પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિષ્નાનો જમાઈ આવકવેરા વિભાગની ઝપટે
દેશની સૌથી મોટી કોફી રીટેઈલ ચેઈન કેફે કોફી ડે ઉપર આવકવેરા વિભાગે દરોડો પાડી રૂ .૬૫૦ કરોડની બેનામી આવક ઝડપી છે. કેફે કોફી ડેના સ્થાપક પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિષ્નાના જમાઈ વી.જી.સિધ્ધાર્થ છે.
આવકવેરા વિભાગે ત્રણ દિવસની તપાસમાં સિધ્ધાર્થની ‚રૂ .૬૫૦ કરોડની બેનામી સંપતી ટાચમાં લીધી છે. બેંગાલુરુમાં આવકવેરા વિભાગે કોફી ટુરીઝમ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલી પેઢીઓ પર દરોડા પાડયા હતા. કેફે કોફી ડેના સ્થાપક સિધ્ધાર્થ પાસેથી હજુ વધુ બેનામી સંપતિ મળી આવે તેવી શકયતાએ આવકવેરા વિભાગે અન્ય સ્થળોએ પણ તપાસ હાથ ધરી છે.
અત્યાર સુધીમાં આવકવેરા વિભાગ બેંગાલુરુ, હાસમ, ચિકમગાલુરુ, ચેન્નઈ અને મુંબઈ સહિતના શહેરોમાં કુલ ૨૫ સ્થળોએ દરોડા પાડયા હતા. કેટલીક કંપનીઓના પરિસરમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ ધામા નાખ્યા હતા. કેફે કોફી ડેના હેડ કવાર્ટરમાં તેમજ સિધ્ધાર્થના રહેણાંક ઉપર પણ આવકવેરા વિભાગની ટૂકડી ત્રાટકી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં અત્યાર સુધીમાં આવકવેરા વિભાગે ‚રૂ .૬૫૦ કરોડની બેનામી સંપતિ ટાચમાં લીધી છે.