સેટેલાઈટ મારફતે ટેલીમેડિસીન પઘ્ધતિથી ભૂમિદળ, વાયુદળ અને નૌસેનાના સૈનિકોને તબીબી સારવાર અપાશે
ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો માત્ર અવકાશી સંશોધનોને બદલે હવે સીયાચીન જેવા દુર્ગમ સ્થળો પર ફરજ બજાવતા સૈનિકોની તબીબી સારવાર માટે ટેલીમેડિસીન પઘ્ધતિથી મેદાને આવી છે. આ માટે ઈસરો અને ભારતીય રક્ષા વિભાગ સાથે કરારો પણ કરી લેવામાં આવ્યા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
ભારતીય સેના, નૌકાદળ અને એરફોર્સ માટે ઈસરો દ્વારા ખાસ ટેલીમેડિસીન પઘ્ધતિથી સારવાર આપવા રક્ષા વિભાગ સાથે કરારો કરવામાં આવ્યા છે. પહેલા તબકકામાં ઈસરો જુદા-જુદા ૨૦ સ્થાનો નકકી કરી સૈનિકોને સારવાર આપવા ખાસ માળખુ ઘડી કાઢયું છે. ઈસરો સેના માટે કુલ ૫૩ એવા સ્થળ ઉભા કરશે જેના થકી દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવતા વિર જવાનોને તાત્કાલિક સારવાર મળી શકે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી ઉંચા યુદ્ધા સ્થળ તરીકે ઓળખ ધરાવતા સીયાચીનમાં ખાસ કરીને શિયાળા દરમિયાન માઈન્સ ૬૦ ડિગ્રી જેટલા તાપમાન વચ્ચે પણ ભારતીય સેનાના જવાનો ફરજ બજાવતા હોય છે. કપરા સંજોગોમાં ફરજ બજાવતા આ સૈનિકોની તબિયત લથડે ત્યારે માત્ર ને માત્ર હેલીકોપ્ટર દ્વારા સારવારનો એકમાત્ર વિકલ્પ હોય છે પરંતુ હવે ટેલીમેડિસીન સારવાર પઘ્ધતિ થકી ઈસરો આવા દુર્ગમ સ્થળોએ પણ સેકન્ડોમાં સેનાના જવાનની તબિયતની કાળજી લઈ શકશે.
દરમિયાન ઈસરોના ચેરમેન કે.શિવાને જણાવ્યું હતું કે, રક્ષા વિભાગ સાથે સતાવાર રીતે ટેલીમેડિસીન સારવાર પઘ્ધતિ અંગે એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઈસરો અમદાવાદ દ્વારા ટેલીમેડિસીન પઘ્ધતિ અંગે સેનાના જવાનોને ખાસ તાલીમ આપવામાં આવશે. આ ટેલીમેડિસીન પઘ્ધતિમાં એઈમ્સ જેવી હોસ્પિટલના તબીબો અને સ્પેશિયલ ડોકટરોની ટીમ સતત ખડેપગે રહી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૧માં સેટેલાઈટ મારફતે ટેલીમેડિસીન પ્રોગ્રામ ઈસરો દ્વારા શરૂ કરાયો હતો. આ નેટવર્કમાં અગાઉ લદાખ, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ સહિતના દુર્ગમ વિસ્તારો તેમજ કર્ણાટક, કેરાલા, છતીસગઢ, ઝારખંડ, વેસ્ટ બેંગોલ, આંધપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન જેવા રાજયોના દુર્ગમ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.