ઈસરોએ નવા વર્ષમાં ફરી એક વખત નવો ઈતિહાસ રચી દીધો છે. ચંદ્રયાન-3 ની સફળતા બાદ દેશના પ્રથમ સૂર્ય મિશનના પ્રક્ષેપણ પછી ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ એક્સપોસેટ મિશન શરૂ કરી દીધું છે. જેનું આજે લોન્ચિંગ સફળ રહ્યું છે.
આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે: સેટેલાઇટ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરશે
એક્સપોસેટ એક્સ-રે સ્ત્રોતો શોધવા અને બ્લેક હોલ્સની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. આ મિશન લગભગ પાંચ વર્ષ સુધી ચાલશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને ચેન્નાઈથી લગભગ 135 કિમી પૂર્વમાં સ્થિત સ્પેસ સેન્ટરથી સોમવારે સવારે 9.10 વાગ્યે એક્સપોસેટ લોન્ચ કર્યું હતું. ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)-સી58 રોકેટે એક્સપોસેટ સાથે તેની 60મી ઉડાન ભરી છે. અને અન્ય 10 ઉપગ્રહોને પણ સાથે લઈને ગયું છે. આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. લોન્ચ માટે 25 કલાકનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થયું હતું.
આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. એક્સપોસેટનો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ઈસરો સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ઇસરો માટે સિદ્ધિથી ભરેલું રહ્યું હતું. ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો હતો. 42 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. ભારત આમ કરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે હતી. આ પછી ભારતે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું.