રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં ઈસરોના વૈજ્ઞાનિકોનું વ્યાખ્યાન
ઈસરો પ્રદર્શન અને સાયન્સ કાર્નિવલનો આજે અંતિમ દિવસ ફયુચર ઓફ સ્પેસ સાયન્સ ટેકનોલોજી એન્ડ ચેલેન્જીસ વિષય પર પરિસંવાદ
રાજકોટમાં એવીપીટીઆઈ કોલેજમાં ચાલી રહેલા એવીપીટીઆઈ, વીવીપી ઈજનેરી કોલેજનાં સંયુકત ઉપક્રમે ઈસરો કાર્નીવલનાં ભાગરૂપે રામકૃષ્ણ આશ્રમનાં વિવેક હોલ ખાતે ખીચોખીચ મેદનીની વચ્ચે ઈસરોનાં સીનીયર વૈજ્ઞાનિકો ડો. ચીરાગ ધવન, ડો. જયંત જોશી, ડો. ભગીરથ માંકડ, ડો. સતીષ રાવ, ડો. કશ્યપ માંકડની પેનલે પરિસંવાદ કર્યો હતો. જેમાં શ્રોતાજનોએ પણ ઉત્સાહસભર રીતે તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ પ્રશ્ર્નો પૂછયા હતા. તેમની સાથે મંચ પર રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી અને એવીપીટીઆઈનાં પ્રિન્સીપાલ ડો. એ.એસ. પંડયા હાજર રહ્યા હતા વૈદિક પ્રાર્થના અને ભદ્રસૂકતના સુંદરગાન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. એવીપીટીઆઈનાં પ્રિન્સીપાલ ડો. એ.એસ.પંડયાએ સ્વાગત વ્યાખ્યાન કર્યું હતુ અને સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીનાં આર્શીવચને સભામાં નવું જોશ લાવી દીધું હતુ. તેમણે સ્વામી વિવેકાનંદજીના જીવનની અદભૂત પળોની સાથે સાથે ડો. એ.પી.જે.અબ્દુલ કલામ રાજકોટ આવ્યા હતા. ત્યારે રામકૃષ્ણ આશ્રમનાં હોલમાં કઈ રીતે ધ્યાનસ્થ થઈ ગયા હતા તેની વાત કરી હતી. પરિસંવાદની શરૂઆતમાં ડો. રાવ સરે જણાવ્યું હતુકે, ગર્વમેન્ટ ઓર્ગેનાઈઝેશન હોવા છતાં આટલું સરળ થવું તે ઈસરોની ખાસીયત છે ૧ કી.મી. -૧ કી.મી.નાં રીઝોલ્યયુશનમાંથી ઈસરો ચાલીસ વર્ષમાં ૨૦ સે.મી. – ૨૦ સે.મી. એટલે કે પાંચ હજાર ગણું વિકસી ગયું છે.
ડો. દિવાન સરે કહ્યું હતુ કે, બીજા કોઈપણ દેશ કરતા સ્પેસ સાયન્સમાં આપણે પાછળ ન રહી જઈએ તેઈસરોનો પ્રયાસ છે. ફીશરીઝ, એગ્રીકલ્ચરમાં અમારા ઉપગ્રહોની ખૂબ ઉપયોગીતાઓ છે. ટેલી એજયુકેશન અને ટેલીમેડીસીનમાં તો અમે ૪૦ વર્ષથી કામ કરીએ છીએ અને સમાજ તેના ફળો ચાખી રહ્યો છે.ઈસરો આ ૪૦ વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. વિક્રમ સારાભાઈનાં ૧૦૦માં વર્ષમાં અને ૫૦૦ જગ્યાએ પ્રદર્શનો યોજવાનું નકકી કર્યું છે. બધે જ ખૂબ મોટો આવકાર અમને મળે છે.
ડો. જયંત જોશીએ જણાવ્યું કે, સૌ પ્રથમ એસ.એલ.વી. ૩ એટલે કે સેટેલાઈટ લોન્ચ વ્હીકલ લોન્ચ કર્યું ત્યારે ત્રણ ટીમ હતી. તેમણે કહ્યું હતુ કે, હું જયારે નવો નવો ઈસરોમાં જોડાયો ત્યારે એક વખત એવું પણ બન્યું કે, ડો. કલામ સાવ નીચે મારી સાથે આવીને બેસી ગયા હતા. ડો.ભગીરથ માંકડે જણાવ્યું હતુ કે ૪૦૦ થી ૫૦૦ કીમી ઉપરથી ઈસરો આજે ૨૦ સેન્ટીમટરની વસ્તુ જોઈ શકે છે. ઈસરોનું કલ્ચર ખૂબજ ઈન્ફોર્મલ છે. મોટામાં મોટો, માણસ, પણ નાનામાં નાના માણને માન આપે છે. ઈસરો સામે આ વર્ષો દરમિયાન આવેલા દરેક પડકારને ઈસરોએ પાર કર્યા છે.