મહમદ પયગંબર અંગે ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીનો વિરોધ કરવા માટે મુસ્લિમોએ શુક્રવારની નમાઝ બાદ દેશભરમાં ઠેરઠેર ભારે વિરોધ પ્રદર્શનો કર્યો હતા. પણ ધર્મના નામે હિંસા એ ભારતને શોભે તેમ નથી. દરેક ધર્મ પ્રત્યે આદર જરૂરી છે. હવે આ વિવાદ થોભે તો સારૂ.દેશના અનેક શહેરોમાં મુસ્લિમોના ટોળાએ પથ્થમારો કર્યો હતો, જેમાં કેટલાંક પોલીસ જવાનો ઘાયલ થયા હતા. દેખાવકારોએ ભાજપના આ બે નેતાઓ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેમની ધરપકડની ઉગ્ર માગણી કરી હતી. પોલીસ પણ વળતી કાર્યવાહી કરીને લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસ છોડ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યું હતું. રાંચીમાં પોલીસની ફાયરિંગમાં એક વ્યક્તિના મોતના અહેવાલ મળ્યા હતા.જમ્મુમાં કેટલાંક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હતો, જ્યારે કાશ્મીર વેલીમાં બંધ પાડવામાં આવ્યો હતો. રાંચીમાં પ્રતિબંધાત્મક આદેશો જારી થયા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટરો લઈને ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના મીડિયા યુનિટના પૂર્વ વડા નવીન જિંદાલની ધરપકડની ઉગ્ર માગણી કરી હતી. દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં શુક્રવારની નમાઝ બાદ મુસ્લિમોના ટોળા રસ્તા પર ઘસી આવ્યા હતા. જામા મસ્જિદની બહાર સેંકડો દેખાવકારો એકઠા થયા હતા, કેટલાંક લોકો મસ્જિદના પગથિયા પર ચડ્યા હતા. પોલીસે કેટલાંકની ધરપકડ પણ કરી હતી. જોકે જામા મસ્જિદના શાહી ઇમામ સઇદ અહેમદ બુખારીએ પોતાને આ દેખાવોથી અલગ કરતાં જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ કોણ છે અને ક્યાંથી આવ્યા તે જાણતો નથી અને આવા લોકો સામે પગલાં લેવા જોઇએ.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને સહારનપુરમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બિજનોર, મોરાદાબાદ, રામપુર અને લખનૌમા પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રયાગરાજમાં કેટલીક મોટરસાઇકલ અને વાહનોમાં આગ ચાંપમાં આવી હતી. પોલીસ વાહનોને સળગાવવો પણ પ્રયાસ થયો હતો. પોલીસે ટોળાને વિખેરી નાંખવા ટીયગગેસ અને લાઠીચાર્જ કર્યો હતો અને તે પછી શાંતિની ફરી સ્થાપના થઈ હતી. સહારનપુરમાં દેખાવકારોએ નુપુર શર્માને મોતની સજા કરવાની માગણી કરી હતી. પોલીસે મોડી સાંજ સુધીમાં હિંસા અને પથ્થરમારો કરનારા 136 લોકોની ધરપકડ કરી છે.
ઝારખંડની રાજધાની રાંચીમાં મેઇન રોડ પર હનુમાન મંદિર નજીક ઉગ્ર ટોળાને કાબુ લેતા કેટલાંક પોલીસ જવાનો ઘાયલ થયા હતા. તેનાથી કેટલાંક વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા હતા. પોલીસે ટોળાને અંકુશમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. આમ છતાં ટોળા અંકુશમાં ન આવતા હવામાં ફાયરિંગ કર્યું હતું. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરતાં હતા અને પોલીસ પર પથ્થમારો કરતા હતા. આ હિંસામાં કેટલાં લોકો ઘાયલ થયા હતાં તેવા પ્રશ્નના જવાબમાં રાંચીના ડેપ્યુટી કમિશનર છાવી રંજને જણાવ્યું હતું કે ઘાયલોની સંખ્યા અંગે માહિતી મેળવવામાં આવી રહી છે. તોફાનીઓ પર નજર રાખવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ કરાયું હતું.
મહારાષ્ટ્રના અનેક શહેરોમાં દેખાવો થયા હતા, જોકે કોઇ અનિશ્ચનીય ઘટના બની ન હતી. નવી મુંબઈના પનવેલ શહેરમાં આશરે 1,000 મહિલાઓ સહિત આશરે 3,000 દેખાવકારોએ એક રેલી કાઢી હતી તથા નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડની માગણી કરી હતી. રાજ્યના થાને, સોલાપુર, નંદુરબાર, બીડ, લાતુર, ભંડારા, ચન્દ્રપુર અને પૂણેમાં દેખાવો થયા હતા.