રાજ્યમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઇ આપ એક્ટિવ: અલ્પેશ કથિરિયાને સુરત ઝોનની અને જગમાલ વાળાને સૌરાષ્ટ ઝોનની જવાબદારી સોંપાઈ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યાં છે. પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી.
ગુજરાત વિધાનસભામાં પૂરી શક્તિ લગાવી દેનાર આમ આદમી પાર્ટીએ હવે સંગઠનમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીએ ઈસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઈસુદાનને પક્ષ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીએ સંગઠનમાં મોટા ફેરફારની જાહેરાત કરતા વર્તમાન અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપી મહારાષ્ટ્રની જવાબદારી આપી છે.
ગોપાલ ઈટાલિયાને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પણ બનાવ્યા છે. ઈસુદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીનો મુખ્યો ચહેરો હતા, જોકે તેઓ દ્વારકાની ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી, અલબત કેટલાક સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે આપના સંગઠનને લઈ વ્યાપક પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને પાંચ બેઠક મળી હતી, જ્યારે ભાજપે 156 બેઠક સાથે ભવ્ય જીત હાંસલ કરી હતી. જોકે કોંગ્રેસ ફક્ત 17 બેઠક પર જ સફળ રહી શકી હતી.
અલગ અલગ ઝોનમાં નિમાયા કાર્યકારી અધ્યક્ષ
પાર્ટી દ્વારા અન્ય કેટલાક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. પાટીદાન નેતા અલ્પેશ કથિરીયા અને ડેડિયાપાડાથી ચૂંટણી જીતનાર ધારાસભ્ય ચૈતર વસાવાનું પક્ષમાં કદ વધ્યું છે. પાર્ટીએ જ્યાં ઈસુદાનને સંગઠનની કમાન સોંપી છે ત્યારે બીજી બાજુ અલ્પેશ કથિરીયાને સુરત ઝોડનના સ્ટેક વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવાયા છે.
જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનની કમાન ચૈતર તથા સૌરાષ્ટ્ર ઝોનની કમાન જગમલ વાળા તેમ જ કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડો.રમેશ પટેલને ઉત્તર ગુજરાત ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.આમ આદમી પાર્ટીએ આશરે 13 ટકા મત મળ્યા હતા અને ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. પાર્ટી હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરીને તૈયારી શરૂ કરી દીધી હોય તેમ લાગે છે.