જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી : વીજ પુરવઠો જાળવવા તેમજ સિવિલ હોસ્પિટલમાં લિકેજ વગેરે મરામતની કામગીરી ઝડપી પૂર્ણ કરવા દર્શીતાબેન શાહની રજુઆત, કારખાનાઓને લોડ વધારો ઝડપી આપવા, સૂચિત સોસાયટીને કાયમી કરવી, રસ્તાઓની મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રમેશભાઈ ટીલાળાની રજૂઆત
રાજકોટ જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતાબેન શાહે શહેરમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જાળવવા તેમજ સિવિલ હોસ્પિટલમાં લિકેજ વગેરે મરામતની કામગીરી ઝડપી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ કારખાનાઓને લોડ વધારાની અરજી બાદ થતાં વિલંબને ટાળવા, ઈન્ડસ્ટ્રીયલ ઝોનના પ્રશ્નો તથા સૂચિત સોસાયટીને કાયમી કરવાની કામગીરી, અમૂક જગ્યાએ રસ્તાઓ ઉપર ખાડા પડવાથી લોકોને મુશ્કેલી સર્જાતિ હોય રસ્તાઓની મરામતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી તેમજ સંકલન અને સહકાર સાથે રાજકોટ જિલ્લાનું કામ વધુ સારી રીતે કરી શકાય તે માટે ધારાસભ્યઓએ ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું કે, સર્વે સીધો જનપ્રતિનિધિઓનો સંપર્ક કરીને પણ મહત્વની કામગીરી બાબતે ચર્ચા કરી શકે છે. જેથી પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિવારણ કરી શકાય.
બેઠકમાં જમીન સંપાદન, દબાણ, ટ્રાફિક, ગૌચરની જમીન અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન ધારકોને નિયત સમયમાં તેમના લાભો મળે તે દિશામાં કામગીરી કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યુ હતુ તેમજ ફાટકમુકત રાજકોટ અંતર્ગતની કામગીરી,છાત્રવૃત્તિ, શેરી બાળકોને વિવિધ યોજનાઓના લાભ તથા રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે સબંધિત અધિકારીઓને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એસ. જે.ખાચર તેમજ અન્ય અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.