જિલ્લા કલેકટરે 5 સભ્યોની તપાસ સમિતિની રચના કરી : આરોગ્ય અધિકારીને રખાયા દૂર.
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ગેરરીતિ આચારવમાં આવી છે જેમાં આરોગ્યના સ્ટાફ દ્વારા સેલિબ્રિટીના નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આશ્ચર્યની વાત એ છે સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓનાં નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યાં હતાં. આ વાતની ગંભીરતાને લઈ જૂનાગઢ કલેકટર રચિત રાજ દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અધિકારીઓનું દબાણ હોઈ ત્યારે જ આ પ્રકારની સ્થિતી ઉદ્ભવે છે. સૂત્રો દ્વારા કેટલાક અધિકારીઓ તો એમ પણ કહેતા હતા ગમે તેમ કરો, ટાર્ગેટ પૂરો થવો જોઈએ. એને કારણે અનેક જગ્યાએ રસીકરણની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હતી, જેમાં ગમે તે વ્યક્તિનું નામ લખીને રસી અપાય ગયાની પ્રોસેસ કરવામાં આવી હતી. આવાં સર્ટિફિકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે. એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ જ નહીં, કોરોનાની કીમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવી શકે છે.
ફિલ્મ સ્ટાર અને ક્રિકેટરના ભળતા નામ સાથે જૂનાગઢ જિલ્લામાં કોરોના વેક્સિનેશનના સર્ટિફિકેટ ઈસ્યુ થયાના અહેવાલ બાદ જૂનાગઢ કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી રચવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ કરશે અને તપાસમાં જે કોઈની બેદરકારી જણાશે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની કલેકટર રચિત રાજ દ્વારા વાત કરવામાં આવી હતી.