આધાર વધારવામાં વ્યસ્ત છે. મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર, પાર્ટીએ 30 મે થી 14 જૂન સુધી ઘણા આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને ’સેવા, સુશાસન ઔર ગરીબ કલ્યાણ’ નામનું વિશેષ અભિયાન ચલાવવાનું આયોજન ઘડ્યું છે.
મોદી સરકારે પોતાના મંત્રીઓને ગામડાઓમાં જઈને લોકો સાથે સીધો સંવાદ કરવા કહ્યું છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ભાજપના કાર્યકરોએ દેશભરમાં 75,000 સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બાલદાન દિવસ પર શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપના કાર્યકરો 23 જૂનથી 6 જુલાઈ સુધી દેશભરમાં વૃક્ષારોપણ કરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર ’આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન હેઠળ, ભાજપના સાંસદો પહેલેથી જ પોતપોતાના વિસ્તારોમાં 75 અમૃત સરોવર બનાવવા અને અન્ય સામાજિક કાર્યો કરવામાં વ્યસ્ત છે. ભાજપ પાર્ટીની રણનીતિ સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાની અને તેમની સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાની છે.
વાસ્તવમાં ભાજપ બૂથ સ્તરે પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. ભાજપે તમામ રાજ્ય કારોબારીઓની બેઠક 10 જૂન સુધી, તમામ જિલ્લા કારોબારીઓની બેઠક 20 જૂન સુધી અને તમામ વિભાગીય કારોબારીઓની બેઠક 30 જૂન સુધી યોજવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત જુલાઈ સુધીમાં તમામ રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓની ત્રણ દિવસીય તાલીમ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના ’નબળા’ બૂથને મજબૂત કરવા માટે ખાસ રણનીતિ પર પણ કામ કરી રહી છે. આવા કુલ 73,000 બૂથની ઓળખ કરવામાં આવી છે. આ બૂથ પર પાર્ટીનો પ્રભાવ વધારવા માટે એપ્રિલમાં ચાર વરિષ્ઠ નેતાઓની પેનલ બનાવવામાં આવી હતી.
સૌથી વધુ સંવેદનશીલ બૂથ દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં છે. આ યાદીમાં લઘુમતી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા બૂથનો સમાવેશ થાય છે જ્યાં ભાજપ અન્ય પક્ષોની સરખામણીમાં નબળી છે. તે જ સમયે, ભાજપ તેના વિરોધીઓને નબળા બનાવવા પર પણ ધ્યાન આપી રહ્યું છે. આ વ્યૂહરચના હેઠળ, ભાજપ એવા વિપક્ષી નેતાઓને નિશાન બનાવશે જેઓ તેમના વિસ્તારોમાં લોકપ્રિય અને પ્રભાવશાળી છે, પરંતુ તેમના મુખ્ય પક્ષોથી નારાજ છે.ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતા માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ સંકેત આપ્યો છે કે તે સક્ષમ અને લોકપ્રિય નેતાને સન્માન આપવામાં માને છે અને તે મુજબ તેમને પુરસ્કાર આપે છે. ભાજપે તાજેતરમાં સુનીલ જાખરને પાર્ટીમાં સામેલ કર્યા કારણ કે તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી નારાજ હતા.
ગુજરાતમાં તાજેતરમાં કોંગ્રેસ છોડીને આવેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની પણ ભાજપમાં જોડાવાની ઘણી અટકળો ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસથી નારાજ એવા ઘણા અસંતુષ્ટ નેતાઓ પર ભાજપની નજર છે. જો કે, ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સહિત ઘણા પ્રાદેશિક અને પરિવાર આધારિત પક્ષોમાં હવે આંતરિક લોકશાહી અસ્તિત્વમાં નથી, અને તેથી સારા નેતાઓ, ત્યાંની સિસ્ટમથી નાખુશ, વિકલ્પો શોધી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે એ જરૂરી નથી કે તમામ વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાય અથવા ભાજપે તે બધાને પોતાના પક્ષમાં સામેલ કરવા જોઈએ.
આવતીકાલની કવાડ સમિટ ‘મંગલકારી’ રહેવાના ઉજળા સંકેતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ માટે તેઓ આજે જાપાન પહોંચ્યા હતા. જ્યાં તેઓનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલની કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજરી આપશે.
આખી દુનિયાની નજર આ ક્વાડ કોન્ફરન્સ પર રહેશે, કારણ કે આ દિવસે રશિયા અને યુક્રેન યુદ્ધના ત્રણ મહિના પૂરા કરશે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું હતું. આ બેઠકને ભારતના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે એલએસી નજીક ચીનની હિલચાલ તેજ થઈ ગઈ છે. ચીનના વલણ પર ક્વાડ દેશો તરફથી આક્રમક નિવેદન જારી કરવામાં આવી શકે છે. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ એકબીજા વચ્ચે સંરક્ષણ સંબંધો વધારી રહ્યા છે. ચાર દેશોની નૌકાદળોએ ગયા વર્ષે નવેમ્બરમાં તેમની સૌથી મોટી નૌકા કવાયત હાથ ધરી હતી. હિંદ મહાસાગરમાં યુદ્ધ જહાજો, સબમરીન અને એરક્રાફ્ટ મોકલવામાં આવ્યા હતા. જેના કારણે ચીનમાં ખળભળાટ મચી ગયો હતો.
અમેરિકા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ક્વાડને મજબૂત કરવા માટે ગંભીર છે. ભારત અને યુએસ બંને માને છે કે ક્વાડ એ સહિયારા હિતો પર આધારિત ભાગીદારી છે અને તેને માત્ર અમુક દેશો સુધી મર્યાદિત રાખવાનો ઈરાદો નથી. કોઈપણ દેશ જે મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશની હિમાયત કરે છે તે કોઈને કોઈ સ્વરૂપે તેનો ભાગ બની શકે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રયાસ ચીન વિરુદ્ધ શક્ય તેટલા દેશોને એકઠા કરવાનો છે. માનવામાં આવે છે કે ક્વાડ સમિટમાં સંરક્ષણ, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઉર્જા, વેપાર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પછી, 24 મેના રોજ, વડા પ્રધાન મોદી તેમના સમકક્ષ, જાપાનના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.