- ઓગસ્ટ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિ: એઈમ્સ કનેક્ટિવિટી, પી.ડી.યુ.કોલેજમા કેન્ટીન, લોકમેળો, સ્માર્ટ સિટી ક્ધવેન્શન સેન્ટર, ક્ષય કેન્દ્ર વગેરેના પ્રશ્ર્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ
રાજકોટ જિલ્લાની ઓગસ્ટ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા અને ડો. મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.
અટલ સરોવર ખાતે વિવિધ રાઈડઝ શરૂ કરવા, એઈમ્સ હોસ્પિટલ સુધી જવા માટેની કનેક્ટિવિટી વધારવા, પી.ડી.યુ.કોલેજમાં કેન્ટીન શરૂ કરવા, આજી રીવરફ્રન્ટની કામગીરી આગળ વધારવા, લોકમેળાનું યોગ્ય બંદોબસ્ત સાથે આયોજન કરવા, સાંઢિયા પુલની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનુ આયોજન ગોઠવવા, સ્માર્ટ સિટી ક્ધવેન્શન સેન્ટરની પી.પી.પી. ધોરણે રચના કરવા, ક્ષય કેન્દ્રના મેડિકલ સાધનોની જરૂરિયાત મુજબ જાળવણી કરવા વગેરેના પ્રશ્નો અંગે આ બેઠકમાં રજુઆત કરાઇ હતી, જે અંગે ત્વરિત કાર્યવાહી કરવા કલેક્ટરએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.
બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. સ્થાનિક તથા ગ્રામ્ય જળાશયોનુ સર્વેક્ષણ કરી તાત્કાલિક મરામત કરવા, સ્પેશિયલ હોમ ફોર બોઇઝની રીવાઈઝડ મંજૂરી, “એક પેડ, માં કે નામ” યોજનાનો વ્યાપ વધારવા, સરકારી આવાસોની સંખ્યા વધારવા અને હયાત આવાસોની મરામત કરાવવા, કરૂણા એમ્બ્યુલન્સ અને 181 વાનની સંખ્યા વધારવા, 150 ફુટ રીંગ રોડ પરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા કુવા પર ફેન્સીંગ કરાવવા સહિતની બાબતો પર આ બેઠકમાં વિશેષ ચર્ચા-વિચારણા કરાઈ હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડ, ડી.સી.પી. સજ્જનસિંહ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. વસ્તાણી, પ્રાંત અધિકારીઓ નિશા ચૌધરી, વિમલ ચક્રવર્તી, જયસુખ લીખીયા, રાહુલ ગમારા, ગ્રીષ્મા રાઠવા, ચાંદની પરમાર, રૂડાના ચેરમેન મિયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, કાર્યપાલક ઇજનેર કે.એન.ઝાલા, પી.ડી.યુ. હોસ્પિટલના ડીન ડો.મોનાલી માંકડીયા, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, આયોજન અધિકારી નીતિન ટોકરાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, ખેતીવાડી અધિકારી તૃપ્તીબેન પટેલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક જે.એ.બારોટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.