14 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં કારણ વગર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈનું નામ જોડવું એ ઈષાળુનો મલ્લિન ઈરાદો
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચુંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાજેતરમાં જ અધ્યાપક માટેની મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ સિન્ડીકેટ અને ડીન ડો.મેહુલ રૂપાણીનું નામ કેન્સલ કરવામાં આવ્યું છે. જેને લઇને વાતાવરણ ગરમાયું છે. આ બાબતે ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે સેનેટની મતદારયાદીમાં ફોર્મ-16 (એ) નર્યુતુત છે. છેલ્લા 14 વર્ષથી વધુનો સમય થયો યુનિવર્સિટીમાં મારી સેવાને લઇ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નામ જોડવું એ ઇર્ષાળુઓનો મલ્લીન ઇરાદો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીચર્સ બેઠક અંતર્ગત હું 2012માં સૌપ્રથમવાર પછી 2017માં બીજીવાર ચૂંટાઇને આવ્યો છું. ટીચર્સની બેઠક ઉપરથી હું સિન્ડીકેટ સભ્યો પણ બનેલો છું. દરેક વખતે મેં મારૂં ઉમેદવારી પત્રક ટીચર્સ છું. તેવી બાંહેધરી મેં આપેલી જ છે અને કોઇએ વિરોધ લીધો નથી. એટલું જ નહિં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિજ્ઞાન વિદ્યા શાખાના ડીન તરીકે પણ હું ચૂંટાઇને આવ્યો છું. ડીન તરીકે કોણ આવી શકે તેમાં ટીચર્સ અને સેનેટ સભ્ય જ આવી શકે. મને આ વખતની ચુંટણી પ્રક્રિયામાં ભાગ લેવો ન હતો. એટલે મેં નવી વ્યવસ્થા અંતર્ગત ફોર્મ નં.16 જમા ન કરાવ્યું. કારણ કે મારે ચૂંટણી લડવી ન હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરંપરા રહી છે કે કોઇપણ ડીનને બે ટર્મ મળે છે. મારા ડીન તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવામાં હતો ત્યારે બીજી ટર્મ મને મળે તે પ્રકારનું વાતાવરણ પણ હતું. છતાં મારા પી.એચડી.ના ગાઇડે મને વિનંતી કરી હતી કે મને ડીન સીટ તરીકે ટર્મ આપવામાં આવે અને મેં મારી ડીનશીપ તેમના ટેકામાં છોડી હતી.
16(એ) ફોર્મ રજૂ કરવું એ સ્ટેચ્યૂટમાં નથી પરંતુ આવા 374 અધ્યાપકો જેની પાસે 16(એ) ફોર્મ નથી: કુલપતિ
કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ ટીચર્સની મતદારયાદી જાહેર કરવામાં આવી છે. એક ફરિયાદને આધારે મતદારયાદીમાં 16(એ)ની ચકાસણી કરવામાં આવી અને તેઓને 16(એ) રજૂ કરવા જાણ પણ કરી હતી. જો કે, હોમિયોપેથી, તબીબી, મેનેજમેન્ટ અને ફાર્માસી સહિતની ફેકલ્ટીમાં 374 જેટલા અધ્યાપકો એવા છે કે જેની પાસે 16 (એ) ફોર્મ નથી. સ્ટેચ્યૂટમાં 16(એ) રજૂ કરવું એવી જોગવાઇ નથી પરંતુ મતદારયાદી સુધારણામાં 16(એ) ફોર્મ ચોક્કસથી તપાસી શકાય.
મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ વિઘ્નસંતોષીઓ કરી રહ્યા છે: મેહુલ રૂપાણી
ડો.મેહુલ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કે જેઓ મારા કાકા થાય છે. તેની લોકપ્રિયતા આજે પણ એટલી અંકબંધ છે. તેમની લોકપ્રિયતાને લઇ ઇર્ષાળુ અને વિઘ્નસંતોષી લોકો કારણ વગર શુલ્ક બાબતમાં તેનું નામ ધસડી અને તેની લોકપ્રિયતાની પીડા અનુભવે છે. આવા વિઘ્નસંતોષી લોકોને મારે કહેવું છે કે 14 વર્ષની શૈક્ષણિક કરિયર બાબતમાં ડાઘ લાગેલો નથી અને મારી લાયકાતને લઇ બિનજરૂરી પ્રશ્ર્નો ઉછાળતા આવા વિઘ્નસંતોષીઓને મારો ખુલ્લો પડકાર છે.
મારી પાસે ફોર્મ-16(એ) છે: ડો.મેહુલ રૂપાણી
જો કે ડો.મેહુલભાઇ રૂપાણીના જણાવ્યા મુજબ ફોર્મ-16 (એ) મતદારયાદી માટે જરૂરી નથી. આજ તારીખ સુધી ફોર્મ-16 (એ) જમા ન કરાવ્યાને લઇને મારૂં મતદારયાદીમાંથી નામ કાઢવામાં આવ્યું છે. તેની મને લેખિતમાં જાણ કરવામાં આવી નથી. મારી પાસે ફોર્મ-16(એ) છે જ. તેની નકલ પણ તેઓ ‘અબતક’ મીડીયા સમક્ષ લઇને આવ્યા હતા. યુનિવર્સિટીના સ્ટેચ્યૂટમાં 16-એ રજૂ કરવું તેવું મારા મત મુજબ ક્યાંય ધ્યાનમાં નથી. વીસીએ પોતાની રીતે નિયમ બનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે.