ડિજિટલ ઈન્ડિયાની બ્રોડબેન્ડની જરૂરિયાત, ઉર્જા સંરક્ષણ સહિતના મહત્વની માંગ માટે ઈસરો વિવિધ ૩૨ મિશનોને વેગ આપશે
વર્ષ ૨૦૧૮ ઈસરો માટે ખૂબજ સફળ રહ્યું હતું. જેમાં ભારતે એકી સાથે ૩૧ સ્પેસ સેટેલાઈટો લોન્ચ કરી ઈતિહાસ સર્જયો હતો. ત્યારે આ વર્ષે ઈસરોએ ખેતીને લગતી સુવિધાઓ, પાણીની સમસ્યા, બ્રોડબેન્ડ કનેક્ટિવીટી અને ડચકા ખાતી ઈન્ટરનેટ સ્પીડને સુધારવા માટે શ્રીહરી કોટાના ઈસરો સતીષ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી ૩૨ મિશનો લોન્ચ કરવાનો સંકલ્પ લીધો છે. આ રોકેટોમાં જીએસએલવીએમકે-૩ ચંદ્રયાન-૨ માટે રહેશે જે સ્પેશ પોર્ટ ઉપરથી લોન્ચ થનારૂ ૨૫મું મીશન રહેશે.
નવા વર્ષે ઈસરોના ચેરમેન કે.શિવને કહ્યું હતું કે, આ વર્ષે મિશન ગગનયાનના વિકાસને લગતા નાના સેટેલાઈટ વાહનો આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. વિવિધ ટેકનોલોજી અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના સમન્વયથી માનવ સહિત સ્પેશ ક્રાફટ ગગનયાન માટે વર્કઆઉટ તૈયાર કરવામાં આવશે. ઈસરોના ૩૨ મિશનમાં ૧૪ હવાઈ વાહનો, ૧૭ સેટેલાઈટો અને એક ટેક ડેમો વેબસાઈટ તૈયાર કરવામાં આવશે.
ઈસરો જીઆઈએસએટી સીરીઝની ક્ષમતા વધારનાર જીઓ ઈમેઝીંગ કેપેસીટી ઓપરેશનમાં ભાગ લેવાનું લક્ષ્ય ધરાવે છે જે જીએસએલવી અને તેની સાથેના સીરીઝ સેટેલાઈટોના લોન્ચીંગની ક્ષમતા વધારશે.આ વર્ષે ઈસરો દેશની ડિજીટલ ઈન્ડિયાની બ્રોડબેન્ડની માંગ આંતરીક કનેક્ટિવીટીની જરૂરીયાત પૂર્ણ કરશે. આ ઉપરાંત કૃષિ પ્રધાન ભારતની વાવણી તેમજ ઉત્પાદનની ક્ષમતા વધારવાના ભાગરૂપે ક્રોપ પ્રોડકશન પાણી અને ઉર્જા સુરક્ષા અંગે પણ કેટલાક મિશનો હાથ ધરશે. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટો ઓર્ગેનાઈઝ કરવામાં આવશે.