ઉપદ્રવીઓના ફોટો પણ જાહેર કરાયા
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે ૭૦મો દિવસ છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસ સતત એક્શનમાં છે. ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાના મામલામાં પોલીસે બુધવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દીપ સિદ્ધુ(પંજાબી એક્ટર), જુગરાજસિંહ અને ગુરજંટસિંહ વિશે માહિતી આપનારને ૧ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આ સાથે જ જજબીરસિંહ, બૂટાસિંહ, સુખદેવસિંહ અને ઈકબાલસિંહ પર ૫૦-૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. આ તમામ લાલ કિલ્લામાં થયેલી હિંસામાં આરોપી છે અને ફરાર છે. આ પહેલા પોલીસે મંગળવારે ૧૨ તસવીર જાહેર કરી છે. જેમાં લાલ કિલ્લામાં તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે. એક તરફ પોલીસ આરોપીઓને શોધી રહી છે. બીજી બાજુ દીપ સિદ્ધુ (પંજાબી એક્ટર) સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમણે બુધવારે એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો. તેમાં તેમણે પોતાની સામે બોલનારને ધમકી આપી છે અને પોતે હરિયાણામાં હોવાનો દાવો કરીને પોતે સિંધુ બોર્ડરથી અડધો કલાકના અંતરે જ બેઠા હોવાની વાત જણાવી છે.